- દહેજ પ્રથા નાબુદી માટે 28 વર્ષમાં છઠ્ઠીવાર ભારત ભ્રમણ
- લોકોને સામાજિક દૂષણો વિશે જાગૃત કરે છે
- ડિજિટલ યુગમાં પણ મોબાઈલથી દૂર રહે છે
અમદાવાદ: મહારાષ્ટ્રનાં જાલના જિલ્લામાં આવેલા એક નાનકડા ગામનાં ખેડૂત ભાઉસાહેબ ભંવર દહેજ પ્રથા નાબુદી માટે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. તેઓ અભિયાન માટે છેલ્લા 28 વર્ષથી દેશમાં સાઇકલ યાત્રા કરી રહ્યા છે અને અભિયાન અંતગર્ત પાંચ વખત સમગ્ર દેશનું ભ્રમણ કર્યું છે. હાલ તેઓ પોતાના છઠ્ઠી યાત્રા પર નીકળી પડ્યા છે. જે દરમ્યાન અમદાવાદ આવી પહોંચેલા ભાઉસાહેબે લોકોને દહેજપ્રથા નાબૂદી અને માટે જાગૃત કર્યા હતા.
અભિયાન શરૂ કરવા પાછળનું કારણ?
વર્ષ 1993માં તેઓ પોતાની બહેનનાં લગ્ન માટે ગામેગામ ફરતા હતા. પરંતુ દરેક જગ્યાએ તેમની પાસેથી દહેજની માંગણી કરવામાં આવતી હતી. જે ચૂકવવા માટે ભાઉસાહેબનો પરિવાર સક્ષમ ન હતો. આમ, પોતાની સગી બહેનનાં લગ્ન અવાર નવાર માત્ર તેઓની દહેજ ચૂકવવાની અસમર્થતાને કારણે જ અટકી રહ્યા હોવાથી તેમણે નક્કી કર્યું હતું કે, હું દહેજપ્રથા નાબૂદી માટે અભિયાન ચલાવીશ અને છેલ્લા 28 વર્ષોથી તેઓ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે.
મહારાષ્ટ્રનાં જાલના જિલ્લામાં આવેલા એક નાનકડા ગામનાં ખેડૂત ભાઉસાહેબ ભંવર દહેજ પ્રથા નાબુદી માટે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે
50 કિલોથી પણ વધારે વજન લઈને કરે છે પ્રવાસ
ભાઉસાહેબ પાસે 35 હજાર રૂપિયાની સાઇકલ છે. જેમાં 7 ગિયર છે. તેઓ પોતાની સાથે અંદાજે 50 કિલો સામાન લઈને પ્રવાસ કરે છે. પરિવારમાં તેઓની માતા છે, જેમની સાથે ભાઉ 2-3 મહિનામાં એક વખત ટેલિફોનિક વાતચીત કરે છે. દહેજપ્રથા અંગે લોકોમાં જાગૃતતા લાવવા અને વિવિધ સામાજિક દૂષણો દૂર કરવા માટેનું તેઓનું આ અભિયાન દેશનાં તમામ લોકો સુધી પહોંચે તેવી આશા સાથે તેઓ સતત ભ્રમણ કરી રહ્યા છે.