- જિગ્નેશ મેવાણીએ આપ્યા સડસડાટ જવાબો
- 2022 કોંગ્રેસ માટે ઉજળી તક લઈને આવશે
- લોકશાહીનું ચીરહરણ કરનારાઓને ધૂળ ચટાડીશું-મેવાણી
અમદાવાદ: જિગ્નેશ મેવાણીએ અંગ્રેજીમાં B.A કર્યું છે. તેમજ લો માં ગ્રેજ્યુએટ થયા છે. તેમણે ડિપ્લોમા ઈન જર્નાલિઝમ પણ કર્યું છે. વાતચીતમાં ખૂબ નિખાલસ એવા જિગ્નેશ મેવાણીએ ETV Bharat ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલે લીધેલા ઈન્ટરવ્યૂમાં સહેજ પણ વિચાર્યા વગર સડસડાટ જવાબો આપ્યા હતા.
પ્રશ્ન -તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લઈ લીધો છે શા માટે કોંગ્રેસ પાર્ટીને જ પસંદ કરી?
જવાબ - મેં દેશના બંધારણની રક્ષા કરનાર, દેશને સ્વતંત્રતા અપાવનાર, દેશની લોકશાહીને જીવંત રાખનાર કોંગ્રેસ પક્ષને પસંદ કર્યો છે. તેની સામે તમે જૂઓ RSS અને ભાજપે દેશની લોકશાહી, કોમી એકતા પર પ્રચંડ હૂમલો કર્યો છે. દેશ સંકટમાં છે. ગરીબી, બેરોજગારી, અસમાનતા, રહેઠાણની સમસ્યા અને અન્ય પાયાની જરૂરિયાત સામે લડવાને બદલે હિન્દુ-મુસ્લિમ વચ્ચે રાજનીતિ કરી રહ્યા છે અને તેમની સામે અવાજ ઉઠાવનાર સામે રાજદ્રોહનો કેસ થાય, ITની રેડ પડાશે, EDના દરોડા પડે, CBIની તપાસ આવે, વિપક્ષને આવી રીતે ડરાવી ધમકાવે છે. નફરત અને ખોફનો માહોલ ઉભો કર્યો છે. આવી રાજનીતિ હવે ન ચાલે. આ સંજોગોમાં મને લાગ્યું કે આ નફરતની રાજનીતિને નહીં રોકીએ તો 2024માં ખૂબ મોડું થઈ જશે. ભાજપના જ કેટલાક નેતાઓ અગાઉ કહી ચૂક્યાં છે કે, અમારી ભાજપ પાર્ટીના માણસો ખતરનાક છે. આ એવા લોકો છે કે, લોકશાહી દેશમાં ચૂંટણી પણ ન કરાવે. નાથુરામ ગોડસેના વિચારો ધરાવતાં લોકો ગાંધી આશ્રમનું રિનોવેશન કરાવે છે. જે કરવું પડે તે અમે કરીશું, દેશની બંધારણની રક્ષા કરનારા, લોકશાહીના મૂલ્યોને બચાવનારા અને સ્વતંત્રતા આંદોલન કરનારા, આ બધાંનો સરવાળો એટલે કોંગ્રેસ પક્ષ.
પ્રશ્ન - ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે, તો તમારા આવવાથી કોંગ્રેસ કેટલી મજબૂત થશે ?
જવાબ - સ્વભાવિક પણે હું હા જ કહીશ, પણ 2017માં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીની ત્રિપુટીએ તરખાટ તો મચાવ્યો હતો. 2017ની ચૂંટણીના પરિણામમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી. તમે જાણો જ છો. હા અમે બહુમતીથી થોડાક અંતરે દૂર રહ્યાં હતાં. આ બધું ભાજપ જાણે જ છે. હવે મને કોંગ્રેસમાં આવવાથી વધુ તાકાત મળી છે. હું ખુલીને આવીશ, પાર્ટી કેડર મળી છે, બેકિંગ મળ્યું છે અને મને હવે ચાર વર્ષનો રાજકારણનો અનુભવ મળ્યો છે, 2022માં જિગ્નેશ ભાજપને ભારે પડશે.