- અમદાવાદની એક ખાનગી કંપની દ્વારા તૈયાર કરાયો રોબોટ
- રોબોટ પાણીનો ઉપયોગ કર્યા વગર કરે છે સોલાર પેનલ સાફ
- પાણીનો વેડફાટ અટકાવવાની સાથે કાર્યક્ષમતા પણ વધારે છે
અમદાવાદ: હાલમાં અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મકાનો પર સોલાર પેનલ લગાવ્યા છે. જોકે, આ સોલાર પેનલને સાફ રાખવાની સાથે સાથે પાણી પણ બચે તે માટે અમદાવાદની એક ખાનગી કંપનીએ એક રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટના ઉપયોગ દ્વારા એક પેનલ દીઠ સરેરાશ 200 યુનિટ જેટલી વધારે વિજળી ઉત્પન્ન કરી શકાય છે.
જાણો કઈ રીતે સોલાર પેનલની કાર્યક્ષમતા વધારવાની સાથે એક રોબોટ બચાવશે લાખો લીટર પાણી કઈ રીતે રોબોટ બચાવશે પાણી?
અમદાવાદ IIM-RAMમાં અભ્યાસ કરતી વખતે અક્ષત વ્યાસ સોલાર પેનલની કાર્યક્ષમતા વધારવા અંગેના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં તેમના ધ્યાને આવ્યું હતું કે, સોલાર પેનલની કાર્યક્ષમતા ઘટાડતા મુખ્ય 3 પરિબળો પૈકી માત્ર એક પરિબળ 'ધૂળ'ને માણસ કાબૂમાં લઈ શકે તેમ છે. ત્યારબાદ તેમના ધ્યાને આવ્યું કે, સોલાર પેનલ પર લાગતી ધૂળને સાફ કરવા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 2 બાય 1 મીટરની સોલાર પેનલને સાફ કરવા માટે સરેરાશ 2થી 3 લીટર પાણી વેડફાતું હતું. આ ઉપરાંત સોલાર પેનલનું આયુષ્ય વધારવા માટે તેની સાફસફાઈ પ્યોરિફાઈડ પાણી વડે કરવી પડે તેમ હતી. એક સામાન્ય સોલાર પેનલની સાફસફાઈ પાછળ આટલી હદે પાણી વેડફાતું હોવાથી તેને અટકાવવા માટે તેમણે એક રોબોટ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. જેને તૈયાર કર્યા બાદ તે એક ટીપું પણ પાણીનો ઉપયોગ કર્યા વગર તે એક દિવસમાં 6 હજારથી વધુ પેનલ સાફ કરી શકે છે અને પેનલ દીઠ સરેરાશ 200 યુનિટ વધુ વિજળી ઉત્પાદિત કરી શકાય છે.
ગુજરાતના 5 હજાર ઘરોને વિજળી પહોંચાડાય, તેટલું ઉત્પાદન વધ્યું
વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેને 2 લાખની ગ્રાન્ટ પણ આપી હતી. જ્યારબાદ અક્ષત વ્યાસે એક ખાનગી કંપની ઉભી કરી હતી. આ કંપની ઓટોમેટિક અને સેમિઓટોમેટિક એમ બે પ્રકારના રોબોટ્સ બનાવે છે. ઓટોમેટિક રોબોટ ફિટ કરાવ્યા બાદ કોઈ પણ માણસની જરૂર પડતી નથી. જ્યારે, સેમિઓટોમેટિક રોબોટ ફિટ કરાવ્યા બાદ 3 રોબોટ વચ્ચે 2 માણસની જરૂર પડે છે. અત્યાર સુધી આ કંપની દ્વારા 90 લાખ જેટલી પેનલ સાફ કરવામાં આવી છે. જેના કારણે 2 કરોડ લીટર પાણીનો બગાડ થતો અટક્યો છે અને આ પેનલોની સાફસફાઈ બાદ તેની કાર્યક્ષમતા વધતા ગુજરાતના 5 હજાર ઘરોમાં વિજળી પહોંચાડી શકાય તેટલી વધુ વિજળીનું ઉત્પાદન થયું છે.