અમદાવાદઃ રાજ્ય સરકાર એક તરફ માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલી રહી છે. બીજી તરફ સરકારે જાહેરાત કરી છે કે, તમામ અમૂલ પાર્લર પર સસ્તા ભાવે માસ્ક મળી રહેશે. જે અંગેની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. જો કે, માસ્કને લઇને કથની અને કરણીમાં ખૂબ ભેદ જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસ પણ માસ્ક ખરીદી શકે તે માટે આખા રાજ્યમાં અમૂલ પાર્લર પરથી બે રૂપિયામાં માસ્કનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે, અમદાવાદના મોટાભાગના અમૂલ પાર્લર પર માસ્ક ઉપલબ્ધ જ ન હતા તો બીજી તરફ બે રૂપિયાના માસ્ક પાંચ રૂપિયાની કિંમતમાં વેચાઈ રહ્યા છે.
ETV Bharatનો રિયાલિટી ચેક: અમદાવાદના મોટાભાગના અમુલ પાર્લર પર માસ્ક ઉપલબ્ધ નહીં - Amul Parlor
દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તેનાથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. જેને લઇ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ અમૂલ પાર્લર પર સસ્તા ભાવે માસ્ક વેચવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે મુખ્યપ્રધાને પણ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હવે કોઈને પણ માસ્ક આસાનીથી મળી રહે તે માટે ભાવ પણ ઘટાડવામાં આવ્યા હતા. જો કે, અમદાવાદના મોટાભાગના અમૂલ પાર્લર ઉપર માસ્ક ઉપલબ્ધ જ ન હતા.
![ETV Bharatનો રિયાલિટી ચેક: અમદાવાદના મોટાભાગના અમુલ પાર્લર પર માસ્ક ઉપલબ્ધ નહીં ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8379474-thumbnail-3x2-asas.jpg)
ઈટીવી ભારતની ટીમ દ્વારા અમદાવાદના અલગ-અલગ અમૂલ પાર્લર ઉપર રિયાલિટી ચેક કરાયું હતું કે, જેમાં ખરેખર માસ્ક વેચાઇ રહ્યા છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવતા મોટાભાગના અમૂલ પાર્લર માસ્ક ઉપલબ્ધ ન હતા. જો કે, મહત્વની બાબત એ હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા શહેર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા અમૂલ પાર્લરમાં પણ જ્યારે માસ્ક અંગે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમને પણ માસ્ક ઉપલબ્ધ ન હોવાનું ખુલાસો કર્યો હતો. એકદમ સામાન્ય લોકો લોકડાઉન અને કોરોના વાઇરસને કારણે હેરાન પરેશાન છે. ધંધા રોજગાર ઠપ્પ થઇ ચૂક્યા છે. સામાન્ય નાગરિકની આવક હાલ અટકી પડી છે તેવામાં ગુજરાત સરકાર દ્વારા એક હજાર રૂપિયાનો દંડ માસ્ક ન પહેરતા હોય એવા લોકો સામે લેવામાં આવી રહ્યો છે તે નિર્ણયને તો સામાન્ય લોકો આવકારી રહ્યા છે. જો કે, બીજી બાજુ અમૂલ પાર્લર પર માસ્ક ઉપલબ્ધ ન હોવાની નિંદા પણ ક્યાંક લોકો કરી રહ્યા છે. જે રાજ્ય સરકારની નિષ્ફળતા ગણાવી રહી છે.
બીજી તરફ મહત્વની બાબત એ કે, અમદાવાદના કેટલાક અમૂલ પાર્લર પર તો માસ્કનું વેચાણ કરવું તે અંગે રાજ્ય સરકારે આદેશ કર્યો છે તેની પણ જાણ અમૂલ પાર્લર ચલાવતા કર્મચારીઓને ન હતી. જ્યારે રાજ્ય સરકારની એક મોટી નિષ્ફળતા સામે આવી છે. કોરોના વાઇરસની મહામારી દિવસે દિવસે વિકટ બની રહી છે ત્યારે તેને અટકાવવા માસ્ક પહેલાં ખૂબ જ જરૂરી બન્યું છે. જો કે રાજ્ય સરકારની બહુ મોટી બેદરકારી સામે આવી છે ત્યારે સરકાર ત્વરિત પગલા લે તેવું લોકોનું માનવું છે.