- અમદાવાદના સરખેજમાં બને છે લાખોની મોઢે દિવા
- સરખેજનો પ્રજાપતિ સમાજ દિવા બનાવવાના કાર્ય સાથે જોડાયેલો છે
- આ દિવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે
અમદાવાદ :દિવાળીનો (Diwali 2021 ) તહેવાર રોશની સાથે સંકળાયેલો છે, આજે ઇલેક્ટ્રોનિક રોશનીના સમયમાં કોડીયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો પ્રજાપતિ સમાજ આજે પણ કોડિયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેઓ આખું વર્ષ કોડીયા બનાવતા હોય છે, જેનું વેચાણ સમગ્ર ભારત ઉપરાંત વિદેશોમાં પણ કરવામાં આવે છે.
કોડિયા બનાવવા વપરાય છે ચીનાઈ માટી
15 વર્ષથી માટી કામ સાથે સંકળાયેલા લાભુભાઈ પ્રજાપતિએ ETV Bharatને જણાવ્યું હતું કે, તેઓ કોડિયામાં 80 થી 100 જેટલી વેરાઈટીઓ બનાવે છે. આ સાથે જ ચાની પ્યાલી જેવી માટીની અન્ય વસ્તુઓ પણ બનાવે છે. તેઓ વર્ષે 30 લાખ જેટલા કોડિયા બનાવે છે. આ ઉપરાંત તેમનું કહેવું છે કે, ગયા બે વર્ષમાં કોરોનાને કારણે તેમનો વ્યવસાય ઠપ રહ્યો હતો. આ ઉપરાંત, ચાલુ વર્ષે વરસાદમાં પણ તેમને નુકશાન રહ્યું હતું. જો કે દિવાળીમાં કોડિયાની સારી માંગ રહે છે. આ વર્ષે પણ બજારમાં કોડિયાની સારી માંગ છે.
કાચો માલ મોંઘો થયો
લાભુભાઈએ જણાવ્યું હતું કે, કોડિયા બનાવવા માટે મોરબી અને થાનથી માટી મંગાવવી પડતી હોય છે. જે સામાન્ય રીતે 1500 રૂપિયાના ભાવે મળતી હોય છે, પરંતુ આ વખતે 2200 રૂપિયા ટનના ભાવે મળી છે. જેથી હોલસેલ માર્કેટમાં કોડિયાના ભાવમાં પ્રતિ નંગ દસ પૈસાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ ચાઈનાથી આવતા માલમાં ઘટાડો થતા આ વખતે સ્થાનિક બજારોમાં સ્વદેશી વસ્તુઓની માંગ વધી છે. જેનો લાભ તેમને પણ મળ્યો છે.
ઘર સાચવતા સાથે કામ
લાભુભાઈના કારખાનામાં પાંચથી-સાત વ્યક્તિઓ કામ કરે છે. કોડીયા બનાવવામાં મહિલાઓ મોટા પાયે સંકળાયેલી છે. કોડિયા બનાવવાના કાર્ય સાથે સંકળાયેલા પારુલબેન પરમાર જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સાત વર્ષથી આ કામ સાથે સંકળાયેલા છે. આ વર્ષે ચોમાસું ખરાબ જવાથી અત્યારે તેઓ ઓવરટાઈમ કરીને કોડિયા બનાવી રહ્યા છે. તેઓ દરરોજ 3500 થી 4000 જેટલા કોડિયા બનાવે છે. જેમાં તેમને દિવસના 400-500 રૂપિયાની આવક થાય છે.