અમદાવાદ: ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી (Office Commissioner of Higher Education) દ્વારા 24 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી-2022 દરમિયાન ‘બેઝીક્સ ઓફ વર્નાક્યુલર ઇનોવેશન’ (Beginning of Basics Vernacular Innovation) ઓનલાઈન ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણેય પ્રવાહના વિધાર્થીઓ કરશે ઇનોવેશન
રાજ્યના આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજોમાં અભ્યાસ કરતા નોન-ટેકનિકલ વિધાર્થીઓ પણ ઇનોવેશન કરી શકે તેવા હેતુથી ઇનોવેશન ક્લબ સમગ્ર રાજયની સરકારી, બિન-સરકારી અનુદાનિત કોલેજો અને ગ્રામ વિદ્યાપીઠોમા ઇનોવેશન કલબનું ગઠન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત રાજ્યના વધુમાં વધુ વિધાર્થીઓને સર્જનાત્મક વિચારો માટે પ્રોત્સાહિત કરી સ્ટાર્ટઅપ્સ માટે તૈયાર કરવામા આવશે. જેથી સ્થાનિક યુવાનો દ્વારા સ્થાનિક સમસ્યાઓનું સ્થાનિક સમાધાન મળી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
નીતિ આયોગની પહેલ
દેશભરમાં ઈનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવાની મહત્વાકાંક્ષા સાથે ‘અટલ ઈનોવેશન મિશન’ (Atal Innovation Mission), નીતિ આયોગ દ્વારા વર્નાક્યુલર ઈનોવેશન પ્રોગ્રામ (Vernacular Innovation Program) શરૂ કરવામાં આવ્યું છે. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ (VIP) ભારતમાં ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર દ્વારા 22 અનુસૂચિત ભાષાઓમાં ઇનોવેશન ઇકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે.
ઈનોવેશન કલબ કારગત નીવડશે
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલ જોગવાઈ અનુસાર ઇનોવેશન અને રિસર્ચને વધુમાં વધુ આગળ લઇ જવા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા શરુ કરવામાં આવેલ ઈનોવેશન કલબ કારગત નીવડશે.
ડુ ઇટ યોરસેલ્ફ - અભિગમ અંતર્ગત વિધાર્થીઓને કીટ અપાશે
કાર્યક્રમના ફળસ્વરૂપે સંશોધન અને ઇનોવેશનને “આઈડીયા ટુ સ્ટાર્ટ-અપ” સુધી સાકાર કરવા માટે SSIP 2.0 અંતર્ગત ફંડીંગની સહાયતા પૂરી પાડવામાં આવશે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ (Gujarat Council of Science and Technology) આ ટ્રેનીંગ પ્રોગ્રામ દરમિયાન ટેક્નિકલ એજન્સી તરીકે મદદ કરશે. અદ્યતન વિષય સાથે DIY (ડુ ઈટ યોરસેલ્ફ) મેન્યુઅલ વૈજ્ઞાનિક કિટ્સ તૈયાર કરશે અને આ કીટના ઉપયોગ અંગેની તાલીમ પણ અપાશે.