ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદના ખાડીયા વોર્ડના રહીશો? - Ahmedabad Municipal Corporation

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના ખાડીયા વોર્ડનાં રહીશોની સમસ્યાઓ અંગે ETV BHARAT દ્વારા સ્થાનિક રહીશો સાથે વાત કરવામાં આવી હતી.

જાણો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદનાં ખાડીયા વોર્ડનાં રહીશો?
જાણો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદનાં ખાડીયા વોર્ડનાં રહીશો?

By

Published : Feb 19, 2021, 1:25 PM IST

  • 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી
  • ભાજપનો જન્મ ખાડીયા ખાતેની જનસંઘ ઓફિસમાંથી થયો હોવાની લોકચર્ચા
  • 30 વર્ષથી ભાજપનાં કોર્પોરેટરો ચૂંટાઈને આવતા હોવા છતા સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદ: ભાજપનો જન્મ ખાડીયા વિસ્તારમાંથી થયો હોય તેમ માનવામાં આવી રહ્યું છે, પરંતુ ખાડિયા વિસ્તારમાં સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. જનસંઘથી ભાજપને સત્તાનાં શિખર સુધી પહોંચાડવા છતાં ખાડીયાના લોકોને માત્ર સમસ્યાઓ જ મળી છે. ત્યારે આગામી દિવસોમાં ખાડીયાના નાગરિકો ઈચ્છી રહ્યા છે કે, ખાડિયાનો વિકાસ પૂર્વ ધારાસભ્યો અને સ્વર્ગસ્થ અશોક ભટ્ટના નેજા હેઠળ જે થયો તે ફરી કાર્યરત થવો જોઈએ.

30 વર્ષથી ભાજપના કોર્પોરેટરો, પણ સમસ્યાઓ યથાવત

ખાડિયા વોર્ડમાં આજના ભાજપ અને અગાઉના જનસંઘનું કાર્યાલયનો વિસ્તાર છે. ખાડિયા વોર્ડમાં કુલ 96 હજાર જેટલા મતદારો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોર્પોરેટર અને ધારાસભ્યોએ ખાડિયા વોર્ડને ગેરકાયદે બાંધકામો થકી કોમર્શિયલ બાંધકામમાં ફેરવી નાખ્યું છે. ખાડિયા વોર્ડમાં એક નહી અનેક સમસ્યાઓ રહેલી છે. જેને ભાજપના કોર્પોરેટરો ઉકેલી શક્યા નથી. ખાડિયા વોર્ડ પોળોનું બનેલો છે, સાંકડા રસ્તાઓ રહેલા છે. આ વાત સારી રીતે જાણતાં કોર્પોરેટરો વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન આપી રહ્યા હતા. એક દસકામાં ગેરકાયદેસર બાંધકામોને કારણે આ વિસ્તારનાં લોકોની હાલત કફોડી બની છે. 30 વર્ષથી પણ વધુ સમયથી ભાજપના કોર્પોરેટરો આ વોર્ડમાંથી ચૂંટાઈને આવે છે. તેમ છતાં એક પણ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી બનાવી શક્યા નથી. હાલત તો એવી છે કે, ગેરકાયદે બાંધકામ અને સતત વાહનોની અવરજવરનાં કારણે આ વોર્ડનાં રસ્તાઓ પરથી એમ્બ્યુલન્સ પણ અંદર પહોંચી ન શકે.

જાણો કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અમદાવાદનાં ખાડીયા વોર્ડનાં રહીશો?

લોકોની શું છે અપેક્ષાઓ?

ખાડિયા વોર્ડ એક એવો વોર્ડ છે કે, જ્યાં આજે પણ પોળોમાં મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોના મતે, કોર્પોરેટરોએ સેટીંગ કરીને જ કોમર્શિયલ બાંધકામો ઉભા કરાવ્યા છે. પોળોની અંદર ગોડાઉનો બનાવી દેવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાંથી જે કોર્પોરેટર ચૂંટાઈને આવે તે તમામ પોળોના મકાનોની લે-વેચમાં ભાગીદારી કરે છે. આજે પણ અનેક લોકોને પોતાના મકાન વેચવા હોવા છતા ખાડીયાનાં કોર્પોરેટરો અસામાજિક તત્વો સાથે મળી ગયેલા હોવાથી જરૂર હોવા છતાં આવા પરિવારો તેમના મકાન વેચીને શહેરના અન્ય વિસ્તારમાં રહેવા જઈ શકતા નથી.

ખાડિયા વોર્ડની રાજકીય સ્થિતિ

ખાડિયા વોર્ડ એક એવો વોર્ડ છે કે, જ્યાં ભાજપના જન્મ પહેલાથી અશોક ભટ્ટ પ્રજા સમાજવાદી પક્ષ એટલે કે પી એસ સી અને બાદમાં જનસંઘના નેજા હેઠળ ખાડિયા વોર્ડ માંથી ચૂંટાઈને આવતા હતા. જે પરંપરા અશોક ભટ્ટ અને હરિન પાઠકે ખાડિયામાં ઊભી કરી હતી. તેને જોઈને કોંગ્રેસે ખાડિયામાં ક્યારે પણ મજબૂત ઉમેદવાર મૂકતી નથી. જેના કારણે ખાડિયા વોર્ડમાં છેલ્લા 30થી પણ વધુ વર્ષોથી ભાજપ સિવાય કોઈ પક્ષનો ઉમેદવાર જીતી શક્તો નથી. કોંગ્રેસ સાથે કોઈ અન્ય વિકલ્પ ન હોય એનો પૂરેપૂરો લાભ ભાજપના કોર્પોરેટરોએ આ વોર્ડમાં મેળવી લીધો છે. જેમાં શંકાને કોઈ સ્થાન નથી.

કુલ મતદારોનાં 26 ટકા મતદારો બક્ષીપંચના

ખાડીયા વોર્ડની કુલ વસતી 1.25 લાખ છે. જેમાં 96,911 મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી 26 ટકા બક્ષીપંચના, 3 હજાર પટેલ જ્ઞાતિના અને 4 હજાર બ્રાહ્મણોના મત છે. આ ઉપરાંત રાણા અને ભાવસાર સમાજના મતદારો સહિત મુસ્લિમ સમાજના ૩૪ હજાર મતદારો વોર્ડમાં હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ-ભાજપ બંનેના વિરોધને પગલે રોડલાઈનનો અમલ થયો નથી

આ વોર્ડમાં 30 વર્ષ અગાઉ જે વિસ્તારમાં રોડ લાઈનનો અમલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું, એનો અમલ થવા દીધો હોત તો આજે ખાડિયા વોર્ડના રસ્તા પહોળા હોત. કમનસીબે રાયપુર દરવાજાથી રાયપુર ચકલા ઉપરાંત ખાડિયા ગેટથી ખાડિયા ચાર રસ્તા અને ખાડિયા ચાર રસ્તાથી રીલીફ રોડ સુધીની રોડલાઇનનો ભાજપ અને કોંગ્રેસના એક સમયે ચૂંટાઈને આવેલા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવતા અમલ થઇ શક્યો ન હતો. જેથી ખાડીયાના રહીશો ખુલ્લે આમ કહે છે કે, ભલે અત્યાર સુધી તમે અમને છેતર્યા પણ આ વખતે અણધાર્યા પરિણામ માટે અત્યારથી જ તૈયાર રહેજો.

ABOUT THE AUTHOR

...view details