અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અમલી બનાવવા શિક્ષણ સંસ્થાઓમાં માળખાગત ફેરફાર અને ચર્ચાઓ બાદ વિશદ છણાવટ કરવી જરૂરી છે. જેને લઈને ગઈકાલે જ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિ અને શિક્ષણવીદોની એક ટાસ્કફોર્સ બનાવી છે. જે નવી શિક્ષણનીતિને અમલી બનાવવા માટે જરૂરી શક્યતાઓ અને મુદ્દાઓ તપાસીને તેનો બહુઆયામી રિપોર્ટ રજૂ કરશે.
નવી શિક્ષણનીતિ મુદ્દે GLS યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલનો વેબિનાર યોજાયો
કોરોના મહામારીમાં અનેક સંસ્થાઓએ પોતાની બેઠકો વેબીનાર દ્વારા યોજી છે. ત્યારે ચર્ચાઓ માટેનું સલામત અને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પણ વેબીનાર જ છે. તાજેતરમાં જ ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત 34 વર્ષ જૂની શિક્ષણ પદ્ધતિને બદલીને વધુ આધુનિક અને ક્રાંતિકારી શિક્ષણ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે.
10 સપ્ટેમ્બરના રોજ નવી શિક્ષણનીતિની હાયર એજ્યુકેશન પર અસર અને શક્યતાઓ તપાસવા માટે અમદાવાદની GLS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ કોમર્સ દ્વારા વેબિનાર યોજવામાં આવ્યો હતો. નેશનલ લેવલનો આ વેબીનાર સવારે 11:00 વાગે શરૂ થયો હતો અને બપોરે 1:00 વાગે સંપન્ન થયો હતો. આ વેબીનારમાં સંપૂર્ણ દેશમાંથી અગ્રણી શિક્ષણવિદોએ ભાગ લીધો હતો. ખાસ કરીને ઇન્ડિયન યુનિવર્સિટી એસોસિએશનના જનરલ સેક્રેટરી પંકજ મિત્તલ આ વેબીનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બે કલાક યોજાયેલા આ વેબિનારમાં નવી શિક્ષાનીતિના અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.