- અમદાવાદમાં વડાપ્રધાને દાંડીકૂચને પ્રસ્થાન કરાવી
- આપણાં દેશમાં નમકનો મતલબ ઈમાનદારી : વડાપ્રધાન
- દાંડી યાત્રાના 17 વર્ષ બાદ દેશ આઝાદ થયો
અમદાવાદ: ભારતના આઝાદીના 75માં વર્ષના ઉપલક્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાબરમતી આશ્રમથી ફરી એકવાર દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં 81 જેટલા નામી સ્વયંસેવકો જોડાયા હતા. આ માટે વડાપ્રધાન સવારે 10.15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાંથી પોતાના કાફલા સાથે તેઓ સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. જ્યા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ વિઝિટર બુકમાં તેઓએ સંદેશ પણ લખ્યો હતો.
ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં વડાપ્રધાન મોદીએ સંદેશો લખ્યો હતો. આ પણ વાંચો:PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો
રંગારંગ કાર્યક્રમ ઉજવાયો
ત્યારબાદ વડાપ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈના સમાધિસ્થાન 'અભયઘાટ' પર સંબોધન કરતાં પહેલા 'ચિત્ર' એક્ઝિબિશન નિહાળ્યું હતું. વડાપ્રધાનના સંબોધન પહેલા રંગારંગ કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ અને ઉત્સાહ પ્રેરતા ગીતો ઉપરાંત ભારતના સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરાયા હતા. પ્રખ્યાત ગાયકો ઝુબિન નૌટિયાલ, હરિહરને ગીતો રજૂ કર્યા હતા. દેશ પ્રેમના ગીતોથી ડોમ ગુંજી ઉઠ્યો હતો. સાથે જ વડાપ્રધાને ' આઝાદી અમૃત મહોત્સવ' ની વેબસાઈટ લોન્ચ કરી હતી. # વોકલ ફોર લોકલ અંતર્ગત સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી.
આ પણ વાંચો:આજે દાંડીયાત્રા દિવસઃ બાપુએ મીઠાના કાનૂન સામે અંગ્રેજને પડકાર ફેક્યો હતો
વડાપ્રધાને સંબોધનમાં સ્વાતંત્ર્ય સેનનીઓને યાદ કર્યા
વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ હતું કે, આઝાદ ભારતમાં ઐતિહાસિક અવસરે દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજે આ શુભ દિવસે દેશની રાજધાનીમાં પણ વરસાદની અમૃત વર્ષા થઇ હતી. વડાપ્રધાને મહાત્મા ગાંધીની સાથે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા તમામ સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. સ્વતંત્રતા દરમિયાન દેશમાં થયેલા આંદોલન વિશે પણ ઉચ્ચારણ કર્યું હતું. દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવતા તેમણે જણાવ્યું હતું કે, ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનતાં તેઓ હર્ષ અનુભવી રહ્યા છે. તમામ તીર્થ સ્થાનોનો સંગમ આજે એક સ્થળે થયો છે.
ગાંધી આશ્રમ ખાતે વડાપ્રધાન મોદીએ ગાંધીજીને પ્રણામ કર્યા હતા. આ પણ વાંચો:નવસારીનો એ દરિયા કિનારો, જ્યાંથી એક ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ 200 વર્ષ જૂના અંગ્રેજી શાસનનાં પાયા હલાવી નાંખ્યા
અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશને આત્મનિર્ભરતા તરફ દોરવાનો
અમૃત મહોત્સવ પર બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આત્મનિર્ભરતાનો મહોત્સવ, રાષ્ટ્રના નિર્માણનો મહોત્સવ, દેશના સ્વપ્નને પૂરા કરવાનો મહોત્સવ. અમૃત મહોત્સવ અંતર્ગત આજે દેશમાં ઠેર-ઠેર ઉજવણીનો આરંભ થયો છે. 75 અઠવાડિયા એટલે કે 2023 સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. સાથે જ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પણ આ મહોત્સવ સાથે ઉજવાશે. અમૃત મહોત્સવનો ઉદેશ દેશને આત્મનિર્ભરતા તરફ દોરવાનો છે.
આ પણ વાંચો:દાંડીયાત્રા સ્વાભિમાન અને સ્વાવલંબનનું પ્રતિકઃ પ્રહલાદસિંહ પટેલ
કોણ-કોણ રહ્યું ઉપસ્થિત
વડાપ્રધાન સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, કેન્દ્રીય પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાબરમતી આશ્રમના ટ્રસ્ટી અમૃત મોદી, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહયા હતા. ઉપરાંત કાર્યક્રમમાં અનુપમ ખેર, કેન્દ્રીય કૃષિરાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલા, સાંસદ નરહરિ અમીન, રાજ્ય પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.