- 151 હોસ્પિટલોએ ફાયર એનઓસી નહીં લેતા હાઇકોર્ટ નારાજ
- 19 ફ્રેબ્રુઆરી સુધી ફાયર noc નહીં લે તો નવા દર્દીને એડમિટ નહીં કરી શકે : હાઇકોર્ટ
- આ મામલે કોર્પોરેશને 26 ફ્રેબ્રુઆરી સુધી રિપોર્ટ આપવો પડશે
અમદાવાદ :શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં કોર્પોરેશને પબ્લિક નોટિસ આપ્યા બાદ પણ 151 હોસ્પિટલોએ ફાયર એનઓસી નહીં લીધી હોવાની રજૂઆત થઈ હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા હોસ્પિટલોને ફાયર NOC લઈ લેવા માટે સૂચના આપી છે અને જે હોસ્પિટલો એનઓસી નહીં લે તે હોસ્પિટલ 19 ફ્રેબ્રિઆરી પછી નવા દર્દીને દાખલ નહીં કરી શકે. ત્યારે આ કેસની વધુ સુનાવણી 24 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.
કોર્પોરેશને 21 ડિસેમ્બરે પબ્લિક નોટિસ આપી
આ મામલે 15 ડિસેમ્બરે અમદાવાદમાં કુલ 289 હોસ્પિટલો પાસે ફાયર NOC ન હતી. ત્યારબાદ કોર્પોરેશને 21 ડિસેમ્બરે પબ્લિક નોટિસ આપી હતી. જેમાં તમામ હોસ્પિટલોને 15 દિવસમાં ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ 289 પૈકી 151 હોસ્પિટલે તારીખ પૂર્ણ થયા પછી પણ એનઓસી લીધી નથી. આખરે હાઇકોર્ટે ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક વલણ અપનાવી હોસ્પિટલોને નવી મુદત આપી છે.
હોસ્પિટલ નવા દર્દીને દાખલ નહીં કરી શકે તેવો હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો
આ મામલે 151માંથી બે હોસ્પિટલે તાત્કાલિક NOC લીધી અને બાકી 149ને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે 19 ફ્રેબ્રુઆરી બાદ જે હોસ્પિટલોએ ફાયર એનઓસી નહીં લીધી હોય તે હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તે હોસ્પિટલ નવા દર્દીને દાખલ નહીં કરી શકે તેવો હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.