નર્સિંગ ફાઈનલ ઈયર સિવાયના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 ઓગસ્ટથી નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે, જ્યારે છેલ્લા વર્ષ સિવાયના તમામ વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકનના આધારે માર્ક્સ આપી પ્રમોશન આપવામાં આવશે.
અમદાવાદ: ઉપ-મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા તા. 14 મે 2020 અને તા. 10 જુલાઈ 2020ના રોજ નર્સિંગની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ સંદર્ભે ગુજરાતની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાશે, જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને વર્ષ દરમિયાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગળના વર્ષમાં પ્રમોશન આપવામાં આવશે.
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં જો કોરોનાને કારણે પરીક્ષા લેવી શક્ય ના હોય તો ફાઇનલ યર સિવાયના વિદ્યાર્થીઓને આંતરીક મૂલ્યાંકન અને તેના વર્ષ દરમિયાનના પરફોર્મન્સના આધારે માર્ક્સ આપી આગલા વર્ષમાં પ્રમોટ કરવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયનો લાભ જી.એન.એમ.ના 14,671 અને એ.એન.એમ.ના 3,827 વિદ્યાર્થીઓને થશે. જયારે જી.એન.એમ.ના 4,561 અને એ.એન.એમ.ના 3,108 વિદ્યાર્થીઓની પરીક્ષા 31 ઓગસ્ટથી લેવામાં આવશે. આ પરીક્ષામાં સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
TAGGED:
Nursing Final Year exam