- 2012માં થઈ હતીઆમ આદમી પાર્ટીની સ્થાપના
- ‘AAP’ અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં દિલ્હીમાં સત્તામાં છે
- સરકારી શાળાઓથી માંડીને સ્વાસ્થ્ય અંગે સરસ કામ થયા છે
અમદાવાદ : આમ આદમી પાર્ટીની સ્થાપના દિલ્હીમાં 26 નવેમ્બર, 2012ના રોજ થઈ હતી. AAPની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હજારે વચ્ચેના મતભેદની કારણે થઈ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઈ અને લોકપાલ બિલની માગને રાજનૈતિક રૂપ આપવું કે નહી તે બાબતે બન્નેના મત જુદા પડ્યા. ત્યારે કેજરીવાલે રાજકારણમાં પ્રવેશ કરીને આમ આદમી પાર્ટીની રચના કરી હતી. 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી, અને તે સૌથી મોટો બીજા નંબરનો પક્ષ બન્યો. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી, આપ પક્ષે ત્યારબાદ કોંગ્રેસ સાથે સંગઠન કર્યું અને 49 દિવસોમાં જન લોકપાલ બિલનો કોઈ પક્ષનું સમર્થન ન કરતા પક્ષે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 70માંથી 67 બેઠકો મળી, પક્ષના હરીફ ભાજપને 3 અને કોંગ્રેસને શૂન્ય બેઠક મળી. આમ આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી. ત્યારબાદ 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમીને 70માંથી 62 બેઠકો મળી, ભાજપે 8 બેઠકો પર જીત નોંધાવી અને કોંગ્રસને એકપણ બેઠક મળી ન હતી. આમ AAP પક્ષ સતત બે ટર્મથી દિલ્હી પર સત્તા ભોગવી રહ્યો છે.
પંજાબ સિવાય અન્ય રાજ્યોમાં સફળતા મળી નથી
આમ આદમી પાર્ટીએ દિલ્હીની બહાર ચૂંટણી લડવાનો અનેક વખત પ્રયત્ન કર્યો છે, પણ તેમાં સફળતા મળી નથી, હા માત્ર પંજાબમાં થોડી સફળતા મળી હતી. આ અગાઉ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પણ ગુજરાતીઓ બે જ વિકલ્પ ભાજપ અને કોંગ્રેસને જ પસંદ કર્યા હતા.
અન્ય રાજ્યોમાં હારના કારણો
આમ આદમી પાર્ટીને અન્ય રાજ્યોમાં અત્યાર સુધી મળેલી હાર પાછળ કેટલાય કારણો છે. જેમ કે ‘AAP’ ની પાસે અરવિંદ કેજરીવાલ સિવાય બીજો કોઈ જાણીતો ચહેરો નથી. અને તેમના કરિશ્મા પર પાર્ટીનો આધાર છે. દિલ્હી મોડલનો અસરકારક રીતે અમલ થશે, તેવો વિશ્વાસ જનતાને નથી. આમ આદમી પાર્ટી(AAP)ના નવા સભ્યો પ્રજાની વચ્ચેથી આવે તો જ તેને મત મળે તેમ છે. આમ આદમી પાર્ટી નવી છે, જેથી તેમને નવા જ સભ્યો મળે છે, અને અન્ય રાજ્યોની જનતા નવા સભ્યોને સ્વીકારતા પહેલા ખચકાટ અનુભવે છે. આ કારણોસર બીજા રાજ્યોમાં આમ આદમી પાર્ટીને સફળતા મળતી નથી.