- ગુજરાતના મોટા શહેરોમાં કોરોના અને કરફ્યૂને કારણે ST વિભાગની 1304 ટ્રીપ રદ્દ
- વડોદરા, સુરત અને રાજકોટની મોટાભાગની રાત્રિ ટ્રીપ્સ રદ્દ
- અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન કેટલી ટ્રીપ્સ રદ્દ થશે તે અંગેનો નિર્ણય હજૂ બાકી
અમદાવાદ : રાજ્યમાં દિવાળીના પર્વ બાદ એકાએક કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ અમદાવાદમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિના સમયે કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે રાતના 9 કલાકથી સવારના 6 કલાક સુધી ગુજરાતના મુખ્ય શહેરોમાં રાત્રિ કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના 3 મોટા શહેરોમાં STની 1304 ટ્રીપ રદ્દ મોટા શહેરોમાંથી રોજની હજારો ST ટ્રીપ્સ
આ સમયગાળા દરમિયાન આ શહેરોમાં આવતી, ઉપડતી અને પસાર થતી ST બસ સેવાઓ બંધ રહેશે. આ શહેરોમાંથી ST બસ બાયપાસ થઇને જઇ શકશે. અમદાવાદ શહેરમાંથી દૈનિક 2,737 ટ્રીપ, વડોદરામાંથી રોજની 1,611 ટ્રીપ, રાજકોટમાંથી 1,322 ટ્રીપ અને સુરતમાંથી 1,107 ટ્રીપોની અવરજવર થાય છે.
અમદાવાદ શહેરથી ટ્રીપ્સ અંગે નિર્ણય બાકી
આ પૈકી રાત્રિ કરફ્યૂ દરમિયાન દૈનિક વડોદરા ખાતેની 531 ટ્રીપ, રાજકોટ ખાતેની 378 અને સુરત શહેરની 395 ટ્રીપ ST વિભાગ દ્વારા રદ્દ કરવામાં આવી છે. એટલે કે, કુલ 1,304 ટ્રીપ્સ રદ્દ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં હજૂ એક દિવસ અને ત્યાર બાદ રાત્રિ કરફ્યૂ હોવાથી અમદાવાદ શહેરની ટ્રીપ્સ અંગેનો નિર્ણય ST વિભાગ દ્વારા આગામી સમયમાં લેવાશે. પ્રવાસીઓને તકલીફ ન પડે તેમ કરફ્યૂમાંથી છૂટના સમય દરમિયાન STનું સંચાલન સમયસર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.