ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ - What to do to prevent kidney disease

કિડની સતત કાર્યરત રહી શરીરમાં બનતા બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દૂર કરે છે. શરીરમાં પ્રવાહી અને ક્ષારનું યોગ્ય નિયમન ન થઈ શકવાને કારણે કિડની ફેલ્યરના દર્દીઓમાં સામાન્ય માત્રામાં પ્રવાહી, નમક કે પોટેશિયમ લેવાથી પણ ગંભીર તકલીફ થઈ શકે છે. કિડની ફેલ્યોરના બધા દર્દીઓમાં ખોરાકમાં જરૂરી પરેજી એકસમાન હોતી નથી.

જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ
જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ

By

Published : Mar 10, 2021, 11:17 PM IST

  • કિડનીના રોગથી બચવા પોષ્ટિક ખોરાક લેવો જોઈએ
  • નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય
  • ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો જોઈએ

અમદાવાદઃ કિડનીના રોગથી બચવા માટે શરીર તંદુરસ્ત રાખવું. નિયમિત કસરત કરવાથી અને કાર્યરત જીવનશૈલી અપનાવવાથી લોહીનું દબાણ અને લોહીમાં શુગરનું પ્રમાણ સામાન્ય રહે છે. નિયમિત કસરતથી ડાયાબિટીસ અને બ્લડપ્રેશર થવાનું જોખમ ઘટાડી શકાય છે.

પોષ્ટિક ખોરાક લેવો

મીઠું, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસા વાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું. મીઠું રોજ 5-6 ગ્રામથી ઓછું લેવું જોઈએ. 40 વર્ષની ઉમર બાદ ખોરાકમાં નમકનું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટાડી શકાય છે.

યોગ્ય વજન જાળવવું

સમતોલ આહાર અને નિયમિત કસરત દ્વારા વજન જાળવી શકાય છે. યોગ્ય વજન જાળવવાથી ડાયાબિટીસ, લોહીનું દબાણ, હૃદયરોગ અને આ પ્રશ્નોને કારણે થતા કિડનીના પ્રશ્નો અટકાવી શકાય છે.

ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો

ધુમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય અને તેથી કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે.

પાણી વધારે પીવું

ઘણા લોકો નાના મોટા દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે. જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે. દુખાવા માટે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય દવા લેવામાં શાણપણ અને કિડનીની સલામતી છે.

રૂટીન હેલ્થ ચેકઅપ

તંદુરસ્ત વ્યક્તિએ રોજ 2-લીટર (10-12 ગ્લાસ) થી વધુ પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દુર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ 3 લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.

રોગની હાજરીમાં જરૂરી કાળજી

40 વર્ષ પછી કોઈપણ તકલીફ ન હોવા છતાં દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવાથી લોહીનું ઊંચું દબાણ ડાયાબિટીસ, કિડનીના રોગ વગેરેનું નિદાન કોઈ પણ ચિહ્નો ન હોય તે તબક્કે વહેલાસર થઇ શકે છે. ડાયાબિટીસ અને લોહીનું ઊંચું દબાણ વારસાગત રોગ હોવાથી જે વ્યક્તિના કુટુંબમાં આ રોગ હોય તેવી દરેક વ્યક્તિ એ એક કે બે વર્ષે ચેકઅપ કરાવી લેવું અગત્યનું છે. આ પ્રકારના રોગની વહેલાસર યોગ્ય સારવારથી કિડનીને ભવિષ્યમાં નુકશાન થવાની શક્યતા અટકાવી કે ઘટાડી શકાય છે.

રોગની હાજરીમાં જરૂરી કાળજી

મો-પગ પર સોજા, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઊબકા, લોહીમાં ફિક્કાશ, લાંબા સમયથી નબળાઈ, રાત્રે વધુ વખત પેશાબ જવું, પેશાબમાં તકલીફ હોવી વગેરે ચિહ્નો કિડનીના રોગને કારણે હોઈ શકે છે. આવી તકલીફ ધરાવતી વ્યક્તિઓએ તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવી, કિડનીની તકલીફ તો નથી તે નિદાન કરાવી લેવું જોઈએ. કિડનીના રોગનું વહેલું નિદાન રોગને મટાડવા, અટકાવવા કે કાબુમાં લેવા માટે અત્યંત મહત્વનું છે. કોઈ પણ ચિહ્નોની ગેરહાજરીમાં પણ પેશાબમાં પ્રોટીન જવું કે લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધવું તે કિડનીના રોગની હાજરી સુચવી શકે છે.

આ પણ વાંચોઃ ભારતમાં ક્રોનિક કિડની ડિસીઝનું સૌથી મોટું કારણ છે વજનવધારો

ડાયાબિટીસના દર્દીઓમાં જરૂરી કાળજી

ડાયાબિટિસ માટે આવતા દર ત્રણ દર્દીઓમાંથી એક દર્દીમાં કિડની ફેલ્યર માટે ડાયાબિટીસ કારણભુત હોય છે. આવા ગંભીર પ્રશ્નને અટકાવવા દરેક ડાયાબિટીસના દર્દીમાં, હંમેશા માટે ડાયાબિટીસ યોગ્ય રીતે કાબુમાં હોય તે જરૂરી છે. કિડની ફેલ્યરના અંતિમ તબક્કા ના 45 ટકા દર્દીઓમાં દર્દીઓમાં રોગનું કારણ ડાયાબિટીસ હોય છે. ડાયાબિટીસના દરેક દર્દીએ કિડની પરની અસરના વહેલા નિદાન માટે દર 3 મહીને લોહીના દબાણ પેશાબમાં પ્રોટીનની તપાસ કરાવવી અત્યંત જરૂરી છે. લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન જવું, સોજા આવવા, વારંવાર લોહીમાં ખાંડ ઘટી જવી કે ડાયાબિટીસ માટે લેવામાં આવતા ઇન્જેક્શન કે દવાની માત્રામાં ઘટાડો થવો વગેરે ડાયાબિટીસની કારણે કિડની બગડવાની નિશાની સૂચવે છે. જે દર્દીને ડાયાબિટીસની કારણે આંખમાં તકલીફ માટે લેસરની સારવાર લેવી પડી હોય તેવા દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા ખુબ જ વધારે હોય છે. તેથી આવા દરેક દર્દીએ કિડની માટે નિયમિતપણે તપાસ કરાવતા રહેવી અત્યંત જરૂરી છે. કિડની બગડતી અટકી શકે તે તબક્કાના સૌથી વહેલા નિદાન માટે શ્રેષ્ઠ અને એકમાત્ર એવી ખાસ તપાસ, તે પેશાબની “માઈક્રોઆલ્બ્યુંમિનયુરિયા” ની તપાસ છે. કિડનીના રોગોને અટકાવવા માટે દરેક દર્દીઓ એ ડાયાબિટીસની નિયમિત તપાસ અને લોહીનું દબાણ 130/80 મી.મી.કરતા ઓછું જાળવવું જોઈએ અને ખોરાકમાં પ્રોટીન અને ચરબી વાળા ખોરાકની માત્રા ઓછી લેવી જોઈએ.

આ પણ વાંચોઃ કિડનીદાતા અને મેળવનારા વ્યક્તિ પિતા પુત્રની જેમ રહે છે...!!

લોહીના ઊંચા દબાણના દર્દીઓમાં જરૂરી કાળજી

લોહીનું ઊંચુ દબાણ ક્રોનિક કિડની ફેલ્યરનું અગત્યનું કારણ છે. લોહીના ઊંચા દબાણના ચિહ્નો મોટા ભાગના દર્દીઓમાં નહીવત્ હોવાથી કેટલાક દર્દીઓ બી.પી. માટેની દવા અનિયમિત રીતે લે છે કે બંધ પણ કરી દે છે. લાંબા ગાળે આવા દર્દીઓમાં લોહીના ઊંચા દબાણને કારણે કિડની બગડવાનો ભય રહે છે. લોહીનું ઊંચુ દબાણ લાંબા સમય માટે રેહવાથી ક્રોનિક કિડની ફેલ્યર, હૃદયનો હુમલો અને સ્ટ્રોકની તકલીફ કરી શકે તેવો ભય રહે છે. આથી લોહીનું ઊંચુ દબાણ ધરાવતા દર્દીઓએ લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો અને તેની કિડની પરની અસરના વહેલા નિદાન માટે વર્ષમાં એક વખત પેશાબની અને લોહીમાં ક્રીએટીનીનની તપાસ કરાવવી સલાહભરી છે. કિડનીના રોગોને અટકાવવા માટે બધાજ લોહીના દબાણ વાળા દર્દીઓએ નિયમિત રીતે બીપી મપાવતા રહેવું, ખોરાકમાં મીઠું ઓછું લેવું અને ખોરાક નિયમિત અને સમતોલ લેવો જરૂરી હોય છે. આ ઉપરાંત સારવાર હેતુ લોહીનું દબાણ 130/80 મી.મી. કરતા ઓછું જાળવી રાખવું જરૂરી બની જાય છે.

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં જરૂરી કાળજી

ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં કિડનીને નુકસાન થતું અટકાવવા માટે સૌથી મહત્વની સારવાર લોહીના દબાણ પર યોગ્ય કાબુ છે. આ માટે ઉતમ પદ્ધતિ રોજ દિવસમાં 2-3 વખત ઘરે બી.પી. માપી નોંધ રાખવી અને આ બી.પી. ના ચાર્ટને ધ્યાનમાં લઇ ડોક્ટર દ્વારા બી.પી.ની દવામાં યોગ્ય ફેરફાર કરવો તે છે. લોહીનું દબાણ હંમેશા 140/84થી ઓછુ હોવું ફાયદાકારક છે. ક્રોનિક કિડની ફેલ્યરના દર્દીઓમાં મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી, પેશાબનો કે અન્ય ચેપ, શરીરમાં પાણી ઘટી જવું ડિહાઈડ્રેશન વગેરેની સમયસરની યોગ્ય સારવાર કિડનીની કાર્યક્ષમતા લાંબો સમય જાળવવા માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

વારસાગત રોગ પી.કે.ડી.નું વહેલું નિદાન અને સારવાર

પોલિસિસ્ટિક કિડની ડીસીઝ (પી.કે.ડી.) એ વારસાગત રોગ છે, જે ડાયાલિસિસ કરાવતા 6-8 ટકા દર્દીઓમાં જોવા મળે છે. આ કારણસર કુટુંબમાં જો કોઈ એક વ્યક્તિને આ રોગ (પી.કે.ડી.) હોય તો, ડોક્ટરની સલાહ મુજબ કુટુંબના અન્ય વ્યક્તિઓમાં આ રોગની તકલીફ તો નથીને તે નિદાન કરાવી લેવું જરૂરી છે. વહેલા નિદાન બાદ ખોરાકમાં પરેજી, લોહીના દબાણ પર કાબુ અને પેશાબના ચેપની તથા અન્ય સારવારની મદદથી કિડની બગડવાની ઝડપ ધીમી પાડી શકાય છે.

બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની યોગ્ય સારવાર

બાળકને વારંવાર તાવ આવતો હોય અને વજન વધતું ન હોય તો તે માટે મૂત્રમાર્ગનો ચેપ જવાબદાર હોઈ શકે છે. બાળકોમાં મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર મહત્વનું હોવાનું કારણ અલગ તથા ચિંતાજનક છે. જો મૂત્રમાર્ગના ચેપનું નિદાન અને સારવાર મોડા થાય તો બાળકની વિકાસ પામી રહેલી કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન થઈ શકે છે. આ પ્રકારના નુકસાનને કારણે વર્ષો બાદ ધીમે-ધીમે કિડની બગડી જાય તેવો ભય રહે છે. પુખ્તવયે મૂત્રમાર્ગમાં ચેપને કારણે કિડનીને સુધરી ન શકે તેવું નુકસાન સમાન્ય રીતે થતું નથી. આ ઉપરાંત પેશાબનો ચેપ થતો હોય તેવા નાની ઉમરના બાળકોમાંથી અર્ધા જેટલા બાળકોમાં ચેપ થવાં માટે જ્ન્મજાત ખોડ કે અડચણ જવાબદાર હોય છે. આ પ્રશ્નોમાં સમયસરની યોગ્ય સારવારના અલાવે કિડની બગડવાનો ભય રહે છે. સામાન્ય રીતે 50 ટકા બાળકોમાં ચેપ લાગવાનું કારણ વસાઈકો-યુરેટ્રલ રિફલ્સ હોઈ શકે છે. ટૂંકમાં, બાળકોમાં કિડની બગડતી અટકાવવા માટે મૂત્રમાર્ગના ચેપનું વહેલું નિદાન તથા સારવાર અને ચેપ થવા માટેના કારણનું નિદાન અને સારવાર ખુબ જ જરૂરી છે.

પુખ્તવયે વારંવાર પેશાબના ચેપની યોગ્ય સારવાર

કોઈ પણ ઉમરે પેશાબનો ચેપ વારંવાર થતો હોય કે દવાથી કાબુમા આવતો ન હોય તો તે માટેનું કારણ શોધવું જરૂરી છે. આ કારણો જેમ કે મૂત્રમાર્ગમાં અવરોધ, પથરી વગેરેની સમયસરની યોગ્ય સારવાર કિડનીને સંભવિત નુકસાન થતું અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

જાણો કિડનીના રોગથી બચવા શું કરવું જોઈએ

પથરી અને બી.પી.એચ.ની યોગ્ય સારવાર

ઘણી વખત કિડની કે મૂત્રમાર્ગમાં પથરીનું નિદાન થયા બાદ પણ તેને કારણે ખાસ તકલીફ થતી ન હોવાથી દર્દી તેની સારવાર પ્રત્યે બેદરકારી સેવે છે. આ જ રીતે મોટી ઉમરે થતા પ્રોસ્ટેટની તકલીફ બી.પી.એચ. ને કારણે જોવા મળતા ચિહ્નો પ્રત્યે દર્દી કાળજી દાખવતા નથી. આવા દર્દીઓમાં લાંબે ગાળે કિડનીને નુકસાન થવાનો ભય રહેતો હોવાથી ડોક્ટરની વહેલાસર સલાહ લેવી અને તે મુજબ સારવાર લેવી જરૂરી છે.

નાની ઉમરે લોહીના ઊંચા દબાણ માટે તપાસ

સામાન્ય રીતે 30 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિમાં લોહીનું ઊંચુ દબાણ જોવા મળતું નથી. નાની ઉમરે લોહીના વધારે ઊંચા દબાણનું સૌથી મહત્વનું કારણ કિડનીના રોગ છે, તેથી આવી દરેક વ્યક્તિઓએ કિડનીની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે.

એક્યુટ કિડની ફેલ્યરના કારણોની વહેલાસરની સરવાર

એકાએક કિડની બગડી જવાના મુખ્ય કારણોમાં ઝાડા, ઊલટી, ઝેરી મેલેરિયા, બહુ રક્તસ્ત્રાવ, લોહીમાં ગંભીર ચેપ, મૂત્રમાર્ગમાં અડચણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પ્રશ્નોની વહેલી, યોગ્ય અને પુરતી સારવાર કિડનીને બગડતી અટકાવી શકે છે.

ડોક્ટરની સલાહ મુજબ જ દવાનો ઉપયોગ

સામાન્ય રીતે લેવામાં આવતી દવાઓમાંની કેટલીક દવાઓ જેમ કે દુઃખાવાની દવાઓ લાંબો સમય લેવાથી કિડનીને નુકસાન થવાનો ભય રહે છે. તેથી બિનજરૂરી દવા લેવાનું ટાળવું જોઈએ અને જરૂરી દવાં ડોક્ટરની સલાહ મુજબના ડોઝ અને સમય માટે જ લેવી હિતાવહ છે. માથા અને શરીર મા દુખાવા માટે પોતાની મેળે દવાઓ લેવાની ટાળવી. બધી આર્યુવેદિક દવાઓ સલામત છે તે ખોટી માન્યતા છે. કેટલીક ભારે ધાતુઓ ધરાવતી ભસ્મો કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.

એક જ કિડની ધરાવતી વ્યક્તિઓમાં કાળજી

એક જ કિડની ધરાવતા વ્યક્તિઓ પણ સામાન્ય જીવન જીવી શકે છે. પરંતુ તેઓને અમુક કાળજી રાખવી હિતાવહ છે. આવી વ્યક્તિઓએ પાણી વધારે લેવું, પેશાબ કે અન્ય ચેપની વહેલી યોગ્ય સારવાર કરાવવી અને નિયમિત રીતે ડોક્ટરને બતાવવું અત્યંત જરૂરી છે.

આ રોગથી બચવાં શું કરવું જોઈએ

  • નિયમિત કસરત કરવી
  • પૌષ્ટિક અને સાદો ખોરાક લેવો
  • વજન યોગ્ય રીતે જાળવવ
  • ખોરાકમાં નમક, ખાંડ, ઘી, તેલ, ફાસ્ટફૂડનો ઉપયોગ ટાળવો કે ઓછો કરવો
  • રેષાવાળા ખોરાક, શાકભાજી, ફળોનું પ્રમાણ વધારે રાખવું
  • ડાયાબીટીસને કાબુમાં રાખવો
  • લોહીના દબાણને કાબુમાં (80-130 સુધી) રાખવું
  • પાણી વધારે પીવાનું રાખવું જે શરીરમાંથી બીનજરૂરી કચરો અને ક્ષાર દૂર કરવા જરૂરી છે
  • પથરીની તકલીફ હોય તેણે રોજ ત્રણ લિટરથી વધારે પાણી, પ્રવાહી પીવું જોઈએ
  • ધુમ્રપાન, તમાકુ, દારૂ વગેરેનો ત્યાગ કરવો
  • ડોક્ટરની સલાહ વગર ખાસ કરીને દુખાવા માટેની દવા ન લેવી
  • રૂટીન હેલ્થ ચેકઅપ કરાવવું, કારણ કે ઘણીવાર 90 ટકા કિડની બગડી જાય તો પણ ચિહ્નો જોવા મળતા નથી

    આ રોગ થયાનું અનુમાન ક્યારે થાય? તેના લક્ષણોમાં
  • નબળાઈ અને થાક લાગવો
  • ખોરાકમાં અરુચિ, ઉલ્ટી, ઉબકાં આવે
  • આંખ પર સવારના સમયે સોજા, મોં અને પગ પર સોજા આવે
  • નાની ઉંમરે પણ લૅોહીનું ઉંચુ દબાણ હોય અને દવા છતાં તે કાબુમાં ન આવે
  • લોહીમાં ફિક્કાશ આવે
  • પેશાબમાં ફીણ આવે, પેશાબ ઓછો આવે અને પેશાબ કરતી વખતે તકલીફ થવી તેમજ રાત્રિના સમયે પેશાબ કરવાં વધુ વાર જવુ પડે

ડોક્ટરો એવી સલાહ આપે છે કે, જાડાપણુ હોય કે ધુમ્રપાનની ટેવ હોય ,લાંબા સમય દુખાવાની દવા લીધી હોય ડાયાબીટીસ કે હાઈ બી.પી.હોય, કુટુંબમાં અન્યોને કિડનીનો રોગ થયો હોય વગેરે હોય તેને કિડની રોગ થવાનું જોખમ વધારે છે. આ રોગ ગમે તે ઉંમરે થઈ શકે છે. કિડનીનાં જુદા જુદા રોગોના અલગ અલગ ચિહનો હોય છે. જે રોગ નાં પ્રકાર અને તીવ્રતા પર આધાર રાખે છે. ઘણી વખત ચિહનો કિડની સંબધીત તકલીફ દર્શાવતા નથી. અને કીડનીને કારણે સામાન્ય તકલીફ હોય તેવા દર્દીઓમાં વહેલું નિદાન થઇ શકતું નથી.

ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉબકા થવા

ભૂખ ઓછી લાગવી, ખોરાક બેસ્વાદ લાગવો અને ખોરાક ની માત્રા મા ઘટાડો થવો તે કિડની ફેલ્યર ના દર્દીઓમાં સામાન્ય રીતે જોવા મળતા ચિહનો છે. કિડનીના રોગ મા વધારો થતા કિડની વધુ બગડવા સાથે લોહીમાં ઉત્સર્ગ અને ઝેરી પદાર્થોનું પ્રમાણ વધતા દર્દીને ઉલ્ટી ઉબકા અને હેડકી આવે છે.

નાની ઉમરે લોહીનું ઊંચું દબાણ

કિડની ફેલ્યર ના દર્દીઓમાં લોહીનું ઊંચું દબાણ હોવું સામાન્ય છે. પરંતુ જો નાની ઉમરે (૩૦ વર્ષ કરતા ઓછી) અથવા નિદાન વખતે લોહીનું દબાણ ખુબજ ઊંચું હોવું તે કિડની રોગની તકલીફ સુચવી શકે છે.

લોહીમાં ફિક્કાસ અને નબળાઈ

નબળાઈ, જલદી થાક લાગવો કામમાં રૂચી ન લાગવી લોહીમાં ફિક્કાશ વગેરે ક્રોનિક કિડની ફેલ્યરના સામાન્ય ચિહ્નો છે. ઘણી વખત કિડની ફેલ્યરના પ્રાથમિક તબક્કે આટલી જ ફરિયાદો જોવા મળે છે. એનીમીયા માટે જરૂરી બધીજ પ્રાથમિક સારવાર આપવા છતા જો લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણના સુધરે તો કિડનીની તપાસ અચૂક કરાવવી જોઈએ.

સામાન્ય ફરિયાદો

કમરનો દુખાવો, શરીર તૂટવું, ખંજવાળ આવવી, પગ દુખવા, આ બધા ચિહ્નો કિડની રોગના ઘણા દર્દીઓમાં વારંવાર જોવા મળે છે. નાની ઉમરે લોહી નુ ઉંચુ દબાણ રેહવુ તે કિડનીની તકલીફની ભયસુચક નિશાની હોઈ શકે છે. શરીર નો વિકાસ ઓછો થવો, ઉંચાઈ ઓછી થવી અને લાંબા હાડકાઓ વળી જવાની કિડની ફેલ્યરના બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે.

પેશાબમા ફરિયાદો

પેશાબ ઓછો આવવો અને સોજા ચડી જવા એ કિડનીના ઘણા રોગોમાં જોવા મળતી સામાન્ય ફરિયાદ છે. પેશાબમાં બળતરા થવી, લોહી કે પરુ આવવા, વારંવાર પેશાબ લાગવો આ બધા મૂત્રમાર્ગના ચેપના ચિહ્નો છે. પેશાબ ઉતરવામાં તકલીફ થવી, જોર કરવું પડે પેશાબ ટીપે ટીપે ઉતરવો કે પેશાબની ધાર પાતળી આવવી તે મૂત્રમાર્ગમાં અવરોધ સૂચવે છે. મૂત્રમાર્ગમા અવરોધમાં વધારો થતા પેશાબ સંપૂર્ણપણે બંધ થઇ જવાની ફરિયાદ પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. દર્દીઓમાં ઉપર મુજબના અમુક ચિહ્નોની હાજરી હોવા છતાં એ જરૂરી નથી કે તે દર્દીને કિડની રોગ છે. પરંતુ જે વ્યક્તિઓમાં ઉપર મુજબના ચિહ્નો જોવા મળે, તેવી વ્યક્તિઓએ વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી હિતાવહ છે. એ યાદ રાખવું જરૂરી છે કે કેટલીક વખત કિડનીના ગંભીર રોગ હોવા છતાં તેના કોઈ નોંધપાત્ર ચિહનો જોવા મળતા નથી અને આવા દર્દીઓમાં દર્દીઓમાં રોગનું નિદાન ઘણું મોડું થાય છે.

વધુ પોટેશિયમ ધરાવતા ખોરાક

કેળાં, ચીકુ, પાકી કેરી, મોસંબી, સીતાફળ, સાકર ટેટી, તાજું પાઈનેપલ, આંબળા, જરદાલુ, પીચ, આલુ બદામ, જામફળ, નારંગી, પપૈયું, દાડમ

શાકભાજી: અળવીનાં પાન, શક્કરિયા, સરગવાની શીંગ, કોથમીર, સૂરણ, બટેટા, પાલખ, ગુવાર, મશરૂમ, કોળું, ટામેટાં.

સૂકા મેવા: ખજુર, કિસમિસ, કાજુ, બદામ, અંજીર, અખરોટ

કઠોળ અને અનાજ :તુવેરદાળ, મગની દાળ, ચણા, ચણાદાળ, અડદની દાળ, બાજરો

  • સૂકાં મરચાં, ધાણા જીરું, મેથી
  • ભેંસનું દૂધ, ગાયનું દૂધ, નારિયેળ પાણી, તાજાં ફળોના રસ, ખૂબ ઉકાળેલું દૂધ સૂપ, બોર્નવિટા, ચોકલેટ, બીયર, વાઈન
  • લોના સોલ્ટ, ચોકલેટ, કેડબરી, ચોકલેટ કેક, ચોકલેટ આઇસક્રીમ વગેરે

મધ્યમ પ્રમાણમાં પોટેશિયમ ધરાવતા ખોરાક

તરબૂચ, લીચી, ચેરી, દ્રાક્ષ, નાસપતી

શાકભાજી:રીંગણા, કોબીજ, ગાજર, ડુંગળી, મૂળા, કારેલાં, ભીંડો, ફ્લાવર, કાચી કેરી, લીલા વટાણા

  • મેંદો, જુવાર, પૌંઆ, મકાઈ, ઘઉં
  • દહીં અને છાશ
  • ઓછું પોટેશિયમ ધરાવતો ખોરાક
  • સફરજન, જાંબુ, લીંબુ, અનેનાસ, સ્ટ્રોબેરી
  • દૂધી, કાકડી, તુરિયા, પરવળ, બીટ, મેથીની ભાજી, લસણ
  • રવો, ચોખા
  • કૉફી, લીંબુ પાણી, કોકાકોલા, ફેન્ટા, લિમ્કા, રિમઝિમ, સોડા
  • મધ, જાયફળ, રાઈ, સૂંઠ, ફુદીનાનાં પાન, વિનેગર, લવિંગ, કાળા મરી.

ABOUT THE AUTHOR

...view details