- ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે “કસુંબીનો રંગ-ઉત્સવ” માં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી નિમિત્તે “કસુંબીનો રંગ ઉત્સવ” નો કાર્યકમ યોજાયો
- લોક સાહિત્યકાર, લેખક, પત્રકાર, કવિ જેવું બહુઆયામી વ્યક્તિત્વ એટલે ઝવેરચંદ મેઘાણી: નીતિન પટેલ
અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઝવેરચંદ મેઘાણીને બહુઆયામી વ્યક્તિત્વ ગણાવ્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, તેઓ લોકસાહિત્યકાર, લેખક, પત્રકાર અને કવિ જેવા બહુવિધ કૌશલ્યો ધરાવતા હતા.
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકાર દ્વારા મેઘાણીની 125 મી જન્મ જયંતિની ઉજવણી
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતીનો આજથી શુભારંભ થઈ રહ્યો છે. જે સમગ્ર વર્ષ દરમિયાન આખા રાજ્યમાં ઉજવાશે. તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળા – કોલેજોમાં આ ઉત્સવની ઉજવણી થકી યુવાનોમાં રાષ્ટ્રભક્તિનો ભાવ જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમ યોજાયો ઝવેરચંદની કલમમાં જોમ અને ખુમારી
નાયબ મુખ્યપ્રધાને આઝાદીની લડતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું હતું અને આબાલવૃદ્ધ સૌ કોઈમાં તેમની કલમ દ્વારા આઝાદીની લડતનું જોમ પેદા કર્યુ હતુ. ઝવેરચંદ મેઘાણીની કલમમાં ખુમારી, વિદ્વતા અને જોશ જોવા મળે છે અને તેથી આ ઉત્તમ સાહિત્યના અમૂલ્ય વારસાને જાળવી રાખવાની આપણા સૌ કોઈની ફરજ છે.
ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત કસુંબીનો રંગ-ઉત્સવ કાર્યક્રમ યોજાયો ગુજરાતે ભારતને અનેક વ્યક્તિ રત્ન આપ્યા
નીતિન પટેલે ગુજરાતમાં કળા-સંસ્કૃતિ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનારાઓનું સ્મરણ કરતાં કહ્યું કે, ગુજરાતે હંમેશા દેશની પ્રગતિ અને વિકાસમાં પોતાના ફાળો આપ્યો છે અને મહાન સાહિત્યકારો, ચિત્રકારો, નેતાઓ અને સંગીતકારો તેમ જ વૈજ્ઞાનિકોની દેશને ભેટ ધરી છે. આપણા લોક ડાયરા, લોકકથા, લોકગીતો જેવા પરંપરાગત માધ્યમો દ્વારા આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યું છે. તે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે.
ભારતની લોકશાહી અડીખમ
નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ભારત એ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ રાષ્ટ્રએ અનેક ચડાવ-ઉતાર જોયા છે. આ બધાની વચ્ચે પણ રાષ્ટ્ર સતત ઉન્નતિના શિખરો સર કરતું રહ્યુ છે. તેમણે ગૌરવભેર કહ્યું કે, ભારતની પ્રગતિના મૂળમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો રહેલા છે. આપણા વડવાઓએ આપણને અમૂલ્ય વિરાસત આપી છે. આ વિરાસતને ભાવિ પેઢી સુધી પહોંચાડવાની આપણા સૌની નૈતિક ફરજ છે. આ અવસરે તેમણે યુવાનોને રાષ્ટ્રના ઘડવૈયાઓની જીવનમાંથી પ્રેરણા લેવાનું પણ આહ્વાન કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાને વિવાદીત ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ભારતમાં સમન્વય શક્તિ ધરાવતા હિન્દુઓ બહુમતીમાં છે એટલે અહીં લોકશાહી સલામત છે. તેમજ દેશ સમૃદ્ધિના પંથે અગ્રેસર છે.