- 5 વર્ષીય જીયાને ઢીંગલી અને કિચન સેટની ગીફ્ટ મળતા ચહેરા પર સ્મિત રેલાયું
- 8 વર્ષીય નૈતિકે એક દિવસ માટે આર્મી યુનિફોર્મ પહેરી સૈનિક હોવાનો અનુભવ કર્યો
- કોરોના કાળના એક વર્ષમાં રાજ્યના 1600થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આવી
અમદાવાદ: 29 એપ્રિલને વિશ્વ ઇચ્છા દિન તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. અમેરિકા સ્થિત "મેક અ વિશ" સંસ્થા દ્વારા આ દિવસે ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા 35 થી વધુ દેશમાં કાર્યરત છે. ખાસ કરીને 3 થી 18 વર્ષના બાળકો કે જેઓ ગંભીર અથવા તો અન્ય કોઇ જીવલેણ બિમારીથી ઝઝૂમી રહ્યા હોય, જીવન-મરણ વચ્ચેનો સંઘર્ષ ખેલી રહ્યા હોય, આવા બાળકોની ઇચ્છાઓની પૂર્તિ માટે આ સંસ્થા કાર્ય કરે છે.
5 વર્ષની કેન્સરથી પીડાતી જીયાની ઇચ્છા
અમદાવાદ શહેરની 5 વર્ષની દિકરી જીયા બારીયા ખૂબ ગંભીર બિમારીથી પિડાઇ રહી છે અને તેને ઢીંગલી અને કિચન સેટ જોઇએ છે. ત્યારે અચાનક એક સંસ્થામાંથી જીયાના પિતાને ફોન આવે છે અને તે વ્યક્તિ તેમને પૂછે છે કે તમારી દિકરીની શું ઇચ્છાઓ છે, તેને શું ગમે છે તે જણાવો. અમે જીયાની આ ઇચ્છાઓ પૂરી કરવા માંગીએ છીએ. જીયાએ કિચન સેટ અને બેબી ડોલની માગણી કરતા મેક અ વિશ ફાઉન્ડેશને જીયાની આ ઇચ્છા પૂરી કરી. 5 વર્ષની માસુમ જીયા બારીયા જે હજુ તો જીવન શું છે તે સમજી નથી, દુનિયા કેવી છે? દુનિયાદારીથી અજાણ છે. સોશિયલ ડિસ્ટન્સીંગ શું છે. આ તમામ પ્રકારના પ્રશ્નોથી અજાણ છે. પરંતુ હા, જિયા એક પ્રશ્નનો જવાબ જરૂરથી જાણે છે કે તેને કેન્સર છે ! કોરોના મહામારીના આ કપરા કાળમાં ડિસેમ્બર મહિનામાં માસૂમ જિયા પર આભ તૂટી પડ્યુ.
5 વર્ષની કેન્સર પીડિત દિકરી જીયા બારીયા મેક અ વિશ સંસ્થામાંથી મહિલાઓએ લીધી જીયાની મુલાકાત
જીયાના પરિવારને ખબર પડી કે દિકરીને બરકીટ લિમ્ફોમાં નામનું કેન્સર છે. જે સાંભળી પરિવાર પડી ભાંગ્યો. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી. જાન્યુઆરી મહિનામાં પહેલી સર્જરી કરાવી. ત્યારબાદ જીયા હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મેક અ વિશ સંસ્થામાંથી વિવિધ મહિલાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી. આવી અતિગંભીર બિમારીમાંથી પસાર થઇ રહેલા બાળકોની મુલાકાત લઇ તેમના ચહેરા પર સ્મિત લાવવા તેમની ઇચ્છાઓ જાણી.અને તે પુરી પણ કરી. હવે જીયાની એક જ ઇચ્છા છે કે આ કેન્સર નામની બિમારીમાંથી જલ્દી થી જલ્દી સાજી થઇ જાવ અને અન્ય બાળકોની જેમ હું પણ રમી શકું.
8 વર્ષનો નૈતિક બન્યો આર્મી ઓફિસર
આવો જ એક અન્ય કિસ્સો સુરત શહેરના 8 વર્ષીય નૈતિક સાથે બન્યો જે એક અતિગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે અને સુરત સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. નૈતિકની આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવાની ઇચ્છા છે અને એક દિવસ આર્મીનો યુનિફોર્મ પહેરવાની ઇચ્છા ધરાવે છે. જે માટે આ સંસ્થાએ વડોદરાના આર્મી કેમ્પમાં સંપર્ક કરીને તેની આ ઇચ્છાપૂર્તિ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. સંવેદનશીલ આર્મીએ પ્રસ્તાવનો સ્વીકાર કરીને નૈતિકને આર્મીનો ગણવેશ પહેરાવવામાં આવ્યો. એટલું જ નહીં નૈતિકને આર્મીમાં સેલ્યુટ કેમનું કરવું,સાવધાન અને વિશ્વામની સ્થિતિ સમજાવીને તેનું અનુકરણ કરાવવામાં આવ્યું.
23 વર્ષથી કાર્યરત સંસ્થાએ 8500થી વધુ બાળકોની ઇચ્છા પુર્ણ કરી ભારત દેશમાં પણ 1996થી આ સંસ્થા કાર્યરત છે. છેલ્લા 23 વર્ષમાં 8500થી વધુ બાળકોની ઇચ્છાપૂર્તિ કરવામાં આ સંસ્થા સફળ રહી છે. આટલી મોટી સંખ્યામાં બાળકોની ઇચ્છા પૂર્તિ કરીને સ્વપ્નને સાકાર કરીને અગણ્ય બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય આ સેવાભાવી સંસ્થા એ કર્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા એક વર્ષમાં ફક્ત ગુજરાતમાં જ 1600થી વધુ બાળકોની વિશ પૂરી કરવામાં આ સંસ્થા સફળ રહી છે. મેક આ વિશ ફાઉન્ડેશનના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ડૉ. અનિલ ખત્રી કહે છે કે, ગંભીર અને જીવલેણ બીમારીથી પીડાતા બાળકોની ઈચ્છા પૂર્તિ કર્યા બાદ આવા બાળકોમાં જીવન જીવવાની નવીન ઊર્જાનો ઉદય થતા જોવા મળ્યો છે. ઘણા કિસ્સામાં નાનામા નાની ઈચ્છાઓ પૂરી થતાં તેઓ હર્ષોલ્લાસ સાથે આગામી જીવન સરળતાથી પસાર કરતા જોવા મળ્યા છે.