- અમદાવાદ શહેરમાં પોલીસ પુત્ર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
- સગીરાના ભાઈને પોલીસ પુત્રે આપી ધમકી
- યુવતીઓની છેડતી અને હેરાનગતિની અનેક ફરિયાદો અમદાવાદ શહેર પોલીસમાં નોંધાઇ
અમદાવાદ: શહેરમાં યુવતીઓની છેડતી અને હેરાનગતિની અનેક ફરિયાદો અમદાવાદ શહેર પોલીસમાં નોંધાઇ છે. શહેર પોલીસ પણ મહિલા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા કડક કાયદો અને સલામતીનું ધ્યાન રાખતી હોય છે, પરંતુ પોલીસ પુત્ર જ સગીરાને હેરાન કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. શહેરના નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોતાની ભાણીને અવારનવાર હેરાન કરતા યુવક વિરુદ્ધ સગીરાના મામાએ ચાર દિવસ અગાઉ નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપતાં પોલીસે યુવકની અટક કરી અટકાયતી પગલાં લઇને કાર્યવાહી કરી હતી.
પોલીસની કાર્યવાહી બાદ શું બન્યું?
સમગ્ર ઘટનામાં પોલીસ કાર્યવાહી બાદ છૂટેલા યુવકે સગીરાના ભાઈને રસ્તામાં રોકી પોલીસ મારું કંઈ નહીં બગાડી નહીં શકે તેમ કહી ધમકી આપી હતી. નારણપુરા વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં ટિફિન સર્વિસ પૂરી પાડતા મહિલાના પતિનું 2018માં અવસાન થયું હતું. પતિના અવસાન બાદ ઘરે બેઠા ટિફિન સર્વિસનો વેપાર કરી રહેલા મહિલાએ પુત્રને 17 વર્ષીય પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. મહિલાના પુત્રનો મિત્ર દેવરાજ છેલ્લા ચાર વર્ષથી તેઓના ઘરે આવતો હતો. આ દરમિયાનમાં દેવરાજ મહિલાની પુત્રી સાથે સંપર્કમાં આવતા બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો દોર શરૂ થયો હતો. આ બાબતની જાણ થતાં પરિવારે પુત્રીને દેવરાજ સાથે સંબંધ ન રાખવા સમજાવી હતી, ત્યારે પુત્રીએ પરિવારની વાત માની દેવરાજ સાથે વાતચીત બંધ કરી દીધી હતી તેમજ પોતાનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો, પરંતુ ગત તારીખ 20 જાન્યુઆરી 2021ના રોજ દેવરાજ ઝાલા સગીરાને રસ્તામાં રોકી ધમકી આપી વાતચીત કરવા દબાણ ઊભું કર્યું હતું.
પોલીસ પુત્રની સગીરાના ભાઈને શું મળી ધમકી?
સગીરાએ ઘરે જઈને આ બાબતે વાત કરતાં મહિલાએ બનાવની જાણ પોતાના ભાઈને કરી હતી ભાણીને પરેશાન કરતા યુવક દેવરાજ ઝાલા વિરુદ્ધ સગીરાના મામાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પોલીસે આ મામલે દેવરાજની અટક કરી તેની વિરુદ્ધ કલમ 151 મુજબ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી બાદ પણ ન સુધરેલા દેવરાજે સગીરાને ટ્યુશન ક્લાસમાં છોડીને ઘરે પરત આવતાં તેના ભાઈને ગત બુધવારે બપોરે 1:30 કલાકે શાસ્ત્રીનગર શ્રીનાથ શાકભાજીની દુકાન આગળ રોક્યો હતો. જ્યાં દેવરાજે સગીરાના ભાઈને જણાવ્યું હતું કે," હું પોલીસમાંથી છૂટી ગયો છું. પોલીસ મારું કંઈ બગાડી પણ નહીં શકે અને હું તારી બહેન સાથે વાત કરીશ, જો તું મને તારી બહેન સાથે વાત નહીં કરવા દે તો હું નહીં કે તારી બહેન નહીં" તેવી ધમકી આપીને તે નીકળી ગયો હતો. આ ઘટનાથી ગભરાયેલા સગીરાના ભાઈએ બનાવની જાણ માતા અને મામાને કરી હતી. આ બનાવ અંગે શુક્રવારે નારણપુરા પોલીસે દેવરાજ ભીખુસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.