- બિનપરંપરાગત ઊર્જા ક્ષેત્રે ગુજરાતની સફળ સિદ્ધિઓની ભૂમિકા આપતા મુખ્ય પ્રધાન
- 2010માં ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપીને ગુજરાતે આજે વન સન-વન વર્લ્ડ-વન ગ્રીડનો સફળ રાહ વિશ્વને બતાવ્યો
- ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્મેન્ટ રિજીયનમાં 5 હજાર મેગાવોટ અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે
- રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો છે, એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન
અમદાવાદઃ મુખ્ય પ્રધાનએ દેશમાં પુન:પ્રાપ્ત ઊર્જાની વૃદ્ધિ અને વિકાસ માટે કાર્યશીલ રહેલા આ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલયના પરિણામદાયી પ્રયાસોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સતત માર્ગદર્શન મળતું રહે છે, તેની સરાહના કરી હતી.
રિન્યુએબલ એનર્જી રોજગારી સર્જનમાં પણ મહત્વ પૂર્ણ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મીટમાં સંબોધન કરતા જણાવ્યું કે, દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89,230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11,264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી સેકટર માત્ર ઊર્જા ઉત્પાદનના વિકલ્પના રૂપમાં નહિ, પરંતુ રોજગારી સર્જન માટે પણ એક મોટા સેકટર તરીકે ઊભરી આવ્યું છે.
રાજ્યમાં 1.70 લાખ ઘરો પર સોલાર રૂફટોપથી ઘર વપરાશ માટે સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે
સૌર ઊર્જા પાર્ક, વિન્ડ પાર્ક દ્વારા ઉત્પાદન એકમોમાં રોજગારીની તકો ખૂલી છે, તો સાથોસાથ નાગરિકો-લોકોને પણ સ્વચ્છ ઊર્જા ગ્રીન કલીન એનર્જી મળે તે માટે રાજ્યમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે 1.70 લાખ રહેણાક મકાનોને સૌર ઊર્જા વપરાશનો લાભ મળ્યો એમ મુખ્ય પ્રધાને ઉમેર્યુ હતું. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત રેસીડેન્સીયલ રૂફટોપ યોજના ‘સૂર્ય ગુજરાત’નો 65 હજાર લાભાર્થીઓને આપીને 190 કરોડ રૂપિયાની સબસિડી આપી છે.
મુખ્ય પ્રધાનએ જણાવ્યું હતું કે, 2010માં જ્યારે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપવાની પહેલ કરી, ત્યારે સૌ માટે આ એક આશ્ચર્ય હતું. આજે હવે તેમનું આ કદમ ‘‘વન સન, વન વર્લ્ડ વન ગ્રીડ’’નો માર્ગ વિશ્વને ચીંધી રહ્યું છે. આ સફળતાને પગલે હવે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનમાં પાંચ હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે.