ભારતની સાતમી આર્થિક ગણતરીમાં પ્રજાજનોએ આપેલી માહિતી ગુપ્ત રાખવામાં આવશેઃ અમદાવાદ જિલ્લા કલેકટર - સંદીપ સાગલે
ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યક્તિઓ/કુટુંબો અને સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે. જેનો ઉપયોગ નીતિ ઘડતર માટે કરવામાં આવે છે. આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે, તેમ અમદાવાદ જિલ્લા કલેકટરે જણાવ્યું છે.
● સાતમી આર્થિક ગણતરી શરૂ
● આર્થિક ક્ષેત્રના વિકાસ માટે પાયાની માહિતી છે
● સૌપ્રથમ વખત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ
અમદાવાદઃ ભારત સરકાર દ્વારા સાતમી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવી છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના હસ્તે 15 જાન્યુઆરી, 2020ના રોજ સાતમી આર્થિક ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આર્થિક ગણતરીએ ખુબ જ અગત્યની ગણતરી છે. આ ગણતરી પરથી દેશમાં કયા પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે? કયા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે? તે અંગેની જાણકારી મેળવવાનો મુખ્ય આશય છે. આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબાગાળાના આયોજનમાં મદદરૂપ થઈ શકે છે. જેમાં સૌ પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવી છે.