અમદાવાદઃ 21 ઓગસ્ટ આવતી કાલથી હજુ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. હજી 4 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 85 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. પરંતુ હજી કેટલાક એવા તાલુકા છે કે જ્યાં વરસાદ બરાબર નથી વરસ્યો. બંગાળનાં ઉપસાગરના પવન સક્રિય થતાં ઉત્તર-મધ્ય ગુજરાત સહિત રાજ્યનાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે. હજી પણ બંગાળના ઉપસાગરની સિસ્ટમો સક્રિય થવાની ધારણા રહેતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છનાં ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટાં વરસી શકે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતનાં 10 એવાં તાલુકા છે જ્યાં અતિવૃષ્ટિ થતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયાં છે. ભારે વરસાદની આગાહીને પગલે તમામ વિસ્તારોને અલર્ટ રહેવા અને આગોતરી તૈયારીઓ કરી દેવા રાહત કમિશનરે તાકીદ કરી છે. આ ઉપરાંત અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. આ ટીમોને જરૂર જણાશે તો ઉત્તર ગુજરાતમાં ૫ણ મોકલવામાં આવી શકે છે. ઓગસ્ટ તા. 24-25માં પણ વરસાદ વધારે સક્રિય થતાં ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ રાજ્યનાં અનેક ભાગોમાં ઉપરાંત સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશેઃ હવામાન વિભાગ
ગુજરાતમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી પણ ગુજરાત પરથી ભારે વરસાદનું સંકટ ટળ્યું નથી. કેમ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી સારો એવો વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સિંધમાં થતા હવાના દબાણને કારણે કચ્છના વિસ્તારો, રાજકોટ, મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરાંત નર્મદાના અને રાજપીપળાના વિસ્તારો સહિત દ. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ અને ત્યાર પછીના બે-ત્રણ દિવસની અંદર પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. તારીખ 28-29 ઓગસ્ટમાં ઝાપટાં પડી શકે જ્યારે 30 ઓગસ્ટના રોજ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રનાં ભાગો સહિત કચ્છનાં કેટલાક ભાગોમાં પણ સારો એવો વરસાદ વરસવાની શક્યતા છે.