- બે મહિનાથી 70 કિલોમીટર નર્મદા કેનાલનું પાણી મીઠાના પાટા ઉપર ફરી વળ્યું
- મીઠાંના પાટા પર પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
સુરેન્દ્રનગર: પાટડીના ખારાઘોડાના રણમાં પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન થયું છે. છેલ્લા બે માસથી અવિરત નર્મદા કેનાલનું પાણી વહેતા ખારાઘોડાથી ધાંગધ્રા ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ બાબતે વારંવાર નર્મદા વિભાગ તેમજ સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી. પાટડી ખારાઘોડા રણમાં અંદાજીત છેલ્લા 13 વર્ષથી નર્મદા કેનાલના ઓવરફ્લો થયેલા પાણી ફરી વળે છે, જેને કારણે અગરિયાઓને ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડે છે. આ બાબતે વારંવાર નર્મદા વિભાગ તેમજ સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આડા કાન કરી રહ્યું છે. અગરિયાઓનો અવાજ જાડી ચામડીના અધિકારીને સંભળાતો ન હોય તેવું લાગી રહ્યું છે.
2017માં પણ નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટુ નુકસાન થયું હતું
2017માં નર્મદાનું પાણી ફરી વળતા અગરિયાઓને નુકસાન થતા, અગરિયા હિત રક્ષક મંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા અગરિયાઓને થયેલા નુકસાન બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 136 અગરિયાઓને થયેલા નુકસાનના ફોર્મ ભર્યા હતા જે બાબતે અગરિયાઓને વળતર માટે સરકાર દ્વારા 90 લાખ જેટલી રકમ ફાળવવામાં આવી હતી, પરંતુ તે રકમનો આજદિન સુધી અગરિયાઓને એક પણ પૈસો મળ્યો નથી, તેમ અગરિયા હિત રક્ષક મંચના જિલ્લા કૉ. ભરતભાઈ સોમેરાએ જણાવ્યું હતું.