- ગુજરાત હાઈકોર્ટે ફગાવી જાહેર અરજી
- 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- દૈનિક અંદાજે 50થી 90 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
અમદાવાદ: ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓ માટે 13 જૂલાઈના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કારણે રદ કરવામાં આવે તે માટે ગુજરાત હાઈકોર્ટમાંપીટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન 13 જૂલાઈએ ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી હતી.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન માટે દેખાવો કરતા પોલીસે વિદ્યાર્થીઓની કરી અટકાયત
કોરોના ગાઈડલાઈનના પાલન સાથે લેવાશે પરિક્ષા
હાઈકોર્ટે કહ્યું કે, આપણે એજ્યુકેશનનું સ્તર ઊંચું લાવવાનું છે, નહીં કે નીચે લઈ જવાનું છે. આ સામે અરજદારની રજૂઆત કરી હતી કે, કોલેજમાં એડમિશન ચાલુ થઈ ગયા છે, એવામાં જો રીપીટરની પરીક્ષા લેવાશે તો એડમીશન ક્યારે આપવામાં આવશે ? આ ઉપરાંત, જો કોરોના સંક્રમણ ફેલાય તો કોણ જવાબદાર થશે ? બીજી તરફ બાળકોને વેક્સિન પણ મળી નથી. જોકે, આ સામે સરકારે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, અમે કોરોનાની ગાઇડલાઇનનું પાલન સાથે પરીક્ષા લેવામાં આવે તેની વ્યવસ્થા કરી છે.
અરજદાર વકીલ વિશાલ દવેએ આપી માહિતી શું કહે છે એડવોકેટ વિશાલ દવે?
વિદ્યાર્થીઓનો ભાગ રજૂ કરતા અરજદારના વકીલ વિશાલ દવેએ ETV Bharat સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓ માટે જે જાહેરહિતની અરજી કરી તે બદલ સરકારનું વલણ એ પ્રકારનું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે મુજબની અમારી તૈયારી છે. આ સામે અમે એવી પણ રજૂઆત કરી હતી કે, જો તમે રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોય તો પછી રીપીટર વિદ્યાર્થીઓ સાથે કેમ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે? કોરોનાની સ્થિતિ કે જ્યાં કોઈ વિદ્યાર્થીઓના માતા-પિતાના મૃત્યુ થયા હોય તેવા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સારી ન રહી હોય માટે પરીક્ષા રદ્દ થવી જોઈએ. કોર્ટે સરકારે જે વ્યવસ્થા કરી છે, તેને માન્ય રાખી પીટિશન રદ કરી હતી.
આ પણ વાંચો: ધોરણ 10 અને 12ના રીપિટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ કરી, એવું નહીં થાય તો આંદોલનની ચિમકી આપી
કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
એડવોકેટ વિશાલ દવેએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 15થી 28 જુલાઈ સુધી યોજાનારી પરીક્ષામાં અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેસશે. આ ઉપરાંત રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, દૈનિક અંદાજે 50થી 90 હજાર વિદ્યાર્થીઓ એક અથવા બીજા પેપરની પરીક્ષા આપશે. આવી પરિસ્થિતિમાં જો વિદ્યાર્થીઓ ભેગા થાય તો તમે સમજી શકો છો કે, કોરોના સંક્રમણ ફેલાવવાની કેટલી મોટી સંભાવના રહેલી છે.