અમદાવાદઃ GTUના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, વિશ્વસ્તરે ટેક્નિકલ શિક્ષણમાં GTUએ અગ્રગણ્ય યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. દર વર્ષે રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ GTUમાં પ્રવેશ મેળવે છે તથા ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓ પણ વિદેશની કંપનીમાં નોકરી મેળવતાં હોવાથી મોન્ડલી લેંગ્વેજ લર્નીંગ એપ્લિકેશન સાથેના આ MOU વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થશે.
મોન્ડલી રોમાનિયાના અતી સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલ ‘લેગ્વેંજ લર્નીંગ એપ્લિકેશન’ છે. જેમાં જુદાં- જુદાં દેશની 41થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો મૂળહેતુ વૈશ્વિક સ્તરે જુદી-જુદી સંસ્કૃત્તિમાં બોલાતી ભાષાઓને દરેક વિદ્યાર્થી શીખી શકે અને તેના કાર્યસ્થળ પર પણ તેનો સવિશેષ ઉપયોગ કરી શકે.
લેંગ્વેજ લર્નીંગ એપ્લિકેશન ધરાવતાં ‘અતી સ્ટુડિયોઝ’ સાથે GTU દ્વારા MOU આ MOUથી આગામી દિવસોમાં જીટીયુમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવામાં પણ સરળતા રહેશે. ઉપરાંત સ્થાનિક વિદ્યાર્થીઓને ફ્રેન્ચ, જર્મન, સ્પેનિસ, અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષા શીખવી હોય તો, મોન્ડલીના લાયસન્સની મદદથી પોતાના લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ કે કૉમ્પ્યુટરમાં તેમની અનૂકુળતાએ 41માંથી કોઈ પણ ભાષા શીખી શકશે.
આ એપ્લિકેશનમાં દરેક ભાષાના શબ્દભંડોળ, વાક્ય રચના અને તેને કેવી રીતે બોલી શકાય વગેરે બાબતની તમામ માહિતી દરરોજ અપલોડ કરવામાં આવે છે. કોઈ પણ ભાષાને તેના શરૂઆતનાં સ્તરથી ઉચ્ચત્તમ સ્તર સુધી શીખવા માટેની તમામ પ્રકારની સુવિધા એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓને મળશે. જેનો લાભ જીટીયુનાં વિદ્યાર્થીઓ, રીસચર્સ અને ફેકલ્ટીઝને મળશે.
આગામી દિવસોમાં આ MOU પર જીટીયુનાં કુલસચિવ ડૉ. કે.એન.ખેર અને રોમાનિયાની મોન્ડલી લેંગ્વેજ લર્નીંગ એપ્લિકેશન ધરાવતાં અતી સ્ટુડિયોઝના કો-ફાઉન્ડર ટુડોર ઈલિસ્કી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.