- રાજ્ય સરકાર માત્ર વિકાસના બણગાં ફૂંકે છે: મેવાણી
- મનરેગા (MGNREGA) ના 1 લાખથી વધુ લોકોના પૈસા છેલ્લા ત્રણ મહિનાથી નથી ચૂકવાયા
- રાજ્યભરમાં કુલ 212 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી
- માત્ર 24 દિવસ રોજગાર ઉપલબ્દ્ધ
અમદાવાદ: મનરેગા (MGNREGA) માં 100 દિવસની રોજગાર ગેરેન્ટી સામે જીગ્નેશ મેવાણી (Jignesh Mewani) એ સરકાર (Government) સામે શનિવારે આકરા પ્રહારો કર્યા હતા. રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરતા મેવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોતાના વિકાસના માત્ર બણગાં જ ફૂંકે છે. તેની સામે કામગીરી કરવામાં આવતી નથી. એક તરફ મનરેગા અંતર્ગત 15 દિવસ જો પૈસા ચુકવવામાં મોડું થાય તો અધિકારીને દંડ ભરવાની જોગવાઈ છે પણ જ્યારે આ ઘટનાની તપાસ કરી તો ખબર પડી કે સમગ્ર રાજ્યના કામદારો (Workers) ના પૈસા અટવાયેલા છે. કેન્દ્ર સરકારે રાજ્યને પૈસા જ મોકલ્યા નથી. વધુમાં 100 દિવસ રોજગારીની ગેરન્ટી આપતી સરકાર (Government) ગુજરાતમાં માત્ર 24 દિવસ જ રોજગારી આપે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેઓ જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન (CM) હતા ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ભેદભાવ કરતી હોવાનો આક્ષેપ કરતા હતા પણ આજે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં તેમની સરકાર છે તો કેમ ગુજરાતના કામદારોએ ભેદભાવ સહન કરવાનો વારો આવી રહ્યો છે.
આ પણ વાંચો: ઓક્સિજન પ્લાન્ટ માટે જીગ્નેશ મેવાણીએ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી