અમદાવાદ ACBની ટીમે ACBના જૂનાગઢ PIની ધરપકડ કરી છે. લોકોને લાંચ લેતા પકડવા જતા, PI હવે પોતે જ ઝડપાઈ ગયા છે, એ પણ 18 લાખની લાંચ સાથે. નિવૃત થયેલા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવ સહ સંયુક્ત, પશુ પાલન નિયામક અધિકારી સમક્ષ લાંચની માંગણીને લઈ ફરિયાદ કરવા ગયા હતા.
જૂનાગઢ ACBના PI કેવી રીતે ફસાયા અમદાવાદ ACBના સકંજામાં? વાંચો આ અહેવાલ... ACBના અધિકારીઓને ખ્યાલ આવ્યો કે, આરોપી પોતે ACBના અધિકારી છે, તો એક સ્પેશિયલ ટીમ બનાવી ટ્રેપનું પ્લાન બનાવવામાં આવ્યુ. આરોપી ડી. ડી. ચાવડા ACBના એક કેસના કામથી અમદાવાદ આવ્યા હતા. પરંતુ મંગળવારે PIએ ફરિયાદીને 18 લાખ લઈ સનાથલ પાસે બોલાવેલા અને એવું પણ જણાવ્યું હતું કે, પ્રસાદીની નીચે અલગથી ખોખુ લેતા આવજો. આમ તો આરોપીએ 20 લાખની માંગણી કરી હતી, પરંતુ છેલ્લે 18 લાખમાં પર બંન્ને પક્ષ સહમત થયા હતા.
મળેલી વિગતો અનુસાર વર્ષ 2015-16માં જુનાગઢ જિલ્લામાં આવેલા માળીયા હાટી તાલુકાના પાતળા ગામની ગૌચર સુધારણાની કામગીરી કરી હતી, જેમાં કુલ 20 હેકટર જમીન પૈકી 18.86 હેકટર જમીનની ગૌચર સુધારણાની કામગીરી પુરી થઈ હતી. આ કામગિરીમાં સત્તાનો દુરપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ACB જુનાગઢમાં આ મામલે 2018માં ફરિયાદ થતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓમાં ફરીદા લીંગારી-સરપંચ, જુસબ લીંગારી-પુર્વ સરપંચ, હેમરાજ પટણી-તલાટી કમ મંત્રી, ભીજશી લુણી, જીવા કરમટા અને પીઠા ચાવડા સામે ગુનો દાખલ કરી, તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આરોપી PIએ ACBના ફરિયાદીને ફોન કરી જણાવેલ કે, આ કેસમાં તમારી પાસેથી માહિતી લેવી છે. જો તમે મને રૂપિયા આપશો તો તમને સાક્ષી બનાવી દઈશ. કારણ કે, આ સિવાય પોરબંદરમાં પણ આવા કેસ દાખલ થયેલા છે. જેમાં તમને ફાયદો થશે. ACBના ફરિયાદી જેતે સમય વિભાગના અધિકારી હતા. જેથી તેમની સામે કાર્યવાહી ન થાય તે માટે આરોપી PI રૂપિયા માંગ્યા હતા. PI ડી. ડી. ચાવડા પાસે આ સિવાય અન્ય 3 અરજીઓની તપાસ હતી.
નોંધનીય છે કે, ACBએ હાલ PIના મિલકત સંબંધી દસ્તોવેજો અને સોનાની ખરીદીના બીલો કબ્જે કર્યા છે. બેંકની માહિતી સિવાય અન્ય માહિતી માટે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે વધુ તપાસ દરમિયાન અન્ય મહત્વના ખુલાસા થઈ શકે છે.