- શિયાળામાં શુષ્ક ત્વચા અને ફન્ગલ ઇન્ફેક્શનની સમસ્યા સામાન્ય
- ડેન્ડ્રફની સમસ્યાઓથી વાળ ખરવાની સમસ્યા પણ સામાન્ય
- આયુર્વેદ પાસેથી જાણો સ્કિન ડ્રાયનેસ દૂર કરવા શું કરવું જોઈએ
અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલના આયુર્વેદિક વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી રહેલા ડો. ઇન્દ્રજીતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, શિયાળામાં વાતાવરણમાં વાયુના પ્રવાહને કારણે શુષ્ક ત્વચા(Skin problems), ખજવાડ અને, ફન્ગલ ઇન્ફેક્શન સામાન્ય સમસ્યા છે. આ સાથે મહિલાઓમાં પગની એડી ફાટવી પણ એક સમસ્યા છે. આયુર્વેદમાં શરીરમાં શિયાળા દરમિયાન તૈલીય તત્વો જળવાઈ રહે તે માટે આંતરિક અને બાહ્ય પોષક તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આંતરિક પોષક તત્વો મળી રહે તે માટે ઘીનું સેવન કરવું જોઈએ જ્યારે ત્વચાના બાહ્ય પોષક તત્વો માટે સરસવ અને તલના તેલની માલિશ ત્વચા ઉપર કરવી જોઈએ.
સરસવ અને તલના તેલના ફાયદા
સરસવ અને તલના તેલની તાસીર ગરમ હોવાથી તે શરદીઓમાં ત્વચા માટે લાભદાયક છે. સરસવ અને તલના તેલમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તલના તેલમાં વીટામીન બી, ડી અને, અને ઇ હોય છે જે ઠંડીમાં ત્વચાને મોસ્ચ્યુરાઈઝર પૂરું પાડે છે. બંને તેલ ત્વચા દ્વારા અવશોષિત છે તેથી તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે. શુષ્ક ત્વચાને કારણે આવતી ખજવાડને પણ દૂર કરવામાં બંને તેલ ઉપયોગી સાબિત થાય છે.