- એક મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી બીજી વખત કોકેઈન ઝડપાયું
- દુબઈથી આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે ઝડપાયો
- NCB દ્વારા આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી
ન્યૂઝ ડેસ્ક: આજે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ને મોટી સફળતા મળી છે. NCBએ દુબઈથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા એક આફ્રિકન નાગરિકને અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના કોકેઈન સાથે ઝડપી પાડ્યો છે.
NCBએ શરૂ કરી તપાસ
NCBએ દુબઈથી અમદાવાદ આવી પહોંચેલો આ આફ્રિકન નાગરિક કોકેઈનનો આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને અમદાવાદ આવ્યા બાદ કોણે પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ આરંભી છે. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં સંકળાયેલો છે કે કેમ? અને ગુજરાતમાં તેના સંપર્કો અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
12 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું હતું કોકેઈન
ઉલ્લેખનીય છે કે, ગત 12 ઓગસ્ટના રોજ પણ અમદાવાદ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગમાંથી ડેરિક પિલ્લાઈ નામના એક શખ્સને 4 કિલો કોકેઈન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી દિલ્હીથી અમદાવાદ ફ્લાઈટમાં આવી રહ્યો હતો. તેની પાસેથી પકડાયેલા કોકેઈનની બજાર કિંમત અંદાજે 20 કરોડ આંકવામાં આવી હતી.