- પાટણમાં બનાવવામાં આવેલી આયુર્વેદિક કોલેજ મામલે હાઈકોર્ટમાં સુનાવણી
- 50 કરોડથી વધુના ખર્ચે 2013માં બનેલી આયુર્વેદિક કોલેજ જર્જરિત થઈ ગઈ
- કોઈપણ ઓથોરિટીને હેન્ડ ઓવર ન કરાતા બહુમાળી ઇમારત જર્જરિત
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં આજે પાટણમાં 2013માં બનીને તૈયાર થયેલી પરંતુ કોઈ પણ ઓથોરિટીને હેન્ડ ઓવર ન કરતા જર્જરિત સ્થિતિએ પહોંચેલી આયુર્વેદિક કોલેજ (Patan Ayurvedic College) ઉપર કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે સુનાવણી થઈ હતી. મહત્વનું છે કે 50 કરોડથી પણ વધુના ખર્ચે બનીને તૈયાર થયેલી આયુર્વેદિક કોલેજ શરૂ ન થતા આજે તે જર્જરિત સ્થિતિમાં છે. જે મુદ્દે કોર્ટે સરકારને યોગ્ય જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો.
આયુર્વેદિક કોલેજના બારી-બારણાં પણ ચોરાઈ ગયા છે
આ મુદ્દે વધુ જાણકારી આપતા એડવોકેટ મમતા વ્યાસે ETV ભારતને જણાવ્યું હતું કે, 50 કરોડથી વધુ ખર્ચે બનેલી આયુર્વેદિક કોલેજ વર્ષોથી કોઈપણ ઓથોરિટીને હેન્ડઓવર કરાઈ નથી. પરિણામે સમયાંતરે એ આયુર્વેદિક કોલેજની હાલત જર્જરિત થઇ ચૂકી છે. સાથે તેના બારી બારણા પણ ચોરાઈ ગયા છે. આવામાં સરકાર હવે નવો ખર્ચ કરશે ત્યારે બિલ્ડિંગ કાર્યરત કરી શકાશે તેવો જવાબ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. આ મામલે આગામી સમયમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.