- ગત માર્ચમાં મહેળાવ પોલીસે બોલેરો ગાડીમાંથી બાંધેલી 3 ભેંસો કબજે કરી હતી
- ભેંસોની સંભાળ રાખવા બદલ પેટલાદ રણછોડજી મંદિર ટ્રસ્ટને 20 હજાર ચૂકવવા આદેશ
- પોલીસે ઝડપેલી ભેંસોને મુક્ત કરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ
- માર્ચ માસમાં બોલેરો કારમાં લઈ જવાતી ચાર ભેંસોને પકડી હતી
- મહેળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો કારને અટકાવી હતી
- બોલેરો કારમાં મોઢું અને પગ બાંધેલી ચાર ભેંસ મળી આવી હતી
અમદાવાદઃ જમીન, મકાન, છેતરપિંડી, હત્યા સહિતની બાબતોના કેસ હાઈકોર્ટમાં જતા હોય છે, પરંતુ પોલીસે ઝડપેલી ભેંસોને મુક્ત કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવ્યાનું કદાચ પ્રથમવાર સાંભળવા મળ્યું છે. જેમાં અરજદારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે, આ ભેંસોના દૂધ વેચાણ દ્વારા જ તેનું ગુજરાન ચાલે છે. હાઈકોર્ટે ત્રણ ભેંસોને મુક્તિ આપતા ભેંસોના માલિકને સિક્યુરિટી બોન્ડ તરીકે રૂપિયા 60 હજાર ભરવા ઉપરાંત ભેંસોની સંભાળ રાખનારા પેટલાદના રણછોડજી મંદિરને પણ રૂપિયા 20,000 આપવા આદેશ કર્યો હતો.
ભેંસોને મુક્ત કરવાનો મામલો પહેલી વાર હાઈકોર્ટ પહોંચ્યો, સિકયોરિટી બોન્ડ પર 3 ભેંસને મુક્ત કરવા આદેશ હાઈકોર્ટે ટ્રસ્ટ પાસે રહેલી 3 ભેંસને મુક્ત કરવા આદેશ કર્યો
આ અંગેની મળતી માહિતી અનુસાર, પેટલાદ તાલુકાના મહેળાવ પોલીસ દ્વારા ગયા માર્ચમાં બોલેરો કારમાં લઈ જવાતી 4 ભેંસને પકડી હતી. આ ભેંસોને પેટલાદના રણછોડજી મંદિર ટ્રસ્ટમાં મૂકવામાં આવી હતી. જ્યાં એક ભેંસનું મોત થયાનું અરજદારે જણાવ્યું હતું. ભેંસોને મુક્ત કરવાની અરજી પરત્વે હાઈકોર્ટે ટ્રસ્ટ પાસે રહેલી 3 ભેંસને મુક્ત કરવા આદેશ કર્યો હતો. ઉપરાંત કોર્ટે અવલોકન કર્યુ હતું કે, અરજદાર પ્રાણીઓનો માલિક છે અને તે ભેંસના દૂધના વેચાણથી પોતાનું ગુજરાન ચલાવે છે.
બોલેરો કારમાં મોઢું અને પગ બાંધેલી 4 ભેંસ મળી હતી
ગુજરાત હાઈકોર્ટની સિંગલ જજની ખંડપીઠે ભેંસોના માલિકને સિક્યુરિટી બોન્ડ તરીકે ટ્રાયલ કોર્ટ સમક્ષ રૂપિયા 60,000 જમા કરાવવા અને ભેંસોની સંભાળ રાખવા બદલ રણછોડજી ટ્રસ્ટને 20,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, તપાસ અધિકારીને ભેંસોનો ફોટોગ્રાફ અને વીડિયો મેળવવો જરુરી લાગશે તો તે કરી શકે છે અને તેનો ખર્ચ અરજદાર દ્વારા ઊઠાવવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે, અરજદાર પ્રાણીઓ પ્રત્યે ક્રૂર નહીં બને અને એની યોગ્ય રીતે સંચાલન અને જાળવણી કરશે. ઉલ્લેખનીય છે કે, ગત 4 માર્ચ મહેળાવ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો કારને અટકાવી હતી, જેમાં મોઢું અને પગ બાંધેલી ચાર ભેંસ મળી આવી હતી. જો કે, બોલેરોનો ચાલક પ્રાણીઓને ક્યાં લઈ જતો હતો. તે અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. આથી તે ભેંસોને કતલખાને લઈ જઈ રહ્યાની પણ શંકા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને 4 ભેંસ કબજે કરીને રણછોડજી ટ્રસ્ટમાં મોકલી આપી હતી.