હાઈકોર્ટમાં સોમવારે અરજદારો તરફે આ કેસની વહેલી સુનાવણી રજૂઆત કરવામાં આવી હતી. જેનો એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તરફે વિરોધ કરવામાં આવ્યો હતો. એડવોકેટ જનરલે દલીલ કરી હતી કે, ઉતાવળના ઘણા કારણો હોઈ શકે, જેમ કે અરજદારોને એમની તરસ છીપાવવાની ઉતાવળ હોઈ શકે છે. સરકાર અરજદારોની તરસ છીપાવવા માટે એમને પીવા હોય એવા પીણા આપી શકે છે, પણ દારૂ નહીં તેવી રજૂઆત કરી હતી.
દારૂબંધીને પડકારતી અરજીઓ મુદ્દે હાઈકોર્ટમાં 25મી ફેબ્રુઆરીના રોજ સુનાવણી થશે - મૂળભૂત અધિકાર
રાઈટ ટુ પ્રાઇવસી(RTP) હેઠળ ઘરમાં દારૂ પીવાની પરવાનગી માંગતી જાહેરહિતની સંખ્યાબંધ અરજીઓની સુનાવણી મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ. જે. શાસ્ત્રીની ખંડપીઠે દારૂબંધીના કાયદાને પડકારતી તમામ અરજીઓની સુનાવણી 25મી ફેબ્રુઆરીના રોજ સાંભળવાનો આદેશ કર્યો છે. 25મી ફેબ્રુઆરીના રોજ હાઈકોર્ટ દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનું હનન થાય છે કે કેમ એ અંગે નિર્ણય લઈ શકે છે.
અગાઉ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લીધે ક્રાઇમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછું હોવાની વાત કબૂલી હતી. એટલું જ નહિ, દારૂ પીને વાહન ચલાવુ એ મોટો ગુનો છે. તેને કારણે ઘણા અકસ્માત સર્જાતા હોય છે, અને લોકો મોતને ભેટે છે. ઘરમાં કે ચાર દીવાલ વચ્ચે કોઈ ખાનગી સ્થળે દારૂ પીવાની છૂટ આપવા બાબતે રજીવ પટેલ, મિલિંદ નેને અને નિહારિકા જોશી નામના અરજદાર દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી.
આ મામલે વાતચીત કરતા સૂત્રોએ જણાવ્યું કે, અમે દારૂબંધીના સંપૂર્ણ કાયદાને પડકાર્યો નથી, પરંતુ અમારી માગ ફક્ત એટલી જ છે કે, ઘરમાં અથવા ચાર દિવાલ વચ્ચે કોઈ ખાનગી સ્થળમાં દારૂ પીવાની છૂટ આપવામાં આવે. ગત 24મી ઓક્ટોબર સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવસી(RTP)ને ભારતીય બંધારણનો મૂળભૂત અધિકાર ગણાવ્યો હતો.