અમદાવાદ: ભારતીય સંસદે 1986માં ગ્રાહકોના હક્કને લગતો કાયદો પસાર કર્યો હતો. ગ્રાહકોના હકમાં પસંદગીનો અધિકાર, સલામતીનો અધિકાર, જાણકારીનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર, ગ્રાહકોના શિક્ષણનો અધિકાર, ફરિયાદ કરવાનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, શોષણ વિરૂદ્ધ અવાજનો અધિકાર અને જીવન જરૂરી વસ્તુઓ મેળવવાનો અધિકારનો સમાવેશ થાય છે.
વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે આમદાવાદમાં યોજાયો ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ - ગ્રાહકોના હક્ક રક્ષણ માટે ભારતીય સંસદે પણ 1986માં ગ્રાહકોના હક્કને લગતો કાયદો
15 માર્ચ એટલે 'વિશ્વ ગ્રાહક દિવસ' વિશ્વ ગ્રાહક હક્કોના પ્રણેતા અમેરિકાના પ્રમુખ જોન એફ કેનેડી. જેમણે આ દિવસે યુનાઇટેડ નેશન્સમાં ગ્રાહકોના હક માટેનું ખતપત્ર રજૂ કર્યું હતુ.
આમ છતાં કેટલાક વ્યાપારીઓ ગેરવાજબી પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહકોનું શોષણ અને છેતરપિંડી કરતા હોય છે. જેમકે, ભેળસેળ વાળી વસ્તુ વેચવી, વસ્તુઓના તોલમાપમાં ઘાલમેલ કરવી, હલકી ગુણવત્તાની વસ્તુઓ આપવી, ગેરવાજબી શરતો રાખવી, નક્કી કરેલી કિંમત કરતાં વધુ રૂપિયા પડાવવા આવી છેતરપીંડી સામે ગ્રાહકે જાગૃત થઈ આવા ઠગો સામે ફરિયાદ નોંધાવવી જોઈએ.
ગ્રાહકોના રક્ષણ માટે જિલ્લા લેવલે ગ્રાહક જિલ્લા ફોમ કાર્યરત છે. જે 20 લાખ સુધીના દાવાઓ સંભાળે છે. ત્યાર બાદ રાજ્ય લેવલે રાજ્ય ગ્રાહક ફોમ હોય છે કે, જે 20 લાખથી એક કરોડ સુધીના દાવાઓ સંભાળે છે. 1 કરોડથી વધુના દાવા માટે નેશનલ ફોમની રચના કરવામાં આવી છે. પરંતુ વિશ્વ ગ્રાહક દિવસ નિમિત્તે ફક્ત ગ્રાહકોના હક્કોની વાત ન કરતા, તેની ફરજોનું પણ પાલન જરૂરી બને છે. ગ્રાહકે ખરીદી કરતી સમયે વસ્તુની ગેરંટી અને વોરંટી તપાસવી જોઇએ, જરૂરી સ્ટાન્ડર્ડ માર્ક જોવા જોઇએ, કોઈ પણ લોભ-લાલચમાં આવ્યા વગર સેવાઓની શરતો ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ અને ખાસ કરીને જો તેની સાથે છેતરપિંડી થઈ હોય. તેવું જણાય તો ચોક્કસ જ ગ્રાહક ફોમમાં ફરિયાદ કરવી જોઈએ.
ગુજરાતમાં 1990થી રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રાહક નિવારણ ફોમ અને રાજ્યકક્ષાએ સ્ટેટ કમિશ્નની રચના થઈ છે. તો 'જાગો ગ્રાહક જાગો' કેમ્પેન દ્વારા સતત ગ્રાહક જાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેનાથી ઉત્સાહિત થઈને ગ્રાહકો પણ ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. 1990થી 2020 દરમિયાન ગુજરાતના 38 ગ્રાહક ફોમમાં 2,50,822 ફરિયાદો થઈ છે.