- સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયાં MOA
- બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડિયાની વિશેષ વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ
- યુવા વિદ્યાર્થીઓને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિશ્વસ્તરીય અભ્યાસની તક મળશે
ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં થયેલા આ MOA એકસચેંજ સેરેમનીમાં બ્રિટીશ હાઇકમિશનર ટુ ઇન્ડિયા એલેક્ષ, યુનિવર્સિટી ઓફ એડનબર્ગના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પિટર મેથીસન, ભારત સરકારના પ્રિન્સીપલ સાયન્ટીફિક એડવાઇઝર પ્રો. કે. રાઘવન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયાં હતાં.
- ગુજરાત વિકાસ સાથે હવે એજ્યુકેશન હબ બનવા જઈ રહ્યું છે
વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ MOAનું પરસ્પર આદાન-પ્રદાન રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુકલા અને ગુજરાત તથા રાજસ્થાન માટેના બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશનર પિટર કૂક વચ્ચે કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાને આ તકને ગુજરાત માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસનું રોલમોડેલ ગુજરાત ઔદ્યોગિક, પ્રવાસન સહિતના ક્ષેત્રોના વિકાસ સાથે વર્લ્ડ કલાસ એજ્યુકેશન હબ તરીકે પણ ઊભરી આવ્યું છે. ગુજરાતમાં વિશ્વ સમકક્ષ બહુધા વિષયોના તજ્જ્ઞ શિક્ષણ-અભ્યાસ માટે રાજ્ય સરકાર સેકટર સ્પેસિફિક યુનિવર્સિટીના કન્સેપ્ટ સાથે આગળ વધી રહી છે.
- નવી પેઢીને ઘરઆંગણે બાયોટેકનોલોજીનું શિક્ષણ મળી રહેશે
રાજ્યની આવનારી પેઢીને બાયોટેકનોલોજી ક્ષેત્રના વર્તમાન સમયની માગ અનુસાર વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીએ આ નવીન પહેલ કરીને સ્કોટલેન્ડ યાર્ડ-યુ.કે.ની એડિનબર્ગ યુનિવર્સિટી સાથે તજ્જ્ઞ શિક્ષણ વ્યવસ્થાના MOA કર્યા છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે આ MOAના પરિણામ સ્વરૂપે ઇનોવેટિવ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેકટરમાં વર્લ્ડ સાયન્ટિસ્ટ અને સબ્જેકટ એકસપર્ટના જ્ઞાનનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળતો થવાનો છે.
- ગુજરાતે બાયોટેકનોલોજી યુનિવર્સિટી શરૂ કરી છે
રૂપાણીએ ગુજરાતને નોલેજ ડ્રિવન ઇકોનોમી તરીકે પ્રસ્થાપિત કરવાના બહુઆયામી ઉદેૃશ સાથે ધોલેરામાં G-SER એટલે કે સ્પેશ્યલ એજ્યુકેશન રિજીયન રાજ્ય સરકાર સ્થાપવાની છે તેની પણ ભૂમિકા આપી હતી. મહામારી, આનુવંશિક રોગ, કલાયમેટચેન્જ, ફૂડ સિકયુરિટીના ક્ષેત્રોમાં માનવજાત માટેની સમસ્યાઓનો સામનો કરવાની ક્ષમતા બાયોટેકનોલોજીમાં છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ઇનોવેશન ઇકો સિસ્ટમનો વિકાસ કરવા ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી પણ શરૂ કરી છે. એટલું જ નહીં, બાયોટેકનોલોજી ક્ષેત્રને સંલગ્ન અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ બાયોસેફટી લેવલ-૩ લેબ સ્થાપવા આ વર્ષના બજેટમાં બે કરોડ રૂપિયાનું પ્રાવધાન પણ કર્યુ છે એમ તેમણે ગૌરવસહ ઉમેર્યુ હતું.
- ગુજરાતની આ પહેલને બ્રિટિશ હાઈ કમિશનરે આવકારી
વિજય રૂપાણીએ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડનબર્ગ વચ્ચેની આ સહભાગિતા એક નવું સીમાચિન્હ બનશે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો. બ્રિટીશ હાઇ કમિશનર ટુ ઇન્ડિયા એલેકસે ગુજરાત સરકારની આ દૂરદર્શી પહેલ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિઝનનો વિશેષ ઉલ્લેખ કરી આનંદની લાગણી દર્શાવી હતી. બ્રિટીશ હાઇકમિશનરે જણાવ્યું કે, ગુજરાત એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ અને ટેલેન્ટમાં ભારતનું પાયોનિયર સ્ટેટ છે. હવે, આ બે યુનિવર્સિટી વચ્ચેની સહભાગિતા સાયન્ટિફિક એકસલન્સમાં પણ ગુજરાતને વિશ્વસ્તરે લઇ જશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
- ઈન્ડસ્ટ્રીઝ સાથે પીએચડી પ્રોગ્રામ્સ ઉપલબ્ધ બનશે
આ પ્રસંગે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રેનુ સ્વરૂપ, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિનીકુમાર, બાયોટેકનોલોજી મિશન ડાયરેકટર સચિન ગુંસાઇ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. સાયન્સ ટેકનોલોજી સચિવ હરિત શુકલાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, આ ભાગીદારીથી મેડિકલ, ઇન્ડસ્ટ્રિયલ, એગ્રિલકલ્ચરલ અને એન્વાયર્મેન્ટલ બાયોટેક્નોલોજી જેવા વિષયોમાં ઇનોવેટિવ માસ્ટર્સ પ્રોગ્રામ્સ તેમજ ઇન્ડસ્ટ્રી સાથે સંકલિત પીએચડી પ્રોગ્રામ્સ ઉપલબ્ધ થશે અને આ તમામ પ્રોગ્રામ્સ 2021-22ના શૈક્ષણિક સત્ર માટે ચાલુ થશે.
- વૈશ્વિક કક્ષાનું શિક્ષણ હવે ગાંધીનગરમાં
ગાંધીનગર ખાતે સ્થપાનારી આ ઇનોવેટિવ અને મોડર્ન ઇન્સ્ટિટ્યૂશનમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ, વિઝિટિંગ ફેકલ્ટી, સ્ટુડન્ટ મોબિલિટીની સુવિધાઓ તેમજ વૈશ્વિક કક્ષાનું શૈક્ષણિક અને સંશોધન માટેનું વાતાવરણ ઊભું કરવા માટેની પોલિસીઓ પણ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ દ્વારા સાથે મળીને ઘડવામાં આવશે. રાજ્ય સરકારની આ નવીન પહેલ દ્વારા ટ્રાન્સનેશનલ રિસર્ચને પ્રોત્સાહન મળશે અને દેશભરમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રના વિકાસ માટે આ એક વિરાટ પગલું સાબિત થશે.
- આ નવીન પહેલ દ્વારા ટ્રાન્સનેશનલ રિસર્ચને પ્રોત્સાહન મળશે અને દેશભરમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રનો વિકાસ થશે