અમદાવાદઃ અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવેકાનંદનગર પોલીસ મથકમા ફરિયાદી જનાર્દન શર્મા દ્વારા ફરિયાદ નોંધવામા આવી હતી કે હીરાપર ગામે આવેલા નિત્યાનંદ આશ્રમમાં રહેતા તેમના બે સગીર બાળકોનું અપહરણ કરી, ગોંધી રાખી, બાળમજૂરી કરાવવામા આવે છે. ઉપરાંત બાળકો પાસે મજૂરી કરાવી આશ્રમ કરોડો રૂપિયાનું ડોનેશન મેળવે છે અને મારી નાખવાની ધમકી આપવામા આવે છે. જે ગુનાની તપાસ દરમિયાન એસઆઈટી દ્વારા પ્રિયાતત્વા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરી હતી..
નિત્યાનંદ પર વધુ કસાયો સકંજો, પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ, રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાશે - ચાર્જશીટ
નિત્યાનંદ આશ્રના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમા ચાર્જશીટ રજૂ કર્યુ છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. પોલીસે કલમ 70 મુજબનું વોરંટ મેળવી રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસ ચોપડે ફરાર નિત્યાનંદ હાથે લાગે છે કે કેમ તે મોટો સવાલ છે.
જોકે મુખ્ય આરોપી નિત્યાનંદને પોલીસે ચાર્જશીટમાં વોન્ટેડ દર્શાવ્યો છે. ઉપરાંત અગાઉ પણ પોલીસે નિત્યાનંદ વિરુદ્ધ બ્લ્યુ કોર્નર નોટિસ મેળવી હતી. જોકે હવે પોલીસ ઈન્ટરપોલની મદદથી વધુ સખત કાર્યવાહી કરશે..
અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી કે ટી કામરિયાએ જણાવ્યું છે કે એસઆઈટી એ તપાસ દરમિયાન 50 સાક્ષીઓના જવાબ નોધી 83 પાનાનું ચાર્જશીટ કોર્ટમા રજૂ કર્યુ છે. ઉપરાંત પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વા વિરુદ્ધ મહત્તમ પુરાવા પણ રજૂ કર્યા છે. જેમાં બાળમજૂરી દ્વારા મેળવવામાં આવેલા 9.64 લાખ રૂપિયાના દાનને પણ પુરાવા તરીકે લેવામાં આવ્યું છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર સ્વામીને પ્રમોટ કરવા કરાતી કામગીરીને પણ આરોપી વિરુદ્ધ પુરાવા તરીકે લેવામા આવ્યાં છે. જોકે નિત્યાનંદ હાલ ક્યાં છે તે અંગે કોઈ માહિતી ન મળતા તેને લાલ શાહીથી નાસતો ફરતો બતાવવામાં આવ્યો છે. ઉપરાંત ગુમ થયેલી બન્ને બહેનોએ કિંગશ્ટનમાથી એફિડેવિટ રજૂ કરી છે. ઉપરાંત પોલીસ નિત્યાનંદ વિરુદ્ધ 70 મુજબનુ વોરંટ મેળવ્યા બાદ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરશે.
મહત્વની વાત છે કે નિત્યાનંદ આશ્રમ શરૂ થયાના એક વર્ષમાં જ નિત્યાનંદની પાપલીલા સામે આવી હતી. જે અંગે ફરિયાદ પણ થઈ અને સમય મર્યાદામાં ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી તેમ છતાં ગુનાના બન્ને મુખ્ય પાસાં એટલે કે નિત્યાનંદ અને ફરિયાદી જનાર્દન શર્માની બન્ને દીકરીઓ કોર્ટ કે પોલીસ સમક્ષ આવી નથી. ત્યારે હવે ચાર્જશીટ બાદ કોર્ટનું વલણ શું રહે છે તે જોવુ મહત્વનું છે.