- કોંગ્રેસ હાઇકમાન્ડમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખને લઈને સંકટ
- ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો સિનિયર નેતા થઈ શકે છે નારાજ
- ભરતસિંહ સોલંકીનું જૂથ થઈ શકે છે નારાજ
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)માં મોટા ફેરફારના એંધાણ સ્પષ્ટ પણે જોવાઇ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by-elections)માં કોંગ્રેસનો દેખાવ એકદમ નબળો જોવા મળી રહ્યો છે. તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે. તો બીજી તરફ હાઇકમાન્ડને લાગી રહ્યું છે કે ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે. હવે સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનોને પક્ષની કમાન સોંપવામાં આવી શકે છે. હાર્દિક પટેલ (Hardik Patel) અને જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)નું નામ મોખરે આવતા સિનિયર નેતા ભરતસિંહ સોલંકીનું જૂથ ફરી એકવખત નારાજ થાય તેવું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. આગામી એક વર્ષમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ અને વિપક્ષ નેતા કોને બનાવવા તેને લઈને સતત મનોમંથન કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના આંતરિક વિખવાદનો પુરો લાભ લઇ રહી છે BJP
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને કોરોનાની બીજી લહેર બાદ ભાજપની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપ સમય બગાડ્યા વગર તરત નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી પડી છે અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સત્તાના સુખ ભોગવ્યા બાદ આ વખતે સ્વર્ણિમ સંકુલ ખાલી ન કરવું પડે તે માટે કોંગ્રેસના આંતરિક વિખવાદનો પુરો લાભ લેવા માંગી રહી છે.
ભરતસિંહ સોલંકી પ્રમુખ બને તો ભાજપ ભયમાં જોવા મળશે - રાજકીય તજજ્ઞ
રાજકીય તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત ભાજપ ગમે તે જોરે ભરતસિંહ સોલંકીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવાથી રોકવા માંગી રહી છે, જેની પાછળ તેમનું ગણિત એમ પણ જોવા મળી રહ્યું છે કે જ્યારે 2017માં ભરતસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી 100 સીટોને પણ પાર કરી શકી નહોતી. ઉપરથી કોળી ઠાકોર, ક્ષત્રિય સમાજ, ઉત્તર ગુજરાત, આણંદ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણાખરા વિસ્તારોમાં ભરતસિંહ સોલંકીની પકડ મજબુત જોવા મળી. આ ઉપરાંત જે રીતે ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી પાછા આવ્યા તેના કારણે શહેરી વિસ્તારોમાં પણ તેમની લોકપ્રિયતા વધી છે. ગુજરાત ભાજપે આજની પરિસ્થિતિમાં કાચુ કપાઈ જાય એ માટે કોંગ્રેસની અંદર જ ભરતસિંહ સોલંકી સામેના જૂથને તમામ પ્રકારની મદદ કરી રહી હોય તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરશે?
ભાજપના મોટાભાગના નેતાઓએ ભરતસિંહ સોલંકી સામે બીજા તમામ નેતાઓને એકઠા કરી દીધા છે અને કોંગ્રેસ હાઈકમાન્ડમાં પણ એવા સંદેશ પહોંચતા કર્યા છે કે તેઓ ભરતસિંહ સોલંકીના બદલે સામેના જૂથ એટલે કે ભાજપ ઇચ્છુક જૂથમાંથી કોઈને પ્રદેશ પ્રમુખ બનાવે તો ભાજપની mission 2022 સહેલાઇથી પાર પાડી શકે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને પસંદ કરે છે.
2 નામોની ચર્ચા વચ્ચે અન્ય નેતા દિલ્હી પહોંચતા રાજકારણમાં ગરમાવો
ગુજરાતમાં ઓબીસી મતદારોને ખુશ કરવા માટે કોંગ્રેસ એક તરફ વ્યૂહરચના રચી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે આ વખતે પ્રદેશ પ્રમુખનો ચહેરો ઓબીસી હોય તેવી પ્રબળ શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સૂત્રો તરફથી અને રાજકીય તજજ્ઞોનું માનીએ તો હાલમાં 2 નામો સૌથી આગળ ચાલી રહ્યા છે, જેમાં અર્જુન મોઢવાડિયાનું નામ અને ભરતસિંહ સોલંકીનું નામ સૌથી આગળ જોવા મળી રહ્યું છે, પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત કોંગ્રેસ સંગઠનના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, ત્યારે હાર્દિક પટેલનું દિલ્હી જવું અનેક સંકેત ઉભા કરી રહ્યું છે અને રાજકારણમાં પણ ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. સાથે જ જીગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી મળે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. જો કે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી દિલ્લીના દરબારમાં જતા ગુજરાત કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકીનું જૂથ નારાજ થઈ રહ્યું હોવાના એંધાણ વચ્ચે હાઇકમાન્ડે ભરતસિંહ સોલંકીને પણ દિલ્લીના દરબારમાં બોલાવ્યા છે.