ગુજરાત

gujarat

ETV Bharat / city

શું સંવેદનશીલ સરકાર નાગરિકોના આરોગ્યને લઈને છે સંવેદનશીલ? - AHMEDABAD NEWS

રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીમાં વ્યસ્ત છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જુદા-જુદા ક્ષેત્રોમાં શું કાર્ય કરવું તે જાણવું મહત્વનું છે. સરકારી હોસ્પિટલો ડોક્ટરોની અછત, મેડિકલ સાધનોની અછત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને દર્દીઓનાં ધસારાથી ઉભરાઇ રહી છે.ગુજરાત મેડિકલ હબ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિ જોતા તેવું લાગતું નથી. કેટલીક જગ્યાએ તો ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચાયા જેને કંટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ રહી હતી.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Aug 3, 2021, 1:23 PM IST

  • સંવેદનશીલ સરકારની 5 વર્ષની ઉજવણી
  • મેડિકલ હબ તરફ આગળ વધતું ગુજરાત
  • સરકારી હોસ્પિટલોની ખસતા હાલત

અમદાવાદ: રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીમાં વ્યસ્ત જણાઇ રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે જુદા-જુદા ક્ષેત્રોમાં શું કાર્ય કરવું તે જાણવું મહત્વનું છે. માનવ વિકાસ આંકમાં શિક્ષણ આરોગ્ય અને અપેક્ષિત આયુષ્યનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા બે વર્ષ કોરોનાને લઇને આરોગ્ય તરફ વધુ ધ્યાન દોરતા રહ્યા છે. એમ કહેવાય છે કે, ગુજરાત મેડિકલ હબ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યું છે, પરંતુ ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની સ્થિતિ જોતા તેવું લાગતું નથી. ખરેખર ખાનગી હોસ્પિટલોને ઘી-કેળા જેવો ઘાટ છે.

સરકારી હોસ્પિટલની ખસતા હાલત

સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત, મેડિકલ સાધનોની અછત, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત અને દર્દીઓનાં ધસારાથી ઉભરાઇ રહી છે. કોરોના કાળમાં હોસ્પિટલમાં સામાન્ય માણસને બેડ મળવો મુશ્કેલ સાબિત થયો હતો, ત્યારે ઓક્સિજનની કટોકટી પણ સર્જાઇ હતી. ખાનગી હોસ્પિટલો દ્વારા મન ફાવે તેવા પૈસા દર્દીઓ પાસેથી વસૂલ કરવામાં આવ્યા હતા. રેમડેસીવર ઇન્જેક્શન માટે પણ લાઈનો લાગી અને તેના કાળા બજાર થયા. કેટલીક જગ્યાએ તો ડુપ્લીકેટ ઇન્જેક્શન વેચાયા જેને કંટ્રોલ કરવામાં સરકાર નિષ્ફળ રહી.

સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા નથી

આ અંગે રાજકીય વિશ્લેષક હેમંત શાહે ETV bharat ને જણાવ્યું હતું કે, આ સરકાર ખરેખરમાં પાંચ વર્ષ પૂર્ણ થયા નથી. 2017 ડિસેમ્બરમાં આ સરકાર આવી હતી. 2016માં વિજય રૂપાણીની મુખ્યપ્રધાન તરીકે વરણી કરવામાં આવી હતી. જેથી તેઓ તેને પાંચ વર્ષ ગણી રહ્યા છે. આ ઉજાણી ચૂંટણી વહેલી આવવાનો સંકેત છે. આરોગ્યની બાબતમાં સરકાર સંવેદનશીલ નથી.

છેલ્લા બજેટમાં 0.62 ટકા રકમ જ આરોગ્ય સેવાઓ ફાળવાઈ

છેલ્લા બજેટમાં આરોગ્યની પાછળ ફક્ત 0.62 ટકા જ રકમ આરોગ્ય સેવાઓ પાછળ ફાળવવામાં આવી હતી. જે 2017ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે GDP ના 2.5 ટકા જેટલી હોવી જોઈએ. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ પ્રમાણે બજેટના 8 ટકા ખર્ચ આરોગ્ય પાછળ કરવો જોઈએ. જે ફક્ત 5.08 ટકા ખર્ચ આરોગ્ય સેવા પાછળ કરવામાં આવે છે. ગુજરાત સરકાર શહેરો અને નગરોમાં આરોગ્ય સેવા પાછળ વધુ ખર્ચ કરી રહી છે, પરંતુ ગ્રામીણ વિસ્તાર જેમાં ગુજરાતની 57 ટકા વસ્તી વસે છે. ત્યાં ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા બજેટમાં 1,103 કરોડ રૂપિયા ગામડાઓ માટે ફાળવવામાં આવ્યા હતા. જ્યારે 2,783 કરોડ રૂપિયા શહેરો પાછળ ફાળવાયા હતા. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર પાછળનો ખર્ચ 2020-21 માં ઓછો કર્યો હતો. જેને સરકાર હજુ પણ ઓછો કરવા જઈ રહી છે.

નર્સો અને ડોકટરોની અછત

કોરોના કાળમાં સરકાર પાસે નર્સ અને ડોક્ટરોની અછત હતી. તેમને પગાર ચૂકવવામાં પણ તકલીફ પડી હતી. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપતા કોરોનામાં 152 કરોડ પ્રાઇવેટ હોસ્પિટલને પેમેન્ટ આપવામાં આવ્યુ છે. સરકારી હોસ્પિટલમાં 1,761 MBBS ડોકટર અને 598 સ્પેશિયલ ડોક્ટરોની અછત છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટમાં પણ ઘટાડો થયો છે. ઓક્સિજન પ્યોરિટી માપવાના મશીન મંગાવવાનું સરકારે પાંચ વર્ષથી બંધ કર્યું છે. 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેનની મશીન નથી. તો 22 જિલ્લામાં MRI મશીન નથી. દર્દીઓના ખર્ચમાં પણ 373 કરોડનું નુકસાન થયું છે.

કોરોનામાં વહીવટ બાબુઓના હાથમાં હતો

કોરોનાના સમયમાં જયારે નાગરિકોને સૌથી વધુ સરકારના સાથ-સહકારની અપેક્ષા હતી. રાજ્યનો વહીવટ સરકારી બાબુઓના ભરોસે છોડી દેવામાં આવ્યો હતો. કોરોના કાળમાં સરકારી હોસ્પિટલની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક દર્દીઓએ તો હોસ્પિટલની બહાર જ દમ તોડી દીધો હતો. પીવાના પાણીની સુવિધા પણ હોસ્પિટલમાં જોવા મળી ન હતી. જો સ્વયંસેવકો નાગરિકોની મદદે આવ્યા ન હોત તો સ્થિતિ બદતર હોત. ફક્ત 108થી જ કોરોનાના દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાના નિયમથી અનેક લોકોના મૃત્યુ થયા છે. તે વખતે સરકાર અસંવેદનશીલ બની હતી. જો હાઇકોર્ટનો નિર્ણય ન આવ્યો હોત તો આના કરતાં વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હોય. હજુ પણ ત્રીજી લહેરને લઈને આરોગ્ય સેવા પાછળ ખર્ચ કરવાની જગ્યાએ સરકાર ઉત્સવો અને મનોરંજન પાછળ સરકાર નાણા ખર્ચી રહી છે.

કોરોનામાં દરેક દેશનું હેલ્થ સેકટર ઉઘાડું પડ્યું

વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલાએ ETV bharatને જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર ભારતની વસ્તીના પ્રમાણમાં અન્ય દેશો કરતાં ઓછી ઘાતક નીવડી છે, તેમ કહી શકાય. તે માટે સરકારના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને સારવારની પોલીસીને આભારી છે. આ ઉપરાંત રસીકરણ કેમ્પેને પણ મૃત્યુદર ઘટાડામાં મોટો ભાગ ભજવ્યો છે. સરકારના તાકીદના પગલાંથી લાખો લોકોના જીવ બચ્યા છે. કોરોનામાં જાહેર આરોગ્ય સેવાઓ તેમજ જરૂર પડે ખાનગી આરોગ્ય સેવાઓને હસ્તગત કરવાની સરકારની નીતિની પ્રશંસા કરવી જ પડે. ઓછા સમયમાં રિસોર્સ પુરા પાડવા અઘરું કામ છે.

ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રની સ્થિતિ

આરોગ્ય સેવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાસ્તરે આવેલી હોસ્પિટલની ગણતરી કરવી પડે. આપણી પાસે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટર જવા તૈયાર નથી. સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અને ફિઝિશિયનની ઘટ છે. સ્વીકારવું રહ્યું કે કોરોનામાં વિશ્વના તમામ દેશની હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપોઝ થઈ ચૂકી છે. તેની સરખામણીમાં ગુજરાતમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હતી. ઓક્સિજનની અછત જરૂર હતી પરંતુ તેના લીધે મૃત્યુ પામ્યા હોય તેવો એક પણ કેસ ગુજરાતમાં નોંધાયો નથી. હેલ્થ ક્ષેત્રમાં ત્રુટીઓ વર્ષોથી છે. પરંતુ ઘણું બધું ડૉક્ટર પર નિર્ભર છે આ વ્યવસાય જનસેવાનો છે. તે ભૂલવું જોઈએ નહીં.

આ પણ વાંચો:આજથી રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી શરૂ, પ્રથમ દિવસ 'પાંચ વર્ષ-શિક્ષણ ક્ષેત્રે અગ્રેસરતાના' તરીકે ઉજવાશે

ગુજરાતમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલોની સ્થિતિ

દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલ હોવી જોઈએ. જે ગુજરાતના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત એઇમ્સ જેવી હોસ્પિટલ રાજકોટમાં આવી છે. સરકારે હોસ્પિટલોને પોતાની તરફથી પુરતા સાધનો પુરા પાડયા છે. કોરોનામાં ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ ઘણી સારી હતી.

આ પણ વાંચો:સરકારની 5 વર્ષની ઉજવણી: જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર

કોરોના બાદ ડેમેજ કંટ્રોલ

સરકારે કોરોના કાળ બાદ ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. ત્રીજી લહેરને લઇને આગવી તૈયારીઓ થઇ ચૂકી છે. હોસ્પિટલમાં સાધનો ઉપલબ્ધ કરાવી દીધા છે. બાળકો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના થઈ ચૂકી છે. કોરોના કાળમાં અનાથ બનેલાં બાળકોને સહાય પણ જાહેર થઈ ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details