અમદાવાદ: શહેરના કુબેરનગર વિસ્તારમાં 11 પરિવારના 52 પાકિસ્તાની નાગરિકો લોકડાઉનમાં ફસાયા છે. તમામ પાકિસ્તાનના સિંધ પ્રાંતના છે. જેઓ પંજાબની અમૃતસરની વાઘા-અટારી બોર્ડર પરથી ટુરિસ્ટ વિઝા પર હરિદ્વારની યાત્રા કરવા આવ્યા હતા. પરંતુ અમદાવાદ આવી પહોંચતા જ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું અને તેઓ ફસાઈ ગયા હતા. પરિણામે તેઓ નરોડા પોલીસ ચોકી પર હાજર થયા હતા અને પોતાના ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવ્યા હતા.
લોકડાઉનમાં પાકિસ્તાનના નાગરિકો અમદાવાદમાં ફસાયા - Pakistani families
કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં અપાયેલા લોકડાઉનમાં વિમાની ઉડ્ડયન સેવાઓ અને જાહેર પરિવહન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે દેશના મજૂર પરિવાર જ તકલીફમાં નથી મુકાયો. પરંતુ કેટલાય વિદેશી નાગરિકો ભારતમાં ફસાઈ ગયા હતા. આવા જ 11 પાકિસ્તાની પરિવારો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ફસાયા છે.
જ્યારે આ પરિવારો અહીં ફસાયા છે ત્યારે તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા તેમને રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને નિયમ મુજબ 14 દિવસ કવોરંટાઇન કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી જાહેર પરિવહનની સેવાઓ શરૂ ન થાય અને લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને લોંગ ટર્મ વિઝા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરને અરજી કરી હતી. અમદાવાદના કલેકટર કે.કે નિરાલા પણ આ મુદ્દાને જોઈ રહ્યા છે.
શરૂઆતના દિવસોમાં તેમને તંત્ર દ્વારા 14 દિવસ બે ટંકનું જમવાનું પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ કવોરંટાઇન સમય પૂરો થયા બાદ તેમણે એક જ સમયનું જમવાનું મળતું હતું. પરંતુ આસપાસના સ્થાનિકોના સહયોગથી તેમને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે લોકડાઉનમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું હતું. બાળકો અને મહિલાઓ સાથેના આ પરિવાર જેનું કહેવું છે કે, ભારત સરકાર તેમને અહીં શરણાર્થીઓ તરીકે રહેવાની મંજૂરી આપે તેઓ પાકિસ્તાન પરત ફરવા માંગતા નથી. તેમના વિઝા 3 જાન્યુઆરીથી 29 માર્ચ 2020 સુધીના હતા.