ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ ખીલ્યું, હાલ વિધાનસભાની ચૂંટણી યોજાય તો શું આવે પરિણામ? - assembly election

છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમળ ખીલ્યા છે. કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. તો સામે આમ આદમી પાર્ટીએ ગ્રામ્ય વિસ્તારોમાં ખાતુ ખોલ્યું છે અને ઓવૌસીની પાર્ટી AIMIMએ પણ ધમાકેદાર એન્ટ્રી કરી છે. 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સેમિફાઈનલમાં ભાજપે ભવ્ય જીત હાંસલ કરી છે, આજની તારીખે જો ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તો વિધાનસભામાં કુલ 182માંથી ભાજપનો 127 બેઠક જીતવનો રેકોર્ડ છે, કદાચ તે રેકોર્ડ તૂટે તેવો માહોલ ગુજરાતમાં સર્જાયો છે.

વિધાનસભાની ચૂંટણી
વિધાનસભાની ચૂંટણી

By

Published : Mar 2, 2021, 7:10 PM IST

  • ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની ભવ્ય જીત
  • આપ અને AIMIMની ધમાકેદાર એન્ટ્રી
  • વિધાનસભા જીતવા માટે હવે તમામ પક્ષો કમર કસશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપના માઈક્રોમેનેજમેન્ટને આજે સફળતા મળી છે. મતદારોને ભાજપ તરફી મત આપવામાં ભાજપ સફળ રહ્યો છે. તે પેજ કમિટી હોય કે હિન્દુવાદી મુદ્દા હોય. તેની સામે કોંગ્રેસ સાવ વામણી પૂરવાર થઈ છે.

ભાજપની જીતની સ્ટ્રેટેજી

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પેજ કમિટી બનાવી હતી, જે પેજ કમિટીનો મુદ્દે પાટીલ ચૂંટણી અગાઉ જ કહેતા હતા કે, કોંગ્રેસ માટે આ પેજ કમિટી અણુબોમ્બ બનશે અને ખરેખર જોવા જઈએ તો તે મુદ્દો અણુબોમ્બ બન્યો છે. 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાન્ય રીતે સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓના મુદ્દા ચર્ચામાં અને પ્રચારમાં રહેતા હોય છે, પણ આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા કરતાં મોદીના વિકાસની વાતો વધારે રહી, બીજુ અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે અને કશ્મીરમાંથી કલમ 370 હટી તે મુદ્દા ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા. એટલે કે હિન્દુવાદી રાજનીતિ અને સાથે રાષ્ટ્રવાદની રાજનીતિ વધુ કામ કરી ગઈ છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ભાજપના નિશાન પર બટન દબાવ્યું છે.

પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસનો ભાવવધારો ડિસ્કાઉન્ટ

કેન્દ્ર સરકારના મોદી શાસનમાં અનેક નેગેટિવ કારણો હોવા છતાં ગુજરાતની જનતાએ ભાજપને જ પસંદ કર્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને- રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. રાંધણ ગેસનો ભાવ સતત વધી રહ્યો છે. ખાતરના ભાવ વધ્યા છે. કૃષિ કાયદાનો વિરોધ તેમ છતાં મતદારોએ ભાવ વધારાના મુદ્દાને અવગણ્યો છે અને ભાજપની નીતિરીતેને આવકારી છે.

કોંગ્રેસનો કરુણ રકાસ

2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ત્યારે કોંગ્રેસ સારી સ્થિતિમાં હતી, પણ 2021ની આ ચૂંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. જ્યાં કોંગ્રેસનું શાસન હતું તે પંચાયતોને પણ ભાજપે આંચકી લીધી છે. કોંગ્રેસ નબળા વિરોધ પક્ષ તરીકે સાબિત થયો છે, બીજી તરફ મોવડી મંડળ પણ ગુજરાતમાં વિપક્ષના નેતા પસંદ કરવામાં ઉણા ઉતર્યા છે. લોકસભાની ચૂંટણી, રાજ્યસભાની ચૂંટણી અને તે પછી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસને સતત કારમી હાર મળી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં આપેલા છે, તેમ છતાં તેમના સ્થાને તેમને યથાવત રહ્યાં છે. કોંગ્રેસની નેતાગીરી બદલવા માંગતી નથી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સતત અવગણના થઈ રહી છે. બાકી કોંગ્રેસ પાસે ખૂબ જાણીતો કહી શકાય તેવો પાટીદાર ચહેરો છે, જો હાર્દિક પટેલને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ કર્યો હોત તો પરિણામ કંઈક અલગ હોત. પણ કોંગ્રેસમાં અંદરોઅંદરની ખેંચાખેચ હૂસાંતૂસી અને પાર્ટીમાં શિસ્તતાનો અભાવ, ઉમેદવારોની પસંદગીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવાઈ છે. કોંગ્રેસ પ્રજા સુધી પહોંચી શકી નથી. ટિકિટ મુદ્દે છેકછેલ્લી ઘડી સુધી નારાજગી હતી, કોંગ્રેસની ટોચની નેતાગીરી પ્રચાર કરી શકી નથી. પાર્ટીની અંદરની માથાકૂટ જ ઉકેલવામાં દિવસો પસાર થયા, આ બધા કારણોસર જ કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે.

આમ આદમી પાર્ટીનો ઉદય

આમ આદમી પાર્ટીનો ઉદય થયો હોય તો તે કોંગ્રેસની નબળી સ્થિતિને કારણે થયો છે. આપને ગુજરાતમાં પ્રચાર માટે કે પ્રજા સુધી પહોંચવા માટે સમય ખૂબ ઓછો રહ્યો છે. પણ તેમણે દિલ્હી મોડલ રજૂ કરીને લોકોના દિલ જીતવાનો પ્રયત્ન 100 ટકા કર્યો છે. દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્યની ઉત્તમ સુવિધા અને સાથે વીજળી બિલમાં રાહત આપ્યાના મુદ્દા રજૂ કરીને ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. ભાજપના શાસનના 25 વર્ષ અને આપને તક આપી જુઓ અમે પાંચ વર્ષમાં ગુજરાતને કયાથી કયા લઈ જઈએ છીએ, આ વાત દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી હતી. ભાજપના ભષ્ટ્રાચારને ખુલ્લો પાડીશું અને સ્વચ્છતાથી વહીવટ કરીશું. આ મુદ્દાને કારણે ગુજરાતમાં વસતા કેટલાક લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, તે નક્કી છે. સુરત મહાનગરપાલિકામાં 27 બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટી ભારે ઉત્સાહમાં આવી ગઈ છે. આપ આવી રીતે ગુજરાતમાં મહેનત કરશે અને ભાજપના ભષ્ટ્રાચારને ખુલ્લો પાડશે, તો 2022માં ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન લે તો નવાઈ નહી.

AIMIMની ધમાકેદાર એન્ટ્રી

ઓવૈસી બે વખત ગુજરાત આવીને ગયા અને મુસ્લિમ બહુમતી ધરાવતાં વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. તેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 7 બેઠક પર તેમના ઉમેદવારોની જીત થઈ છે. મોડાસા નગરપાલિકામાં 9 બેઠકો AIMIM પાર્ટીએ કબ્જે કરી છે. ભરૂચમાં ઓવૈસીની પાર્ટીને 1 બેઠક મળી છે. ઓવૈસીની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી કહી શકાય છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પોતાના ઉમેદવાર ઉભા રાખશે, તેમાં કોઈ બેમત નથી.

વિધાનસભામાં 127 બેઠક જીતવાનો રેકોર્ડ તોડશે ભાજપ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતે વિકાસને સ્વીકાર્યો છે. ભાવ વધારો અને ફુગાવો તો આવેને જાય પણ ભાજપને જ મત આપીશું, તેવા ગુજરાતીઓના મન છે. ગુજરાતીઓ ફરીથી ભાજપ પર વિશ્વાસ મુકીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી છે. 2015ની સરખામણીએ ભાજપ વધુ મજબૂત થયું છે. 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણી જો હાલ જ થાય તો શું પરિણામ આવે તેની કલ્પના કરો. અગાઉ 1995માં કેશુભાઈ પટેલ વખતે ભાજપ વિધાનસભામાં કુલ 182 બેઠકોમાંથી 127 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તે પછી ભાજપ કયારેય 127 બેઠકો મેળવી શક્યો નથી. પણ અત્યારની સ્થિતિએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાય તો 127નો રેકોર્ડ તૂટી શકે.

ભરત પંચાલ બ્યૂરો ચીફ, ETV BHARAT ગુજરાત

ABOUT THE AUTHOR

...view details