ગુજરાત

gujarat

ETV Bharat / city

Law on Stray Cattle In Gujarat: રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું? માલધારી આગેવાનોએ ઉઠાવ્યો પ્રશ્ન - ગુજરાતના શહેરી વિકાસ પ્રધાન

ગુજરાત પશુ નિયંત્રણ બિલ 2022નો માલધારી સમાજ દ્વારા વિરોધ (Law on Stray Cattle In Gujarat) કરવામાં આવી રહ્યો છે. આ બિલને લઇને માલધારી સમાજના આગેવાનોએ સરકારને ફરી વિચારણા કરવા કહ્યું છે. સાથે જ આડકતરી રીતે વિધાનસભા ચૂંટણીમાં માલધારી સમાજના વોટ જરૂરી રહેશે તે પણ યાદ અપાવ્યું છે.

રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું?
રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું?

By

Published : Apr 6, 2022, 8:53 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર થયેલા રખડતા પશુ બિલ (Gujarat stray cattle Control Bill 2022)ને લઇને માલધારી સમાજમાં આક્રોશ (Protest By Maldhari Community) જોવા મળી રહ્યો છે. માલધારી સમાજની માંગ છે કે, સરકારે રખડતા પશુ બિલને પરત ખેંચી લેવું જોઈએ અને જો તેમ નહીં થાય તો વિરોધ હજી પણ ઉગ્ર બની શકે છે. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022)માં તાજેતરમાં પસાર કરાયેલા રખડતા પશુ બિલને રાજ્ય સરકાર પાછું ખેંચી શકે છે. થોડા દિવસો પહેલા અમલી બનેલા આ કાયદાને લઈને માલધારીઓ વિરોધ કરી રહ્યા છે.

બિલ પાછું નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર વિરોધ થશે.

કાયદા પર પુન:વિચારણા કરવાની માંગ કરી- ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. માલધારી સમાજ દ્વારા ઠેરઠેર કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. માલધારી સમાજે (Maldhari Community In Gujarat) ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. ત્યારે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, મને આ અંગે સતત મેસેજ આવી રહ્યો છે અને માલધારીઓની માંગ છે કે, કાયદો પાછો ખેંચવો જોઈએ. સાથે જ તેમણે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ કાયદા પર પુન:વિચારણા કરવા વિનંતી કરી છે.

ભારે દંડ સામે નીતિન પટેલે ઉઠાવ્યો હતો વાંધો- ગુજરાત રાજ્યમાં 31 માર્ચે વિધાનસભાએ શહેરી વિસ્તારોમાં ગુજરાત પશુ નિયંત્રણ બિલ 2022 6 કલાકની લાંબી ચર્ચા બાદ પસાર કર્યું હતું. રાજ્યમાં માલધારી સમુદાય દ્વારા આ બિલનો વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઘાસચારા વેચાણના ગુના માટે ભારે દંડ સામે વાંધો પણ ઉઠાવ્યો હતો, જે બિલ પસાર થતાં સરકારે અડધો કરી દીધો હતો.

આ પણ વાંચો:Law on Stray Cattle In Gujarat: માલધારી સમાજની ચીમકી, કાયદો પરત ખેંચવામાં નહીં આવે તો ગાયો સાથે વિધાનસભા ઘેરશે

રાજ્યભરમાં માલધારીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે- ગુજરાતના શહેરી વિકાસ પ્રધાન (Minister of Urban Development of Gujarat) વિનોદ મોરડિયાએ વિધાનસભામાં બિલ રજૂ કર્યું હતું તે સમયે મોરડીયાએ કહ્યું હતું કે, શહેરી વિસ્તારમાં ગાય, બળદ, ભેંસ તથા બકરી વગેરે પ્રાણીઓ રઝળતા જોવા મળે છે. આ કારણે રસ્તાઓ અને જાહેર સ્થળો ઉપર ટ્રાફિકની સમસ્યા (Traffic Problem In Gujarat) ઊભી થાય છે અને અકસ્માત સર્જાય છે જેના માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ વિધેયક કાયદો બને તો શહેરોમાં વસતા માલધારી અને રબારી અને પશુપાલકોને ગાય, ભેંસ રાખવા સરકાર પાસેથી લાયસન્સ મેળવવું પડશે. આ લાયસન્સ ન લેનારા માલધારી લોકોને ઠંડક થશે અને તેમની સામે ફરિયાદ પણ થઈ શકે છે. આ કાયદાની કડક જોગવાઈઓ રાજ્યભરમાં માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કાયદામાં શહેરના નિર્ધારિત સ્થળોએ ઘાસ કે નીરણ નાંખવાની જોગવાઈ-હિન્દુ સમાજમાં જન્મ, મરણ તથા ધાર્મિક તહેવારો પર ગાયોને નિરણ નાંખવાની માન્યતા છે. કેટલાક પશુપાલકો દ્વારા મંદિર, દેરાસર કે નજીકના ખુલ્લા સ્થળો પર પોતાના ઢોર રાખીને તેમના માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી આ ગાયોનું દૂધ વ્યક્તિગત રીતે ઘરોમાં અથવા શહેરી ડેરીઓમાં આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ઢોરોને છૂટા મૂકી દેવામાં આવે છે આને નાથવા માટે શહેરના નિર્ધારિત સ્થળોએ ઘાસ કે નીરણ વહેંચવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા માલધારી સમાજની નારાજગી અવગણવી સત્તારૂઢ ભાજપ માટે મુશ્કેલીરૂપ બની શકે છે.

ગુજરાતમાં અંદાજે 50 લાખ માલધારી વસ્તી- જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત હાઇકોર્ટમાં રખડતા પશુ સંદર્ભે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારે ખાતરી આપી હતી કે, તેને નાથવા માટે બજેટ સત્રમાં કાયદો લાવવામાં આવશે. એક અનુમાન પ્રમાણે ગુજરાતમાં લગભગ 50 લાખ માલધારીઓ છે. આથી આગામી વિધાનસભા ચૂંટણી પહેલા તેમની નારાજગી અવગણવી સત્તારૂઢ ભાજપ માટે મુશ્કેલીરૂપ બની શકે છે.

આ પણ વાંચો:Animal Control Act: વિધાનસભામાં પાસ થયેલો પશુ નિયંત્રણ કાયદો રદ કરવાની કોંગ્રેસે કરી માંગ

હવે લાયસન્સ લાવવાનો અર્થ શું છે?- માલધારી સમાજના અગ્રણી બિપિન દેસાઈએ જણાવ્યું કે, ઇલેક્શન સમયે જ આ બિલ લાવવામાં આવી રહ્યું છે. સરકારની મનશા હોત તો તે પહેલેથી જ આ બિલ લાવી ચુકી હોત અથવા સરકાર બન્યા પછી પણ તેઓ આ બિલ લાવી શકતી હતી, પરંતુ ઇલેક્શન સમયે જ આ બિલ લાવવા પાછળનું કોઇ ખાસ કારણ જોવા મળી રહ્યું છે. સરકાર માલધારીઓને કહે છે કે, તમારે લાયસન્સ લેવું પડશે. પહેલાના સમયમાં લાયસન્સ રાજ ખતમ કરવામાં આવ્યું હતું ત્યારે હવે લાયસન્સ લાવવાનો અર્થ શું છે?

સરકારે માલધારી સમાજના વોટ જોઇતા નથી લાગતા- માલધારી ગાય-ભેંસ પર પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. આ બિલ આવવાથી તે કાયદો બની જતો હોય છે અને ત્યારબાદ માલધારી સમાજ પર માનસિક ત્રાસ આપવામાં આવી શકે છે. જો કે સરકારને માલધારી સમાજના વોટ જોઈતા નથી લાગતા. તેમ છતાં સરકાર સમક્ષ સમાજ હજી પણ માંગણી કરી રહ્યો છે કે, બિલમાં પુન:વિચારણા કરવામાં આવે. ગુજરાત મહાપંચાયત સંઘના અગ્રણી લાલાભાઇ દેસાઈએ જણાવ્યું કે, દરેક પ્રશ્ન પર ગાયોને જ વચ્ચે લાવવામાં શા માટે આવી રહી છે? તો ક્યારેક ગાયનો ઘાસચારો બંધ કરી દેવામાં આવે છે.

સરકાર પોતે નિયમો અનુસરશે તો સારું રહેશે- તેમણે કહ્યું કે, બીજી તરફ જોઈએ તો હિન્દુત્વ સમાજ અને માલધારી સમાજ ગાયને માતા તરીકે પૂજે છે. સરકાર અમારી સમક્ષ કેટલીક અપેક્ષાઓ રાખી રહી છે ત્યારે માલધારી સમાજ પણ સરકાર પાસે અપેક્ષાઓ રાખીને બેઠેલી છે. માલધારી સમાજના અગ્રણી દશરથભાઈ દેસાઈએ જણાવ્યું કે, પશુ નિયંત્રણ બિલ આ અંગે થઈને અમારી કોઈ નવી માંગણીઓ રહેલી નથી. છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર સમક્ષ અમારી સામાન્ય માંગણીઓ રહેલી છે, જેને સંતોષવામાં હજુ સુધી આવેલી નથી. સરકાર પોતાના જ નિયમોને અનુસરવા લાગશે તો ઘણું સારું રહેશે.

ગામડાઓ તો હતા જ, શહેર તેને ગળી ગયું- તેમણે કહ્યું કે, 100 એકર આગળ 40 એકર ગૌચર જમીન જરૂરી છે. રખડતા ઢોરોને કારણે સામાન્ય નાગરિકોને તકલીફ પડે કે અકસ્માત થાય તેની અમને ચિંતા છે. આ પ્રકારના ઢોરોની સામે કાર્યવાહી થાય તેની સામે અમને કોઈ વાંધો નથી, પરંતુ સરકારે આવા કાયદા લાવતા પહેલા વ્યવહારુ સમસ્યાઓનો વિચાર કરવો જોઈએ. ભૂતકાળમાં માલધારી વસાહતનો પ્રયોગ થયો છે અને તે સફળ પણ રહ્યો છે. સરકારે માલધારી વસાહત ઊભી કર્યા પછી આ પ્રકારના કાયદા વિશે વિચારવું જોઈએ. 2021માં 38 ગામડા અમદાવાદ શહેરમાં ભેળવી દેવામાં આવ્યા. ગામડું તો હતું ત્યાં જ, છે, શહેર આગળ આવી ગયું અને ગામડાને ગળી ગયું. આ 38 ગામડાના માત્ર માલધારી જ નહીં અન્ય સમાજના પશુપાલકો હજુ ત્યાં જ રહે છે. નવો કાયદો તથા તેની જોગવાઇઓની જમીન ઉપર પણ અસર થશે.

ABOUT THE AUTHOR

...view details