ગુજરાત

gujarat

ETV Bharat / city

...તો નહીં આવે કોરોનાની ત્રીજી લહેર! આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન - GCIR કેન્સર હોસ્પિટલ

કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) આવશે કે કેમ તેને લઇને રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) GCIR કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનરીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો દિવાળી સુધી રાજ્યની જનતા કોરોનાની ગાઈડલાઈન (Corona Guidelines)નું ચુસ્તપણે પાલન કરશે તો રાજ્યમાં ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ જ નહિવત થઈ શકે છે.

...તો નહીં આવે કોરોનાની ત્રીજી લહેર!
...તો નહીં આવે કોરોનાની ત્રીજી લહેર!

By

Published : Oct 16, 2021, 8:40 PM IST

  • GCIR કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનરીના લોકાર્પણ કાર્યક્રમમાં બોલ્યા આરોગ્ય પ્રધાન
  • કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ નહિવત
  • દિવાળી સુધીમાં કોરોના પર અંકુશ રહ્યો તો આવનારા દિવસોમાં કોરોના પર કાબુ કરી લઈશું

અમદાવાદ: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Asia's Largest Civil Hospital)ના મેડિસિટી કેમ્પસમાં આવેલી GCIR કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનરીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Rushikesh Patel) કહ્યું કે, દિવાળી સુધી રાજ્યની જનતા કોરોનાની ગાઈડલાઈન (Corona Guidelines)નું ચુસ્તપણે પાલન કરશે તો રાજ્યમાં ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ જ નહિવત થઈ શકે છે. ત્રીજી લહેરને લઇ WHO અને ICMR જેવી સંસ્થા પણ સર્વે કરી રહી છે.

કોરોનાની ત્રીજી લહેરને લઇ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મશીનરીનું લોકાર્પણ

રાજ્યમાં એક સમયે કોરોનાને લઈ ફફડાટ જોવા મળતો હતો. કોરોનાની બીજી લહેરે રાજ્યમાં ત્રાહિમામ મચાવ્યો હતો. દિવસ અને રાત્રી દરમિયાન રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સાયરન સંભળાતી હતી, પરંતુ હાલ રાજ્યમાં કોરોના પર મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલમાં મશીનરીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, દિવાળી સુધી લોકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરશે તો આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર રાજ્યમાં નહીં આવે તેવો વિશ્વાસ છે. પરંતુ ત્રીજી લહેર નહીં જ આવે તેવું કોઈએ માનીને ન બેસવું જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું.

અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યું

રેડીયોથેરાપી મશીનોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં ખુલ્લા મુકવામાં આવ્યા

આજરોજ આરોગ્યપ્રધાન ઋષિકેશભાઇ પટેલ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી GCIR કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ રેડીયોથેરાપી મશીનોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેમાં અંદાજીત 16.30 કરોડના ખર્ચે અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે, જે મોઢા તથા ગળાના, ગર્ભાશયના,સ્તન, પ્રોસ્ટેટના, ફેફસા અને બ્રેઇન કેન્સરના સચોટ નિદાન અને સારવારમાં અત્યંત અસરકારક સાબિત થશે.

દર્દીઓને કેવી સારવાર પ્રાપ્ત થશે

આ મશીનથી જે ભાગમાં બિમારી હોય તેટલા ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવે છે, જેના કારણે શરીરના અન્ય ભાગમાં રેડિએશનની આડઅસરની સંભાવના ઘટી જાય છે. અંદાજીત 22 કરોડના ખર્ચે ટોમોથેરાપી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જેના દ્વારા શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એક સાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાશે. સાઇબર નાઇફ મશીન જે અંદાજીત 27.56 લાખના ખર્ચે અમેરિકન સ્થિત કંપનીના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનવામાં આવે છે. રોબોટ દ્વારા આ મશીન થકી સારવાર શક્ય બને છે. મગજના કેન્સર તથા શરીરમાં ખૂબ જ નાની કેન્સરની ગાંઠ હોય તેવા કિસ્સામાં ફક્ત કેન્સરગ્રસ્ત ભાગને જ સારવાર આપીને અન્ય ટીસ્યુ(પેશીઓને) નહિવત નુકસાન પહોંચે તે પ્રકારની સચોટ સારવાર આ મશીન ઉપલબ્ધ કરાવે છે.

કેન્સરગ્રસ્ત સ્ત્રીઓને થશે સૌથી વધુ લાભ

બ્રેકીથેરાપી મશીન 3 કરોડ 25 લાખના ખર્ચે યુરોપ સ્થિત કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કેન્સર હોસ્પિટલમાં આ મશીનના કાર્યાન્વિત થવાથી ખાસ કરીને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓને વધુ લાભ થનાર છે. આ પ્રકારનું મશીન ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સર, અન્નનળી કેન્સરમાં જે ભાગમાં ગાંઠ હોય તે જગ્યામાં જરૂરી અને સુરક્ષિત માત્રામાં રેડિયોથેરાપી ડોઝ પહોંચાડે છે. 5 કરોડ અને 86 લાખના ખર્ચે સીટી સીમ્યુલેટર પણ કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવશે, જેના દ્વારા દરેક રેડિયોથેરાપીની સારવાર પહેલા જે ભાગમાં બિમારી હોય તે ભાગમાં કોમ્પ્યુટરાઇઝ સારવાર પ્લાનિંગ માટે દર્દીના CT સ્કેન સરળતાથી કરી શકાશે.

હવામાંથી મશીન દ્વારા જનરેટ થશે ઓક્સિજન

તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે, જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે.

આ તમામ મશીન અંદાજીત 75 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા છે, જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક સાબિત થશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપરોક્ત સારવારની ખૂબ જ મોટી રકમથી પ્રાપ્ત થાય છે. જે અત્યંત ખર્ચાળ હોય છે. GCRI હોસ્પિટલમાં આ સમગ્ર સારવાર PMJAY યોજનાથી વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તદ્ઉપરાંત આજે લોકાર્પણ થયેલા ઓક્સિજન જનરેટર (PSA) પ્લાન્ટની મદદથી હવામાંથી મશીન દ્વારા ઓક્સિજન જનરેટ કરવામાં આવશે, જેની ક્ષમતા 620 લીટર પ્રતિ મિનિટની છે, જે અંદાજીત રુપિયા 1.50 કરોડના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે.

GCRI હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક આપીને સન્માનિત કરવામાં આવી

ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર ક્ષેત્રે ઉદાહરણીય કામગીરી કરી રહી છે. આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સારવાર મેળવી રહ્યા છે. તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજનાને 3 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખભાઇ માંડવિયા દ્વારા આરોગ્ય મંથન કાર્યક્રમમાં PMJAY કાર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ GCRI હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરે દ્વીતીય ક્રમાંક આપીને સન્માનિત કરવામાં આવી હતી, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી બાબત બની રહી હતી, તેમ આરોગ્યપ્રધાને ઉમેર્યુ હતુ.

રાજ્યમાં 90% લોકોએ લઈ લીધી વેક્સિન

રેડિયોથેરાપી ઓન્કોલોજી સારવાર ક્ષેત્રે અંદાજીત 75 કરોડના ખર્ચે અધત્તન ટેકનોલોજીયુક્ત મશીન વિકસાવનારી GCRI કેન્સર હોસ્પિટલ સમગ્ર દેશમાં પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. આરોગ્ય પ્રઘાને વેક્સિન અંગે જણાવ્યું કે, ડિસેમ્બર સુધીમાં રાજ્યના 90 થી 95% નાગરિકોને કોરોના રસીકરણના બંને ડોઝ આપી સુરક્ષા કવચ પ્રાપ્ત કરાવવા સરકાર દ્વારા સુદ્ઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

અદ્યતન સારવાર માટે કરવામાં આવશે તમામ પ્રયાસો

રાજ્યના PHC, CHC, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સરકારી તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા, તેમના તમામ પ્રશ્નો, સમસ્યાઓ, રજૂઆતોના ત્વરિત નિરાકરણ માટે તમામ હોસ્પિટલોમાં ટૂંક સમયમાં 'કમાન્ડ એન્ડ કંટ્રોલ' સેન્ટર કાર્યરત કરવામાં આવશે તેવું આરોગ્યપ્રધાને જણાવ્યું હતું. મેડિકલ ક્ષેત્રનું PPP મોડલ સેવા અને સારવારનું ઉત્તમ મોડલ રાજ્યભરમાં સાબિત થયું છે તેવું જણાવતા આરોગ્ય પ્રધાને કહ્યું કે, GCRIમાં ઉપલબ્ધ થયેલા અત્યાધુનિક ઉપકરણો કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અસરકારક પરિણામ આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું?

આ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર આર.કે. દિક્ષીત, GCRIના ચેરમેન પંકજ પટેલ, GCRIના જનરલ સેક્રેટરી પ્રશાંત કિનારીવાલા, ડાયરેક્ટર શશાંક પંડ્યા, GCSના CEO સતિષ રાવ, મેડિસીટીની વિવિધ હોસ્પિટલ અને સંષ્થાના વડા , હેલ્થકેર વર્કસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન

આ પણ વાંચો: રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો, નવરાત્રી દરમિયાન કુલ 198 પોઝિટિવ કેસ સામે આવ્યા

ABOUT THE AUTHOR

...view details