અમદાવાદ: પૈસા કમાવવા વિદેશ જવાનો ટ્રેન્ડ આજ-કાલનો નથી. વર્ષો પહેલા પણ વ્યાપારીઓ જોખમ ઉઠાવીને દરિયો ખેડીને વિદેશ જતા. ટેકનોલોજીના વિકાસની સાથે વ્યવસ્થિત સિસ્ટમ ઉભી થતા હવે વિદેશમાં જવા પાસપોર્ટ અને વિઝા (Passport visa for foreign tour) જેવી જરૂરિયાતો ઉભી થઇ છે. જુદી-જુદી લાયકાત ધરાવતા લોકોને વિદેશમાં લાયકાત પ્રમાણે અભ્યાસ કરવા, નોકરી કરવા અને રહેવાના અવસર મળતા હોય છે. જો કે, સારા જીવનની આશામાં વિદેશ જવાની ઘેલછાએ અયોગ્ય રસ્તા પણ શોધી નાખ્યા છે.
વિદેશ જવાના કાયદેસરના રસ્તા
દેશમાં અત્યારે વિદેશ જવાના ટ્રેન્ડની બે રીત છે, પહેલી કાયદાકીય રીતે યોગ્ય અને બીજી કાયદાકીય રીતે અયોગ્ય કે ગેરકાનૂની. કાયદાકીય રીતે જવા માટે કેટલાક પ્રકાર હોય છે. જેમાં ટુરિસ્ટ તરીકે ફરવા જવુ, બીજું છે વિધાર્થી તરીકે સ્ટુડન્ટ વિઝા પર, ત્રીજુ છે વિઝીટર તરીકે કોઈકને મળવા જવું, ચોથું છે વર્ક પરમીટ પર જવુ અને પાંચમું છે પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે જવું. આ માટેની પ્રક્રિયા મોટાપાયે કન્સલ્ટન્ટ દ્વારા થતી હોય છે. લાયકાત અને આર્થિક ક્ષમતા પ્રમાણે વિદેશ જવાની અનેક મેથડ હોય છે. વિધાર્થીઓને વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે તેઓ જ કન્સલ્ટ કરતા હોય છે. મોટાભાગના લોકો વિકસિત દેશમાં વસવા માંગતા હોય છે.
ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર
ભારતમાં ખાસ કરીને પંજાબ, ગુજરાત અને કેરલામાં લોકો વિદેશ જવાનું વધુ પસંદ કરે છે. તેઓ કેનેડા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આરબ દેશોમાં અભ્યાસ અને રોજગાર માટે જતા હોય છે. જેની ભાષા સામાન્યતઃ અંગ્રેજી હોય છે. તેની પ્રોફેસિયન્સી જાણવા માટે અનેક પરીક્ષાઓ હોય છે, જેમ કે અમેરિકા માટે ટફેલ. પરંતુ સમાન્યતઃ ILETS ના સ્કોર સ્વીકાર્ય છે. તેના બેન્ડ અનુસાર જે-તે દેશના વિઝા માટે અરજી કરાય છે. સામાન્યતઃ 09 માંથી 6.5 જેટલો સ્કોર જરૂરી હોય છે. આ ઉપરાંત મહત્વના દસ્તાવેજોમાં પાસપોર્ટ, શૈક્ષણિક વિગતો, અનુભવની વિગત, છેલ્લા ત્રણ વર્ષનું ઈન્કમટેક્ષ રીટર્ન, બેંકની પાસબુક, પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ, સ્પોન્સર લેટર વગેરેની તમામ જાણકારી આપવાની રહે છે.
સામાન્યતઃ ખર્ચ
જો વ્યક્તિ અભ્યાસ માટે જાય તો પંદર લાખ જેટલો ખર્ચ થાય છે. જેમાં કોલેજની એક વર્ષની ફી અને બેન્ક બેલેન્સ સહિતના અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. કન્સલ્ટિંગ અંતર્ગત તમામ ખર્ચ જેમ કે વિઝા, ફાઇલ મુકવાના, કરન્સી કન્વર્ટરમાં માર્કઅપ ચાર્જ, ઇન્કમટેક્સ, GST વગેરે લાગુ પડે છે. જે-તે દેશ તેની માંગ પ્રમાણે જુદી-જુદી કેટેગરીમાં વિઝા ઇસ્યુ કરે છે. વિઝાના પ્રકાર, મુદત, દેશ વગેરે પ્રમાણે તેનો ચાર્જ થાય છે. સામાન્યતઃ તે 15 હજારની આસપાસ થાય છે. વિઝાની મુદત વધારે હોય તો ચાર્જ વધુ હોય છે.
કેવી રીતે મળે છે પરમીનન્ટ રેઝીડન્ટ-PR સ્ટેટસ ?
અહીંથી જો વ્યકતિ વિધાર્થી તરીકે જાય તો તે ભણવા ઉપરાંત તે દેશના કાયદા પ્રમાણે પાર્ટટાઇમ નોકરી કરી શકે છે. અભ્યાસ પૂર્ણ થાય તે પહેલાં વર્કિંગ વિઝા માટે એપ્લાય કરાય છે. જેમાં તે દેશ દ્વારા નક્કી કરાયેલ ધોરણો પ્રમાણે તે PR માટે એપ્લાય (Application for PR) કરી શકે છે. આ ઉપરાંત કેનેડા જેવા દેશોમાં સીધા જ વર્કિંગ વિઝા અને PR મળતા હોય છે. ખાસ કરીને વિદશમાં ડોકટર, IT જેવા ફિલ્ડના લોકોની માંગ વધુ હોય છે. તેમને સીધા PR મળે છે. કોરોનાને કારણે, દેશની આંતરિક વ્યવસ્થા અને માનવ સંસાધનની માંગને જોતા દરેક દેશના કાયદા અને નિયમો અલગ હોય છે. નિયમો પ્રમાણે જ તે દેશની નાગરિકતા પણ મળે છે.
આ પણ વાંચો:Harsh Sanghvi on Illigal Foreign Tour: ગેરકાયદેસર વિદેશ લઈ જતા એજન્ટો સામે થશે કાર્યવાહી, ગૃહ રાજ્યપ્રધાને આપ્યો આદેશ
કબૂતરબાજી છે બદનામ
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યો જેઓ ગેરકાયદેસર કેનેડાથી અમેરિકામાં બર્ફીલા રસ્તે પ્રવેશ કરવા જતાં મૃત્યુને ભેટ્યા, ત્યારે કબૂતરબાજીનો આ મુદ્દો વધુ પ્રકાશમાં આવ્યો છે, પરંતુ ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં ઠેર-ઠેર આવી એજન્ટની હાટડીઓ ચાલતી હોય છે. વ્યક્તિ પાસે યોગ્ય શૈક્ષણિક કે વિઝા માટે અન્ય જરૂરી લાયકાત ન હોય ત્યારે આવા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વિદેશ જતા હોય છે. તેમને વ્યાજે પૈસા આપતા સમાજના લોકો પણ મળી રહે છે. ડીંગુંચાના વતનીઓએ એજન્ટોને 1.5 કરોડ જેટલી રકમ ગેરકાયદેસર અમેરિકા (Illegal America tour) જવા આપી હતી. અત્યારે આવા તમામ ગેરકાયદેસર એજન્ટ અન્ડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે.
શા માટે વિદેશ જવાની ઘેલછા ?
સામાન્ય રીતે કાયદેસર રીતે વિદેશ જવા જેટલો ખર્ચ કરવો પડતો હોય છે. તેના કરતાં ચાર ગણો વધુ ખર્ચ ગેરકાયદેસર રીતે કરવો પડે છે. એક વ્યકતિ પાછળ 50-60 લાખનો ખર્ચ થાય છે. આમ છત્તા લોકો ગેરકાયદેસર વિદેશ જવાની ઘેલછા રાખે છે. તેના મુખ્ય કારણોમાં એક તો વિદેશની ધરખમ આવક છે. ત્યાં હજારોની ડોલરની કમાણી અહીં લાખોમાં કન્વર્ટ થાય છે. ત્યાં જવા કરેલો ખર્ચ બે વર્ષમાં વસૂલ થઈ જાય છે. ત્યારબાદની કમાણી ભારતમાં તમને કરોડપતિ બનાવી મૂકે છે. ત્યાંની લાઈફ સ્ટાઈલ, સોશિયલ સિક્યુરિટી, ભણતર, કમાવવાની તકો ભારત કરતા ક્યાંય આગળ છે. અરે ગુજરાતમાં તો એક કોમ કે જ્યાં પહેલાથી લગ્ન માટે છોકરીઓની અછત છે. તેઓ NRI મુરતિયાને જ પસંદ કરે છે. NRI હોવું એક સોશિયલ સ્ટેટસ બની ગયું છે.
કેવી હાડમારીઓ અને જુગાડ ?
ભારતમાં સારી રીતે જીવન જીવી શકે તેટલા પૈસા હોવા છતાં વિદેશ જવાની ઘેલછા વ્યક્તિને હાડમારીઓ અને જીવન-મરણના પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. લેભાગુ એજન્ટો વિદેશના હ્યુમન ટ્રાફિકિંગ એજન્ટનો સંપર્ક સાધીને કેનેડા અને મેક્સિકો જેવી ચેનલથી ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલતા હોય છે. આ માટે જંગલો, પર્વતો, હોડીઓ અને ગટર લાઇન જેવા જીવલેણ રસ્તાઓ ઉપર લોકો જતા હોય છે. એક એજન્ટ નામ ન આપવાની શરતે જણાવે છે છે કે, અહીંના એજન્ટ તો ખરેખર દલાલો જ છે. પહેલા મુંબઈની ચેનલથી લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલાતા હવે પંજાબની ચેનલથી મોકલાય છે.
આ પણ વાંચો:ભારત કે ગુજરાતમાંથી ગેરકાયદેસર વિદેશ જતા લોકો, NRI મહિલા સાથે ખાસ વાતચીત
વિદેશમાં ગેરકાયદેસર કેવી રીતે રહે છે લોકો ?
ગેરકાયદેસર રીતમાં એજન્ટ તમને ટુરિસ્ટ વિઝા પર જે-તે દેશમાં મોકલે છે. ત્યારબાદ તે વિઝાની મુદત પૂરી થઈ હોવા છતા તે વ્યકતિ પરત દેશમાં ફરતો નથી. તે ત્યાંજ રહી જાય છે, બસ પોલીસ તેની પર આંગળી ન ચીંધે તેટલું જ જરૂરી છે. બીજુ છે એક દેશમાંથી બીજા દેશમાં જવું. જેમ ડીંગુંચાના લોકો કેનેડાથી અમેરિકામાં પ્રવેશવા બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા. તેમ કોઈ પણ રીતે વિકસિત દેશમાં પ્રવેશ મેળવી લેવાય છે. ત્યાં ફક્ત તમારે સુરક્ષાકર્મીઓથી બચવાનું હોય છે. એમ પણ એરપોર્ટ સિવાય કોઈપણ દેશની પોલીસ તમે ક્યાંના છો ? એમ પૂછીને પાસપોર્ટ માંગતી નથી. ત્યાં કોઈ પણ નાની એવી નોકરી કરી શકો છો. ભારતના વાસહતીઓમાં રહી શકો છો. ભારતમાં જેમ બાંગ્લાદેશી ઘુષણખોરો લાંચ અને લાગવગથી ડોક્યુમેન્ટ બનાવી લે છે, તેમ ત્યાં પણ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ડોક્યુમેન્ટ બનાવી લેવાય છે. ફક્ત તમે પકડાવવા જોઈએ નહીં, નહી તો તમને ડીપોર્ટ કરી દેવાય છે. ત્યારબાદ તમે ક્યારેય વિદેશ જઇ શકતા નથી.
કેટલાય લોકોના થાય છે મૃત્યુ ?
એજન્ટ જણાવે છે કે, આ તો એક કેસ બહાર આવ્યો છે. બોર્ડર ક્રોસ કરવાના લાખો રૂપિયા થાય છે. ખુબજ વિષમ પરિસ્થિતિઓમાં બોર્ડર ક્રોસ કરવા જતાં કેટલાય લોકો મૃત્યુ પામે છે. દલાલો ભાગી નીકળે છે. આવા વ્યક્તિઓના શબ પણ મળતા નથી. ગેરકાયદેસર વિદેશ ગયેલ વ્યક્તિના પરિવારજનો તેનો ફોન ન આવે ત્યાં સુધી કશું જ જણાવી શકતા નથી. જે દેશમાં ગયા હોય તે દેશની સરકાર પણ તેમને જાણતી નથી. એટલે કે, તેઓ ગુમનામ મૃત્યુ પામે છે.