- દેવાંશને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો
- એક મહિનાની સારવાર બાદ મોતના મુખમાંથી ઉગારી લેવાયો
- દેવાંશ પર બે સર્જરી થઈ
અમદાવાદઃ ગતવર્ષ 13 ડિસેમ્બરે દેવાંશ તેનાથી ત્રણ વર્ષ મોટા ભાઈ સાથે ઘરની બાલ્કનીમાં રમી રહ્યો હતો. રમતરમતમાં અચાનક દેવાંશ ઘરના બીજા માળની રેલિંગ પરથી નીચે જમીન પર પટકાયો. નસીબજોગે દેવાંશ ભાનમાં હતો, પણ તેને ખોરાક અને લોહીના અંશો ધરાવતી ઊલટીઓ થતાં તેની હાલત દયનીય બની હતી. અચાનક આ ભલાભોળા પરિવાર પર વિધાતાએ આફતનો કોરડો વિંઝ્યો હતો. હતપ્રભ થયેલો પરિવાર દેવાંશને લઇને નજીકની હોસ્પિટલમાં ગયો, જ્યાંથી તેને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યો.
માતાપિતાની આંખોમાં આશાના તોરણ
અમદાવાદ સિવિલમાં દેવાંશને લાવવામાં આવતાં તેના માતાપિતાની આંખોમાં આશાના તોરણ બંધાયાં. અહીં બાળરોગ વિભાગમાં ડો. બેલા જે. શાહની દેખરેખમાં દેવાંશને ઉગારી લેવાના પ્રયાસો શરૂ થયા. દેવાંશના મગજનો સીટી સ્કૅન કરાવવામાં આવતા તેને સબઍરેકૅનોઇડ હૅમરેજ તથા ઓક્સિપિટલ રિજનમાં કન્ટ્યુઝન હોવાનું ફલિત થયું. તાબડતોબ બીજા ટૅસ્ટ પણ કરવામાં આવ્યાં. છાતી અને ઉદરનો સિટી સ્કૅન કરાયો જેમાં પાંસળીઓના નીચલા ભાગમાં એક કરતા વધુ ફ્રૅક્ચર્સ અને ડાબી તરફ હળવું ન્યૂમોથૅરેક્સ હોવાનું જણાયું. પેટ અથવા નાના આંતરડામાં પરફોરેશનની સંભાવના પણ જણાઈ. તબીબી વિજ્ઞાન અનુસાર, ખાસ કરીને બાળ વયના દર્દીઓના કિસ્સામાં, ઉંમર જેટલી ઓછી હોય તેટલી જ સર્જરી વધુ ને વધુ જટિલ હોય છે. જોખમ હતું પણ ડોક્ટર્સે વિધાતા સામે બાથ ભીડવાનું નક્કી કર્યું અને દેવાંશના ઑપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ.
દેવાંશની જટિલ સર્જરી કરાઈ, તો હ્રદયના ધબકારા વધી ગયા
બાળરોગ સર્જરી વિભાગના વડા અને પ્રોફૅસર ડૉ. રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપક ડો. મહેશ વાઘેલા દ્વારા સર્જરી કરાઈ. મદદનીશ પ્રાધ્યાપક ડો. ચિરાગ પટેલના વડપણ હેઠળ ઍનેસ્થેસિયા ટીમ ઑપરેશનમાં હાજર હતી. અતિ જટિલ સર્જરીના અંતે પેટના પડમાં પડેલા પાંચ સેન્ટિમિટર જેવડા ચીરાને પાછો ઠીક કરી દેવાયો. એ સિવાય અન્ય ભાગોની પણ સર્જરી કરીને તેને ઠીક કરાયો. સર્જરી પછી હ્યદય સંબંધિત ઇજાઓના કારણે દેવાંશના ધબકારા વધી ગયા હતાં. બ્લડ ઇલેક્ટ્રોલાઇટ્સમાં પણ ફેરફાર થયો હતો. તેનો પીડિયાટ્રિક્સ વિભાગે કાબૂ મેળવી લીધો. ધીરે ધીરે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય થઈ ગયા. બધાંને એમ હતું કે હવે દેવાંશ ઠીક થઈ જશે, પણ વિધાતાએ તો જાણે ઉપરા ઉપરી કસોટીઓ લેવાનું નક્કી કર્યું હતું.