પુરુષોત્તમપ્રિયદાસજીના અવસાન પર વડાપ્રધાન, ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સહિત અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના 78 વર્ષીય આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીનું કોરોના વાઇરસથી 18 દિવસની સારવાર બાદ આજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
અમદાવાદ: આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનો જન્મ કચ્છ જિલ્લામાં ભૂજ નજીક આવેલા ભારાસર ગામમાં 28 મે 1942ના રોજ થયો હતો. તેમની માતાનું નામ રામબાઈ અને પિતાનું નામ શામજીભાઈ માઘાણી હતું.સ્વામીજીના બાળપણનું નામ હીરજી હતું.
પુરુષોત્તમ પ્રિયદાસજીએ 19 વર્ષની વયે વર્ષ 1962માં અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના તત્કાલીન આચાર્ય મુક્તજીવન સ્વામીબાપા પાસેથી શાસ્ત્રોકત વિધિનુસાર દીક્ષા ગ્રહણ કરી હતી.ત્યારબાદ તેઓ હીરજીમાંથી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી તરીકે ઓળખાયાં. મુક્તજીવન સ્વામીએ તેમના અનુયાયી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને માત્ર 23 વર્ષની યુવાન વયે તેમના અંગત મદદનીશ તરીકે પસંદ કર્યા.
મુક્તજીવન સ્વામીએ પુરુષોત્તમપ્રિયદાસજીને પોતાના ઉત્તરાધિકારી તરીકે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 28 ફેબ્રુઆરી,1979ના રોજ નિયુક્તિ કરી. પોતાના ગુરુદેવને સુયોગ્ય અંજલિરૂપે પુરુષોત્તમપ્રિયદાસજીએ અમદાવાદના ઘોડાસર ખાતે ભવ્ય સ્મૃતિમંદિર - 'વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર'નું નિર્માણ કરાવ્યું જેનું ઉદઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.