- રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત
- દેશમાંથી કુલ 32 બાળકોએ જીત્યા એવોર્ડ
- અમદાવાદમાંથી ખુશી પટેલે જીત્યો એવોર્ડ
અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ પુરસ્કારની જાહેરાત કરાઇ હતી, ત્યારે દેશભરમાંથી 32 બાળકો આ એવોર્ડ જીત્યા છે. ગુજરાત માટે સોનેરી દિવસ છે. કારણ કે, રાજ્યના અમદાવાદ અને રાજકોટમાંથી એમ બે બાળકો આ એવોર્ડ જીત્યા છે. જેમાં અમદાવાદની ખુશી પટેલ આર્ટિસ્ટિક સ્કેટિંગમાં અને રાજકોટનો મંત્ર હરખાણી સ્વિમિંગમાં આ એવોર્ડ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ શિક્ષા, રમત, કળા, સંસ્કૃતિ, સામાજિક સેવા અને બહાદુરી જેવા ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે.
વિજેતા બાળકો સાથે વડાપ્રધાનનો વાર્તાલાપ
દેશમાં જે-તે જિલ્લાની જિલ્લા કચેરીથી બાળકોએ પોતાના માતા-પિતા સહિત વડાપ્રધાનની સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતી ખુશી પટેલે પણ આર્ટિસ્ટિક સ્કેટિંગની રમતમાં આ પુરસ્કાર મેળવીને અમદાવાદનું નામ રોશન કર્યું છે. તે અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતેથી પોતાના માતા-પિતા અને કલેકટર સંદીપ સાંગલે સાથે વડાપ્રધાન સમક્ષ વાત કરવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
16 વર્ષની વયે જીત્યા અનેક મેડલ
ખુશી પટેલે 16 વર્ષની વય સુધીમાં અનેક મેડલો જીત્યા છે. ત્યારે ખુશીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, આ પુરષ્કારથી તેઓ ખૂબ જ આનંદિત છે તેઓ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા વધુ પ્રયત્ન કરશે. તેમણે રાજ્ય કક્ષાએ 25 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ મેળવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ 7 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જ્યારે ચીન ખાતેની એશિયન રોલર સ્કેટિંગમાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. એશિયન આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ ગોલ્ડ મેળવનાર તે ભારતની એકમાત્ર દીકરી છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં સામાન્ય રીતે પ્રોગ્રામ, જમ્પ, ફિગર જેવા વિવિધ પાસા હોય છે.
ખુશી પટેલ અને લેકટર સંદીપ સાંગલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ્સ જીત્યા
આ પ્રસંગે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિજેતા બાળકો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતમાંથી ખુશી પટેલની પસંદગી થઈ તે ગૌરવની બાબત છે. ખુશીએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તો મેડલો જ જીત્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ્સ જીત્યા છે. ખુશીએ ચાઇના, સાઉથ કોરિયા અને ફ્રાન્સમાં યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કર્યું છે.