અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વડાપ્રધાનના આહ્વાન પર આજથી એટલે કે ગુરુવારથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19ને રોકવા માટે પ્રોટોકોલ પાલનની શપથ લેવામાં આવી હતી.
મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ આ જાગરૂક્તા અભિયાનની મંડળ કાર્યાલયથી શરૂઆત કરી હતી. આ જાગરૂક્તા અભિયાન અંતર્ગત અમદાવાદ મંડળના રેલવે સ્ટેશનો અને કાર્ય સ્થળો પર રેલ કર્મીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંડળના મુખ્ય સ્ટેશનો પર ડિજિટલ સ્ક્રીનોના માધ્યમથી જાગરૂક્તા અભિયાનના બેનર અને પોસ્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
પબ્લિક, રેલ કર્મીઓ અને તેમના પરિવારોમાં કોવિડ-19થી બચાવ માટે જરૂરી ઉપાયો સબંધિત હોર્ડિંગ્સ અને પોસ્ટરો સ્ટેશનો, રેલવે પરિસરો, ટ્રેનો, કોચિંગ ડેપો, ડીઝલ શેડ કાર્યાલયો, રેલવે કોલોનીઓ અને અન્ય રેલ પરિસરોમાં લગાવવામાં આવી રહ્યાં છે.
અમદાવાદ મંડળ પર આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝા, અપર મંડળ રેલ પ્રબંધક અનંત કુમાર, ઉપસ્થિત અધિકારી તથા કર્મચારીઓએ દેશમાં ફેલાયેલી આ કોવિડ મહામારીને રોકવા માટે ફેસ માસ્ક લગાવવા, 2 ગજ દૂર રહેવા અને સાબૂ તેમજ પાણીથી સારી રીતે હાથ ધોવા તથા બીજાઓને પણ પ્રેરિત કરવા માટે શપથ લીધા હતા.