ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની 100 દિવસ ચાલનારી મેગાડ્રાઇવમાં 4 કરોડ વ્યક્તિઓને મળશે કાર્ડ

અમદાવાદ સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો. “પી.એમ.જે.એ.વાય.-મા’ યોજનાના લાભાર્થીઓના હિતાર્થે ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનના નવતર પહેલની પણ કરી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય પ્રધાને જણાવ્યું કે પ્રજાના પ્રશ્નો, ફરિયાદો અને સૂચનોની રજૂઆત માટેના દ્વાર હંમેશા ખુલ્લા છે.

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ
ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ

By

Published : Sep 23, 2021, 7:39 PM IST

  • 100 દિવસ મેગાડ્રાઇવમાં અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લેવાશે
  • અગાઉ કુટુંબદીઠ એક જ કાર્ડ આપવામાં આવતું હતું, જે હવે વ્યક્તિ દીઠ અલાયદુ ઉપલ્બધ બનશે
  • PMJAY-MA યોજનામાંથી થતી આવકની 25 ટકા ઇન્સેન્ટિવ રકમ હેલ્થકેર વર્કસમાં ઉપયોગમાં લેવાશે

અમદાવાદ- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન(PMJAY-MA) યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચોથા વર્ષના પ્રવેશ પ્રસંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દીઓ માટે રીસ્પોન્સ ટાઇમ ઝડપી બને, દર્દીને ત્વરીત સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર પહેલ હાથ ધરી હોવાનું જણાવી PMJAY-MA યોજનાના લાભાર્થીઓના હિતાર્થે સરકારી હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનનું પણ લોકાર્પણ કરાવ્યું હતુ.

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ

4 લાખની આવકમર્યાદા ધરાવતા કુંટુબોને આ કાર્ડ આપવામાં આવશે

રાજ્યમાં 100 દિવસ ચાલનારી મેગાડ્રાઇવમાં 80 લાખ કુટુંબો એટલે કે અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લઇ લાભાન્વિત કરવામાં આવશે તેમ જણાવી પ્રધાને આ ડ્રાઇવને જન-જનમાં પ્રચલિત બનાવી મહત્તમ લોકોને લાભ આપવા અનુરોધ કર્યો હતો. હવેથી 4 લાખની આવકમર્યાદા ધરાવતા કુંટુબોને આ કાર્ડ આપવામાં આવશે. અગાઉ કુટુંબદીઠ એક જ કાર્ડ આપવામાં આવતુ હતુ, જે હવેથી વ્યક્તિ દીઠ અલાયદુ કાર્ડ પણ ઉપલ્બધ કરાશે. આ ડ્રાઇવ અંતર્ગત નિયત માપદંડો ધરાવતા લાભાર્થીઓને જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સી.એચ.સી, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સી.એસ.સી., (n) કોડ સેન્ટર, UTI-ITSL,E-gram પરથી PMJAY-MA કાર્ડ કાઢી આપવામાં આવશે.

યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે થશે વરદાનરૂપ સાબિત

નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળને યાદ કરતા આરોગ્ય પ્રધાને કહ્યું કે, નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન જનહિતકારી અભિગમ દાખવી અને ગરીબોના બેલી બનીને અનેકવિધ નવતર પહેલ, નિર્ણયો, યોજનાઓ અને સેવાઓનો કાર્યરત કરી છે. વર્ષ 2012માં “મા અને મા વાત્સલ્ય” યોજનાને અમલી બનાવીને ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને કેશલેસ આરોગ્ય સેવાઓ અને સારવાર મળે તેવું સુદ્રઢ આયોજન હાથ ધર્યુ હતુ. આ યોજનાથી આકર્ષિત થઇને અમેરિકાના તત્કાલિન પ્રમુખ ઓબામાએ પણ “ઓબામાકેર” સેવાનો આરંભ કર્યો હતો.

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ

તબીબી સેવા ફક્ત પ્રોફેશન નહીં, પરંતુ માનવસેવાનું ઉત્તમ માધ્યમ છે

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે વર્ષ2018માં દેશભરમાં “પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન” યોજનાનું અમલીકરણ કરાવીને કરોડો જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓને આરોગ્યવિષયક સેવાઓથી આયુષ્ય લક્ષ્યુ છે. આજે આ યોજના જન-જનમાં પ્રચલિત બની છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, તબીબી સેવા ફક્ત પ્રોફેશન નહીં, પરંતુ માનવસેવાનું ઉત્તમ માધ્યમ છે.

PMJAY-MA યોજનાનું સંકલન ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વરદાનરૂપ થશે સાબિત

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાકાળમાં રાજ્યના સરકારી તેમજ ખાનગી તબીબોએ આ નોબલ પ્રોફેશનની મહત્તા લોકો સમક્ષ ઉજાગર કરી છે. PMJAY-MA યોજનાનું સંકલન ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે વરદાનરૂપ સાબિત થશે. તેઓએ અગત્યની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, PMJAY-MA યોજનામાં મળતા નાણામાંથી 75 ટકા રકમનો સરકારી હોસ્પિટલને સુદ્રઢ બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે. બાકીની 25 ટકા રકમને સરકારી હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીને પ્રોત્સાહિત કરવા ઇન્સેન્ટિવરૂપે ઉપયોગ કરવામાં આવશે.

આયુષ્માન સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે - નિમિષાબેન સુથાર

રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન નિમિષા સુથારે જણાવ્યું હતું કે, આજનો દિવસ આયુષ્યમાન દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે, ત્યારે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને “આયુષ્માન સપ્તાહ” તરીકે ઉજવણી કરીને મહત્તમ લોકોને આ યોજનાથી લાભાન્વિત કરવામાં આવશે. આરોગ્ય સેવાઓને વધુ સરળ બનાવીને દિનબંધુઓના સર્વાંગી વિકાસ અને આરોગ્યની જાળવણી માટે સંકલ્પબદ્ધ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં આજે વધુ એક સેવાનો ઉમેરો થયો છે.

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ

PMJAY-MA યોજના મેગાડ્રાઇવ ફક્ત ડ્રાઇવ નહીં, પરંતુ માનવતાવાદી સેવાનું મહાયજ્ઞ છે

PMJAY-MA યોજના મેગાડ્રાઇવ ફક્ત એક ડ્રાઇવ નહીં, પરંતુ માનવતાવાદી સેવાનું મહાયજ્ઞ છે. વધુમાં વધુ લોકોને આ યજ્ઞમાં જોડાવવા પ્રધાન નિમાષા સુથારે આહવાન કર્યુ હતુ. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત સારવાર માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

ઘેર બેઠા દર્દીઓ માટે ટેલીમેડિસીન સેવા થશે ઉપલબ્ધ

આરોગ્ય સચિવ જયપ્રકાશ શીવહરેએ આરોગ્યવિભાગના જનહિતલક્ષી ચાર કેન્દ્રબિંદુ વિશે જણાવતા કહ્યું કે, રાજ્યના દરેક ગરીબ અને જરૂરિયાતમંદ કુંટુંબને નિયત માપદંડો પ્રમાણે PMJAY-MA કાર્ડથી લાભાન્વિત કરાવવા, હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને સરળતાથી વિનાવિલંબે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી ગ્રીન કોરિડોર ઉભા કરવાના છે. ઘેર બેઠા દર્દીઓ માટે ટેલીમેડિસીન સેવા ઉપલબ્ધ કરાવવી અને નેશનલ ડીજીટલ હેલ્થ મશિન અંતર્ગત આરોગ્ય સંલગ્ન તમામ સેવાઓ, સુવિધાઓને એક જ માધ્યમ પર ઉપલબ્ધ કરાવીને લીંક કરવાની દિશામાં આરોગ્ય વિભાગ પ્રયત્નશીલ છે. આ કાર્યક્રમમાં પ્રતિકાત્મકરૂપે કોરોનામાં નિરાધાર બનેલા બાળકો અને અન્ય લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

યોજનામાં કયા-કયા લોકોનો સમાવેશ

  • વાર્ષિક રૂપિયા 4 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો
  • ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની તમામ આશા બહેનો
  • માન્ય પત્રકારો
  • રાજ્ય સરકારના વર્ગ- 3 અને વર્ગ-4 ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક કરેલા ફિક્સ પગારના કર્મચારીઓ
  • યુ-વીન કાર્ડ ધારકો
  • વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝનો
  • રાજ્ય સરકારના જુદા-જુદા જાહેર સાહસોના બિનસરકારી અધ્યક્ષ તથા બિનસરકારી ઉપાધ્યક્ષો
  • સામાજિક રીતે વંચિત જૂથ (વૃદ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો અને ત્યક્તાઓ,સાત્વિક જીવન જીવતા સાધુ-સંતો માનસિક રોગીઓ તેમજ નિ:સહાય લોકો
  • પીડિતોનું ગ્રુપ (ગુજરાત વિક્ટીમ કોમ્પસેશન સ્કીમ-2019ના અસરગ્રસ્તો- રેપ વિક્ટીમ, એસિડ વિક્ટીમ, જાતિય હિંસાના ગુનાઓ જેવા બનાવોના અસરગ્રસ્તો)
  • કોરોના વોરિયર્સના કુટુંબો (પોલીસ, સફાઈ કામદાર અને આરોગ્ય કર્મચારી)
  • કોરોનાના સમયગાળા દરમિયાન અનાથ બનેલા બાળકો

યોજના અંતર્ગત લાભ

  • પ્રતિ વર્ષ રૂપિયા 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર પ્રાથમિક, સેકન્ડરી અને ગંભીર બિમારીઓનો સમાવેશ
  • હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીનો ખોરાક, ફોલો-અપ, પ્રવાસ ખર્ચ વગેરેનો સમાવેશ
  • યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે રૂપિયા 300ની સહાય યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલ પાસે ABHcl for Quality I Healthcareનું પ્રમાણપત્ર હોય.
  • એમ.જે.એ.વાય. મા" યોજના હેઠળ નોંધાયેલ કુલ 83.1 લાખ લાભાર્થી આયુષ્માન કાર્ડ
  • અત્યાર સુધી યોજના હેઠળ કુલ- 38.7 લાભાર્થી દાવાઓ નોંધયેલા જે લાભાર્થી દાવાની રકમ રૂપિયા 850 કરોડમાં
  • વર્ષ 2021-22માં પી.એમ.જે. એ.વાય. મા યોજના હેઠળ બજેટ જોગવાઇ રૂપિયા 155 કરોડ જેમાં “મા - મા વાત્સલ્ય યોજના માટે 1106 કરોડ અને પી.એમ જે.એ.વાય. માટે 150 કરોડની છે.

કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું?

આ કાર્યક્રમમાં સામાજીક અને ન્યાય અધિકારીતા પ્રધાન પ્રદિપ પરમાર, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર રેમ્યા મોહન, સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રીટેન્ડેન્ટ, ડિન સહિત જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં હેલ્થકેર વર્કસ ઉપસ્થિત રહ્યા હતા.

યોજના હેઠળ કેટલી હોસ્પિટલમાં મળશે લાભ

PMJAY-MA યોજના હેઠલ રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી આમ કુલ 2482 હોસ્પિટલોમાં કેન્સર, હ્યદયરોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, આકસ્મિક સારવાર, જોઇન્ટ રીપલેસમેન્ટ, ન્યુરો સર્જરી, ડાયાલિસીસ, પ્રસૃતિ વગેરે જેવી ગંભીર અને અતિગંભીર બીમારીઓની કુલ 2681 જેટલી નિયત કરેલી પ્રોસીઝર, ઓપરેશન જેવી આરોગ્ય વિષયક સેવાઓ દર્દીઓને સરળતાથી સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

ગુજરાત સરકારની PMJAY-MA યોજનાની મેગાડ્રાઇવ શરૂ

24,222 લાભાર્થીઓએ મેળવી સારવાર

નાણાકીય વર્ષ 2020-21 માં રાજ્યના 33 જિલ્લાઓમાં 24,222 લાભાર્થીઓએ PMJAY-MA અંતર્ગત સારવાર મેળવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 53.37 કરોડ જેટલો ખર્ચ કરીને દર્દીઓને નિ:શૂલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદમાં 16,246 દર્દીઓને 38.43 કરોડ, રાજકોટમાં 2,213 દર્દીઓને 3.22 કરોડ, પાટણમાં 682 દર્દીઓને 1.39 કરોડ અને વડોદરામાં 516 દર્દીઓને 81 લાખના ખર્ચે વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સારવાર PMJAY-MA યોજના હેઠળ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો- 'PMJAY અંતર્ગત કોવિડ-19ના પેકેજ અંગે તદ્દન અસ્પષ્ટતા પ્રવર્તે છે'

આ પણ વાંચો-23 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મેગા ડ્રાઈવ યોજાશે, જાણો કોણે શું થશે ફાયદો

ABOUT THE AUTHOR

...view details