ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કરાર થયા - Indus Valley Civilization

કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) તેમજ સંસ્કૃતિ મંત્રાલયે (MoC) ગુજરાતમાં લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ (NMHC)નું નિર્માણ કરવા માટે પારસ્પરિક સહયોગના ઉદ્દેશથી સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

xxx
ગુજરાતના લોથલમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલના નિર્માણમાં સહયોગ માટે સમજૂતી કરાર થયા

By

Published : Jun 17, 2021, 6:58 AM IST

  • અમદાવાદથી લોથલ 80 કિલોમીટર દૂર છે
  • લોથલને એક સંપૂર્ણ પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે
  • ભારતની ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ સમુદ્રી કિર્તી પ્રદર્શિત થશે


અમદાવાદ : કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયા અને કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) પ્રહલાદસિંહ પટેલ નવી દિલ્હીમાં પરિવહન ભવન ખાતે આ MoU પર હસ્તાક્ષર માટે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, NMHC દેશમાં આ પ્રકારનું પ્રથમ નિર્માણ હશે જે ભારતના સમુદ્રી વારસા માટે સમર્પિત રહેશે, જે ભારતની ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ સમુદ્રી કિર્તી પ્રદર્શિત કરશે. આ MoU પર હસ્તાક્ષર કરવાથી અને સાંસ્કૃતિક મંત્રાલય સાથે સહયોગથી આપણા દેશમાં એક જ જગ્યાએ દેશના મજબૂત સમુદ્રી ઇતિહાસ અને સમુદ્રકાંઠાની ધબકતી સંસ્કૃતિ બંનેને પ્રદર્શિત કરવાનું સુવિધાજનક બનશે અને તેનાથી આંતરરાષ્ટ્રીય મંચમાં ભારતના સમુદ્રી વારસાની છબી વધુ ઉન્નત થશે.

દેશનો સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડશે

સાંસ્કૃતિક વારસાના વિરાટ ખજાના વિશે વાત કરતાં પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું હતું કે, આપણે આ ખજાનાને એક જગ્યાએ સાથે મુકવાની જરૂર છે. આ MoU અને સંગ્રહાલય દેશના સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવશે. આપણે આપણાં સાંસ્કૃતિક વારસાને આ સંગ્રહાલયના માધ્યમથી દુનિયા સમક્ષ રજૂ કરવા માટે અને તેની મહાનતાને રજૂ કરવા માટે સમર્થ બની શક્યા છીએ.

આ પણ વાંચો : વડનગરની ઐતિહાસિક ધરોહર, પૌરાણિક ચીજવસ્તુઓ અને દીવાલ મળી આવી

પ્રાચીનકાળથી લઇને અર્વાચિનકાળ સુધી

રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલમાં અનેક વિશ્વકક્ષાની સુવિધા હશે, જેનું નિર્માણ ગુજરાતના અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર લોથલ ખાતે ASI સાઇટની નજીકમાં કરવામાં આવશે. NMHCનું નિર્માણ એવા આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે કરવામાં આવશે, જ્યાં પ્રાચીનકાળથી લઇને અર્વાચિનકાળ સુધીના ભારતના સમુદ્રી વારસાને પ્રદર્શિત કરવામાં આવશે અને ભારતના સમુદ્રી વારસા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મનોરંજન સાથે જ્ઞાનપૂર્તિનો અભિગમ અપનાવવામાં આવશે.

400 એકર વિસ્તારમાં નિર્માણ થશે

આ પરિયોજનાનું નિર્માણ કરવા માટે, જમીનનું હસ્તાંતરણ કરવાની ઔપચારિકતાઓ પૂરી કરી દેવામાં આવી છે અને પર્યાવરણ અંગેની મંજૂરી સહિત જમીન સંબંધિત તમામ મંજૂરીઓ પણ આપી દેવામાં આવી છે. લગભગ 400 એકરના વિસ્તારમાં NMHCનું નિર્માણ કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંગ્રહાલય, લાઇટ હાઉસ સંગ્રહાલય, હેરિટેજ થીમ પાર્ક, સંગ્રહાલયની થીમ આધારિત હોટેલો અને મેરિટાઇમ થીમ આધારિત ઇકો રિસોર્ટ, મેરિટાઇમ ઇન્સ્ટિટ્યુટ વગેરે સહિત વિવિધ અનન્ય માળખાઓને સમાવી લેવામાં આવશે. આ તમામ નિર્માણ તબક્કાવાર રીતે કરવામાં આવશે.

આ પણ વાંચો : નવસારીમાં ગાયકવાડી રાજની ઐતિહાસિક ધરોહર ન્યાય મંદિરને તોડવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ


લોથલ ઈ.સ પૂર્વે 2400ના સમયમાં સિંધુ ખીણ પ્રદેશનું મુખ્ય શહેર હતું

NMHCની અનોખી વિશેષતા એ છે કે, અહીં પ્રાચીન લોથલ શહેરની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવશે, જે ઇ.સ. પૂર્વે 2400ના સમયની સિંધુ ખીણ પ્રદેશની સંસ્કૃતિનું મુખ્ય શહેર હતું. આ ઉપરાંત, વિવિધ યુગકાળ દરમિયાન ભારતના સમુદ્રી વારસાના ઉત્કર્ષનું પણ વિવિધ ગેલેરીના માધ્યમથી પ્રદર્શન કરવામાં આવશે. NMHCમાં સમુદ્ર કિનારો ધરાવતા દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું અલગ પેવેલિયન રહેશે, જ્યાં જે તે પ્રતિનિધિ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના કલાત્મક/સમુદ્રી વારસાનું પ્રદર્શન કરવામાં આવશે.

મુલાકાતીઓને એક સંપૂર્ણ પર્યટન મુકામનો અનુભવ

NMHC ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે મેરિટાઇમ અને નેવલ થીમ પાર્ક, સ્મારક પાર્ક, આબોહવા પરિવર્તન થીમ પાર્ક, એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્ક જેવા વિવિધ થીમ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવશે, જે અહીં આવતા મુલાકાતીઓને એક સંપૂર્ણ પર્યટન મુકામનો અનુભવ આપશે.

ABOUT THE AUTHOR

...view details