અમદાવાદ- પોતાના ઘર પર તિરંગો લહેરાવવા ઉત્સુક દરેક વ્યક્તિએ આજે એક વિશિષ્ટ રાષ્ટ્રપ્રેમીને અચૂક યાદ કરવા પડે. એ વ્યક્તિ એટલે પિંગલી વેંકૈયા (Pingli Vainkeya ). આ નામ અજાણ્યું લાગશે, પરંતુ તિરંગાની વાત થતી હોય ત્યારે તેમને અચૂક યાદ કરવા જ પડે. કારણ કે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગાના તેઓ મૂળ સર્જક છે. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) તિરંગાના સર્જક (creator of the tricolor) તરીકે પિંગલી વેંકૈયાને યાદ કરીને સ્મરણાંજલિ અર્પી હતી.
આજે 2 ઑગસ્ટે પિંગલી વેંકૈયાનો જન્મ દિવસ -પિંગલી વેંકૈયા (Pingli Vainkeya ) ને યાદ કરવાનું આજે બીજું વિશેષ કારણ એ છે કે આજે તેમનો જન્મ દિવસ પણ છે. પિંગલી વેંકૈયાનો જન્મ 2 ઑગસ્ટ, 1876ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતાનું નામ વેંકટરત્નમ્મા હતું.
દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મળ્યા હતા- પિંગલી વેંકૈયાએ (Pingli Vainkeya )મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને પછી વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga : અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો
વેકૈયાએ ભારતીય ધ્વજ તૈયાર કરવાનું નક્કી કર્યું- 1906માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા (Pingli Vainkeya )બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. 1916માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે 30 નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી.