- રાષ્ટ્રીય ખેડૂત યુનિયનના સેક્રેટરી યુદ્ધવીર સિંહ ગુજરાત આવ્યા
- 04 એપ્રિલે રાકેશ ટીકૈત પાલનપુર ખાતે ખેડૂતોને મળશે
- 05 એપ્રિલે રાકેશ ટીકૈત બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે
- શંકરસિંહ વાઘેલા પુર્વ મુખ્યપ્રધાન ભાજપ પર રોષે ભરાયા
અમદાવાદ: આજે શનિવારે અમદાવાદમાં રાકેશ ટીકૈતની ગુજરાત મુલાકાતને લઇને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરાતા, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ખૂબ જ રોષે ભરાયા હતા. તેમને ભાજપ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોની અટકાયત કરી. શું ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરવા મંજૂરી લેવાની હોય ? શું આ સરકારમાં બોલવાનો અધિકાર નથી ?
સરકાર કોરોનામાં મેચને પરવાનગી આપે ખેડૂતોને એક પ્રેસ કોન્ફરન્સ માટે નહીં ?
શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું. મેચ જોવા ગયેલા IIMના 05 વિધાર્થીઓએ અન્ય 25ને કોરોના સંક્રમિત કર્યા હતા. ખેડૂતો આતંકવાદી નથી. કયા રેકોર્ડ પર સંયુક્ત કિસાન મોરચાનાં નેતાઓને રોકવામાં આવ્યાં ? મેચ માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા સરકારે પરમિશન લીધી હતી ?
આ પણ વાંચો :ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં
શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને બટાકાનો આજે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેઓ બટાકા રોડ પર ફેંકી રહ્યાં છે. MSPએ કોઈ મજાક નથી. અમે ખેડૂતોની વાત સાંભળવા માગીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતોની વેદના સાંભળવામાં શું ગુનો છે ?
શંકરસિંહની સરકારને ચેલેન્જ
રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતા વ્યંગમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમનું નામ બદલી 'મોહન મધુકર ભાગવત' આશ્રમ કરી દો. અંબાજી, ઊંઝા સહિત ગુજરાતના અનેક સ્થળો પર ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત જશે જ. સરકારથી થાય તે કરી લે. શું અંબાજીના દર્શન કરવા જતાં પણ સરકાર રોકશે ?