અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા હાઈકોર્ટમા્ં રજૂ કરવામાં આવેલા સોંગદનામા પ્રમાણે માર્ચ મહિનામાં તારીખ 11, 12 અને 13 તારીખના રોજ બેન્ક કર્મચારીઓ દ્વારા જે હડતાળ રાખવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે અને આગામી સુનાવણી દરમ્યાન એપ્રિલ મહિનામાં બેન્ક કર્મચારીઓ દ્વારા જાહેરાત કરાયેલી હડતાલ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
માર્ચ મહિનામાં બેન્ક કર્મચારીઓની ત્રણ દિવસની હડતાલ મોકુફ રખાઈ - અમદાવાદ
જાન્યુઆરીમાં યાજોયેલી બે દિવસની બેન્ક હડતાલ અને માર્ચમાં યોજાનારી ત્રણ દિવસની બેન્ક કર્મચારીઓની હડતાલ સામે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અને અન્ય વિભાગોના ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી મુદ્દે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં બેન્ક કર્મચારીઓ દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી હતી તે મોકૂફ રખાઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુનાવણી 28મી એપ્રિલે હાથ ધરવામાં આવશે.
અગાઉ હાઇકોર્ટમાં RBI દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, બેન્ક કર્મચારીઓના હડતાલમાં તેમને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી પરતું જો જાહેર હિતને અસર કરે તો હસ્તક્ષેપ કરી શકાય છે. હાઈકોર્ટે RBI અને કેન્દ્ર સરકારને નોટિસ આપી જવાબ રજૂ કરવાો આદેશ કર્યો હતો.
અરજદારના વકીલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, જાન્યુઆરીમાં બે દિવસ બેન્ક કર્મચારીઓ દ્વારા રાખવામાં આવેલી હડતાલમાં હજારો કરોડ રૂપિયાના ચેક અટવાયા હતાં. હજી પણ માર્ચ મહિનામાં બેન્ક એસોસિએશન 11, 12 અને 13 માર્ચના રોજ હડતાલ રાખવાનું આયોજન કરી રહ્યાં છે. હાઈકોર્ટે બેન્ક એસોસિએશન તરફે રજૂ કરાયેલા સોગંદનામા સામે અરજદારના વકીલને રિ-જોઈન્ડર એફિડેવિટ ફાઈલ કરવાની છૂટ આપી હતી. અગાઉ હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે, જાહેર સેવા સાથે સંકળાયેલા લોકો હડતાલ પર જશે તો તેમનો પગાર કાપી લેવામાં આવશે અને તેમની વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.