અમદાવાદઃ ચીનની એપ બંધ થતાં જ ભારતે એપના મામલે આત્મનિર્ભરતા અપનાવી લીધી છે, સ્વદેશી એપનો જમાનો આવ્યો હોય તેમ દર કલાકે સ્વદેશી એપ લાખોની સંખ્યામાં ડાઉનલોડ થઈ રહી છે. ચાઈનાની ટિકટોક, હેલો, યૂસી બ્રાઉઝર, પબજી, ઝૂમ, ઝેન્ડર ખૂબ જ લોકપ્રિય એપ હતી. હવે આ તમામ એપ બંધ થઈ જતાં ભારતીયો તેની સામેની અવેજી સ્વદેશી એપ તરફ વળ્યાં છે.
ચાઈનાની એપ સામે સ્વદેશી એપની બોલબાલા…
કેન્દ્ર સરકારે ચાઈનાની 59 એપ પર પ્રતિબંધ મૂકીને ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેને ગ્લોબલ ટાઈમ્સે વખોડી છે, અને ચીન સાથેના આર્થિક વ્યવહારો તોડીને ભારત નુકસાન કરી રહ્યું છે. ચીનની 59 એપ બંધ થતાંની સાથે સ્વદેશી એપની બોલબાલા વધી છે.
ચાઈના એપ સામે સ્વદેશી એપ જે લોકો દ્વારા ડાઉનલોડ થઈ રહી છે. તે જોઇએ તો, ટિકટોકની સામે ચિન્ગારી, યૂસી બ્રાઉઝરની સામે જિઓ બ્રાઉઝર, સેફ સિક્યુરિટીની સામે જિઓ સિક્યુરિટી, ટયૂબમેટની સામે વિડીયોડર, એપલૉકની સામે સ્માર્ટ એપ લૉકર, હેલોની સામે રોપોસો, પબજીની સામે સ્કેરફોલ ધી રૉયલ, ઝૂમની સામે જિઓ મીટ, બ્યૂટી પ્લસની સામે લાઈટ એક્સ ફોટો એડિટર, વીવા વિડીયોની સામે વિડીયો એડિટર, ઝેન્ડરની સામે જિઓ શેર, યૂ ડિક્સનેરીની સામે ઈંગ્લિશ હિન્દી ડિક્સનેરી એપ લોકોની પસંદગી બની રહી છે.
સાયબર ક્રાઈમ એક્સપર્ટ નિતીનભાઈ પાઠકે ETV Bharatને જણાવ્યું હતું કે ભારત પાસે બધું જ છે, આઈટી નિષ્ણાત છે, આંત્રપ્રન્યોરશિપ છે, મૂડી છે, જરૂર છે માત્ર કમીટમેન્ટની. ભારતીયો નક્કી કરશે તો ચીન કરતાં આપણે આગળ નીકળી જઈશું. ચાઈનાનો બોયકોટ કરીને ભારતીય ચીજવસ્તુઓ અપનાવવાનો સમય આવી ગયો છે.